સંરક્ષણ માટે આ બજેટમાં કેટલી ફાળવણી કરી ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમણે?


નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી, 2025: ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી અને વર્તમાન નાણાંમંત્રી નિર્મલા સિતારમણે તેમનાં 2025-2026ના (Budget 2025) બજેટમાં દેશના સંરક્ષણ ક્ષેત્ર માટે કેટલી જોગવાઈ કરી છે? શું આ વર્ષે તેમણે ભારતના સંરક્ષણ બજેટમાં વધારો કર્યો છે કે પછી ગયા વર્ષ જેટલું જ યથાવત્ રાખ્યું છે?
શનિવારે લોકસભામાં રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં યુવાનો, મહિલાઓ, શિક્ષણ અને આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટ 2025માં સંરક્ષણ ક્ષેત્ર માટે પણ મોટી ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્રીય બજેટ 2025માં ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે 6.8 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
નાણાંમંત્રીએ રજૂ કરેલા કેન્દ્રીય બજેટ 2025-26માં સંરક્ષણ ક્ષેત્ર માટે કુલ 6.8 લાખ કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરવામાં આવી છે. માહિતી અનુસાર આ બજેટ અંદાજિત GDP ના 1.91 ટકા છે. 6.8 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ બજેટમાં 1.8 લાખ કરોડ રૂપિયા ભંડોળ બજેટ માટે રાખવામાં આવ્યું છે. આ રકમથી નવાં શસ્ત્રો, યુદ્ધવિમાનો, યુદ્ધ જહાજો અને અન્ય લશ્કરી સાધનો ખરીદવામાં આવશે.
આ અગાઉ 2024ના બજેટમાં ભારતના સંરક્ષણ મંત્રાલય માટે 6.21 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ રકમ નાણાકીય વર્ષ 2023-24 કરતાં 4.79 ટકા વધુ હતી. ત્યારબાદ કુલ 5.94 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું. એટલે કે આ વખતે વર્ષ 2025-26ના બજેટમાં સંરક્ષણ ક્ષેત્રનો હિસ્સો લગભગ 60 હજાર કરોડ રૂપિયા વધારવામાં આવ્યો છે.
ભારતના પાડોશી દેશ ચીને ગયા વર્ષે 225 અબજ યુએસ ડૉલરના સંરક્ષણ બજેટની જાહેરાત કરી હતી. તે જ સમયે આપણા બીજા પાડોશી દેશ પાકિસ્તાને ગયા વર્ષે તેનું સંરક્ષણ બજેટ વધારીને 1.8 લાખ કરોડ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે રકમ પાકિસ્તાનના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના આશરે 1.7 ટકા હતી.
આ પણ વાંચોઃ બજેટ 2025-26: નાના મોડ્યુલર રિએક્ટર (SMR)ના R&D માટે વિશેષ જોગવાઈ
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD