મેડિકલ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર GST લગાવી સરકારે 3 વર્ષમાં કેટલી કમાણી કરી? મંત્રીએ સંસદમાં આપી માહિતી
નવી દિલ્હી, 06 ઓગસ્ટ : મેડિકલ અને જીવન વીમા પર GST હટાવવા અથવા ઘટાડવાની માંગ વચ્ચે, સરકારે સોમવારે સંસદમાં જણાવ્યું હતું કે સરકારને છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો દરમિયાન આ ક્ષેત્રમાં કરમાંથી 21,256 કરોડ રૂપિયા મળ્યા છે, જેમાં 2023-24 સમયગાળા દરમિયાન 8,263 કરોડ રૂપિયા મળ્યા છે. સંસદમાં એક પ્રશ્નના જવાબમાં, નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022 થી નાણાકીય વર્ષ 24 સુધી આરોગ્ય વીમા પ્રિમીયમમાંથી GST કલેક્શન રૂ. 21,000 કરોડથી વધુ હતું, જ્યારે આરોગ્ય રિઇન્શ્યોરન્સ પ્રિમિયમમાંથી આશરે રૂ. 1,500 કરોડ હતું.
મેડિકલ વીમા પર 18 ટકા GST
જુલાઈ 2017થી નવી સિસ્ટમ અમલમાં આવ્યા પછી, તબીબી વીમા પર 18% GST વસૂલવામાં આવે છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ ટેક્સ પાછો ખેંચવામાં આવશે. ત્યારે મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘જીવન વીમા અને આરોગ્ય વીમા પર જીએસટી દરમાં છૂટ અથવા ઘટાડો કરવાની વિનંતી કરતી અપીલો આગળ આવી છે.’ તેમણે કહ્યું કે, GST કાઉન્સિલની ભલામણો પર નિર્ધારિત કરવામાં આવે છે, જે એક બંધારણીય સંસ્થા છે જેમાં કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો બંનેના પ્રતિનિધિઓ સામેલ છે. મંત્રીએ કહ્યું કે સમાજના ગરીબ વર્ગો અને દિવ્યાંગો માટેની કેટલીક વીમા યોજનાઓ, જેમ કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના, સાર્વત્રિક સ્વાસ્થ્ય વીમા યોજના, જન આરોગ્ય વીમા નીતિ અને નિરામય સ્વાસ્થ્ય વીમા યોજનાને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ પણ વાંચો : ગઈકાલના કડાકા બાદ આજે શેરબજારમાં રિકવરી, સેન્સેક્સ 900થી વધુ પોઇન્ટ ઉછળ્યો
ગડકરીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ 28 જુલાઈના રોજ એક પત્ર લખીને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને જીવન અને મેડિકલ ઈન્સ્યોરન્સ પર લાગુ જીએસટી હટાવવાની માંગ કરી હતી. તેમણે આ કરને ‘જીવનની અનિશ્ચિતતાઓ પર કર લાદવા’ તરીકે ગણાવ્યો હતો. વીમા પર GST તમારા પ્રીમિયમની રકમમાં વધારો કરે છે અને તમારે વધુ ખર્ચ કરવો પડે છે.
GST લાગુ કરવામાં આવ્યો તે પહેલા વીમા પર 15% ટેક્સ લાગતો હતો
1 જુલાઈ, 2017 ના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવેલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એ ભારતની કર પ્રણાલીમાં એક મોટો ફેરફાર કર્યો છે અને ત્યારથી, અલગ કરને બદલે સમગ્ર દેશમાં એક જ કર વસૂલવામાં આવે છે. GST એક પરોક્ષ કર છે, જે ઘરગથ્થુ ઉત્પાદનો, કપડાં, ઉપભોક્તા સામાન, ઇલેક્ટ્રોનિક્સ, પરિવહન, રિયલ એસ્ટેટ તેમજ સેવાઓ પર લાદવામાં આવે છે. વીમાને પણ નાણાકીય સેવા ગણવામાં આવે છે અને તેનો આ શ્રેણીમાં સમાવેશ થાય છે. ટર્મ ઈન્સ્યોરન્સ અને મેડિકલ ઈન્સ્યોરન્સ બંને પર 18 ટકાના સમાન દરે GST વસૂલવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે જ્યારે GST લાગુ કરવામાં આવ્યો તે પહેલા વીમા પર 15% ટેક્સ લાગતો હતો, પરંતુ GST લાગુ થયા બાદ 1 જુલાઈ 2017થી 18% ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. વેરાના દરમાં 3%ના આ વધારાની સીધી અસર વીમા પોલિસીના પ્રીમિયમ પર પડી છે, જેના કારણે પ્રીમિયમના ભાવમાં વધારો થયો છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓની તાલિબાની ક્રૂરતા, હોટલ પર હુમલો કરી 8 લોકોને જીવતા સળગાવી દીધા, અનેક ઘાયલ