અમદાવાદએજ્યુકેશનગુજરાતટ્રેન્ડિંગયુટિલીટીવિશેષ

20-22 વર્ષના સક્રિય જીવનમાં એક વ્યક્તિ કેટલી ખ્યાતિ મેળવી શકે?

  • મહિલા દિવસ કોઈ એક જ દિવસે શા માટે હોય? રોજેરોજ મહિલા દિવસ કેમ ન ઉજવી શકાય?
  • સિદ્ધિ અને પ્રસિદ્ધિ પાછળ હંમેશાં સંઘર્ષ જ કારણભૂત હોય એવું નથી, વ્યક્તિની જિજીવિષા પણ મોટું પ્રેરકબળ બની શકે છે

અમદાવાદ, 10 માર્ચ, 2024: લગભગ 20-22 વર્ષના સક્રિય જીવનમાં એક વ્યક્તિ કેટલી ખ્યાતિ મેળવી શકે? વિવિધ ક્ષેત્રમાં કામ કરતા હોય એવા ઘણા લોકોને મળવાનું, તેમની કામગીરી વિશે વાતચીત કરવાની તક મળતી હોય છે, પરંતુ તેમાં અમુક વ્યક્તિત્વ એવાં હોય છે જેમની કામગીરીનો વ્યાપ અને સિદ્ધિની યાદી પ્રભાવિત પણ કરે અને પ્રેરણા પણ આપે. HD News આવાં પ્રેરણાદાયક સ્ત્રી અને પુરુષ મહાનુભાવો વિશે નિયમિત લખવા ધારે છે જેથી નિઃસ્વાર્થ કર્મશીલ વ્યક્તિત્વો વિશે જાણવાથી સમાજ વંચિત ન રહી જાય. આવા જ એક વ્યક્તિત્વ વિશે હમણાં જાણવા મળ્યું જે એક સાથે અનેક પ્રકારની વિશિષ્ટ શૈક્ષણિક, સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે અને માત્ર વિદ્યાર્થીઓના જ નહીં પરંતુ સમાજ ઘડતરમાં પણ નોંધપાત્ર પ્રદાન આપે છે.

ખ્યાતિ પુરોહિત શાહ, ડૉ. ખ્યાતિ પુરોહિત શાહ, આચાર્ય ખ્યાતિ પુરોહિત શાહ, પ્રાધ્યાપક ખ્યાતિ પુરોહિત શાહ, લેખક/અનુવાદક ખ્યાતિ પુરોહિત શાહ, પત્રકાર ખ્યાતિ પુરોહિત શાહ…આમ તો આટલાં સંબોધન અધધ લાગી શકે, પરંતુ શક્ય છે હજુ એકાદ દાયકા પછી બીજા નવાં સંબોધનોનો ઉમેરો થયો હોય!

ના, આમાં ક્યાંય અતિશયોક્તિ નથી. ખ્યાતિબેને જે કામ કર્યું છે અને કરી રહ્યાં છે એના ઉપર નજર નાખીએ તો પણ પૂરી 11 મિનિટ થાય. 11 મિનિટ? એ કેવી રીતે? એનો જવાબ છે- તેમનો બાયોડેટા. પૂરા 11 પાનાંનો બાયોડેટા (અને પાછો તેમાં ઉલ્લેખ છે કે, યાદી લાંબી ન થઈ જાય તેથી માત્ર મુખ્ય મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે)

ખ્યાતિ પુરોહિત શાહ - HDNews
ખ્યાતિ પુરોહિત શાહ – ફોટોઃ ફેસબુક

અલબત્ત, અહીં મહત્ત્વ બાયોડેટાનું નહીં પણ તેમાં જે વ્યાપ છે તે અગત્યનો છે. સાયકોલોજીના વિષય સાથે કૉલેજના અભ્યાસનું સ્વપ્ન પૂરું ન થતાં કૉલેજમાં હિન્દી – ગુજરાતી અને સંસ્કૃત વિષયો પસંદ કર્યા અને કદાચ ત્યાંથી જ તેમના જીવનને એક દિશા મળી જે પ્રતિવર્ષ નવાં શિખર સર કરી રહી છે.

સ્નાતક થયા પછી પત્રકારત્વનો અભ્યાસ, પત્રકારત્વ (હિન્દી)માં પ્રતિષ્ઠિત સાહિત્યકાર ડૉ. બિન્દુ ભટ્ટના માર્ગદર્શનમાં પીએચ.ડી. અને વિષય પણ કેવો! “હિન્દી વ્યંગ કી મુદ્રિત એવં દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ (શરદ જોશીના સંદર્ભમાં).” વધારે પડતા અલંકારોનો ઉપયોગ કર્યા વિના ખ્યાતિબેનની કામગીરીના વ્યાપ ઉપર નજર નાખીએ તો – તેઓ પ્રારંભમાં (2005થી 2009) સક્રિય રીતે પત્રકારત્વમાં જોડાયેલાં રહ્યાં, પરંતુ ત્યારબાદ હજુ આજે પણ ફ્રીલાન્સ પત્રકાર તરીકે કામગીરી કરી જ રહ્યાં છે. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની વિવિધ પત્રકારત્વ કૉલેજમાં વિઝિટિંગ ફૅકલ્ટી તરીકે સક્રિય ખ્યાતિબેન પ્રાધ્યાપકોના પણ પ્રાધ્યાપક છે, અર્થાત UGC દ્વારા પસંદગી પામતા પ્રાધ્યાપકોના રિફ્રેશર કોર્સ લેનાર વિદ્વાનો પૈકી એક ડૉ. ખ્યાતિબેન પણ છે. આ બધી કામગીરીની વચ્ચે વચ્ચે તેઓ આકાશવાણી (રેડિયો) તેમજ દૂરદર્શન (ટીવી) જેવાં માધ્યમો સાથે પણ સક્રિય રીતે સંકળાયેલાં છે. આ બંને માધ્યમ પર તેઓ સમાચાર વાચન, સ્ક્રિપ્ટ લેખન તેમજ ઍન્કરની ભૂમિકા પણ એટલી જ ઉત્તમ રીતે નિભાવે છે.

અને હા, અંગ્રેજીમાં કહે છે ને- લાસ્ટ બટ નોટ ધ લીસ્ટઃ ખ્યાતિબેન ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા નિર્માણાધીન સંગ્રહાલયો માટે લેખનકાર્ય પણ કરે છે. અમદાવાદના સાયન્સ સિટીની એક્વેટિક ગેલરી તેમજ રોબોટિક ગેલરીથી માંડીને ચોટિલાસ્થિત ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને પુષ્ટિ સંપ્રદાય, નાથદ્વારા સંગ્રહાલય માટેનું લેખનકાર્ય પણ તેમણે કર્યું છે. કદાચ કોઈ વ્યક્તિની વર્સેટાલિટીનું આનાથી ઉત્તમ ઉદાહરણ બીજું હોઈ ન શકે!

ખ્યાતિ પુરોહિત શાહ- HDNews
ખ્યાતિ પુરોહિત શાહ – ફોટોઃ ફેસબુક

ખ્યાતિબેને બે પુસ્તક લખ્યાં છે (પાંડુરંગ શાસ્ત્રી, જીવન ચરિત્ર તથા ધ્યાનચંદ, જીવન ચરિત્ર), તે ઉપરાંત ત્રણેક પુસ્તક સહ-સંપાદનમાં લખ્યાં છે અને તેમના અનુવાદના પાંચ પુસ્તક ટૂંક સમયમાં પ્રકાશિત થશે, જેમાં મિથિલાંચલ ડાયરી, કાકાસાહેબ કાલેલકર જીવન ચરિત્ર, અહર્નિષમ- ગુજરાત પોલીસની વાતો, વિહલ-દર્શન- સંત વિસામણબાપુનું જીવનચરિત્રનો સમાવેશ થાય છે.

રાજ્યની ઓછામાં ઓછી પાંચ કૉલેજમાં હિન્દી ભાષા તેમજ પત્રકારત્વના વિષયના વિઝિટિંગ ફૅકલ્ટી તરીકે કાર્યરત ખ્યાતિબેન વિદેશી નાગરિકોને ઑનલાઇન માધ્યમથી હિન્દી ભાષા પણ શીખવાડે છે. ખ્યાતિબેને જે સેમિનાર અને વર્કશોપમાં વક્તા તરીકે ભાગ લીધો છે તેની વિગતો લખવી હોય તો અલગ લેખ કરવો પડે એટલી લાંબી છે. આ તમામ કાર્યક્રમોમાં તેમણે રજૂ કરેલા સંશોધનપત્રોના વિષય વૈવિધ્ય પણ એટલા જ રસપ્રદ અને વ્યાપક છે. થોડાં ઉદાહરણ જોઇએ તો- ‘नाथ परंपरा का भारतीय साहित्य पर प्रभाव’, ‘राष्ट्रीय शिक्षा नीति-2020 एवम् भारतीय साहित्य’, : ‘गुजरात के संदर्भ में प्रयोजनमूलक हिन्दी और इलेक्ट्रोनिक मीडिया के अनुप्रयोग’, ‘भारतीय साहित्य में सामाजिक समरसता’, ‘गुजरात के भक्त कवि नरसिहं मेहता का भक्ति साहित्य’, ‘हिन्दी व्यंग्य साहित्य’ વગેરે વગેરે વગેરે. આવું જ તેમને મળેલા પુરસ્કારો અને સન્માનનું છે. તેની યાદી પણ અલગ લેખ માગી લે.

ખ્યાતિ પુરોહિત શાહ - HDNews
ખ્યાતિ પુરોહિત શાહ – ફોટોઃ ફેસબુક

ખ્યાતિબેનનું એક કામ જે માત્ર ગુજરાતીઓને જ નહીં, ભારતવાસીઓને પણ ઉપયોગી થઈ શકે એવું છે તે છે નર્મદા પરિક્રમા વિશેનું દસ્તાવેજીકરણ. उत्तरवाहिनी नर्मदा परिक्रमा નામે તેમના વીડિયો ઘણા માહિતીસભર છે. (https://youtu.be/CZc83JwkzB4?si=m4PMUd0EeMAP2tDt)

વાતચીત દરમિયાન ઉછેર અને વ્યક્તિત્વ વિકાસમાં માતા-પિતા, ગુરુજનો, જીવનસાથી તથા અન્ય મહાનુભાવોને યાદ કરીને વારંવાર લાગણીશીલ બની જનાર ખ્યાતિબેને એક વાત ભારપૂર્વક જણાવી કે, તેમને કદી એવું નથી લાગ્યું કે પોતે અહીં સુધી પહોંચવા સંઘર્ષ કરવો પડ્યો હોય. અર્થાત મક્કમ નિર્ધાર કર્યો અને એ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખ્યું, એમ કરતાં સમય અને સંજોગો પણ સાનુકૂળ થતા ગયા. તેમની આ વાત ઘણું કહી જાય છે. સફળ થનાર દરેક વ્યક્તિ પોતાના સંઘર્ષ વિશે વાત કરતા હોય છે, પત્રકારો પણ તેમના સંઘર્ષ વિશે ખાસ પૂછતા હોય છે અને તેને હાઈલાઈટ કરતા હોય છે, પરંતુ આ બાબતે ખ્યાતિબેનનો દૃષ્ટિકોણ પોતે પ્રેરણાદાયક છે. જે કંઈ કર્યું તેને સંઘર્ષનું નામ આપવાને બદલે જિજીવિષા, પરિસ્થિતિ અને પરિવર્તનનો સહજ સ્વીકાર અને તેની સાથે આગળ વધવાની તૈયારી વ્યક્તિને સંઘર્ષ શબ્દના સીમિત દાયરામાંથી બહાર લઈ જાય છે, ઊંચે લઈ જાય છે.

8 માર્ચે મહિલા દિવસ નિમિત્તે HDNews દ્વારા કરવામાં આવેલા વિશેષ કવરેજ અહીં વાંચી શકાશે :-

(1) સાયકલિંગ, પર્યાવરણ અને યોગ- ઉંમરનો કોઈ પડાવ નડ્યો નથી સંજીતા સિંઘ નેગીને

(2) પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા મહિલા દિવસનું આયોજન

(3) ગુજરાતની મહિલાઓને અભય બનાવતી ૧૮૧ અભયમ્ હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતાનાં ૯ વર્ષ

(4) મહિલા સશક્તિકરણનું સર્વોચ્ચ સ્તર એટલે “સશસ્ત્ર-પથ”: તુ ન થકેગી – ન ઝૂકેગી

(5) મહિલા સશક્તિકરણ આપબળે પણ થઈ શકે, પૂછો અનુષ્કા જયસ્વાલને

Back to top button