નાસભાગ બાદ પ્રયાગરાજથી કેટલી ટ્રેન રવાના થઈ? કેટલા શ્રધ્ધાળુઓને બહાર કઢાયા? રેલમંત્રીએ આપી માહિતી
નવી દિલ્હી, 30 જાન્યુઆરી : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહા કુંભ મેળામાં નાસભાગ બાદ પરિસ્થિતિને સામાન્ય બનાવવામાં રેલવેએ મહત્વનું યોગદાન આપ્યું હતું. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અકસ્માતમાં 30 લોકોના મોત બાદ રેલ્વેએ શ્રદ્ધાળુઓને શહેરની બહાર કાઢવા અને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે મોટા પાયે ટ્રેનો દોડાવી હતી. તેમણે એ પણ માહિતી આપી કે રેલ્વે સેવાઓની મદદથી લગભગ 12 લાખ શ્રદ્ધાળુઓ તેમના ગંતવ્ય સ્થાને પહોંચ્યા છે.
અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જણાવ્યું હતું કે 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે સંગમમાં પવિત્ર સ્નાન કરીને ઘરે પરત ફરતા ભક્તોની સુવિધા માટે, પ્રયાગરાજના વિવિધ સ્ટેશનોથી વિવિધ સ્થળોએ 364 ટ્રેનો દોડાવવામાં આવી હતી. 364 ટ્રેનોના સંચાલનની ઝોન-વાર વિગતો આપતાં, રેલવે બોર્ડના માહિતી અને પ્રચાર વિભાગના કાર્યકારી નિર્દેશક, દિલીપ કુમારે જણાવ્યું હતું કે પ્રયાગરાજથી વિવિધ સ્થળો માટે રવાના થયેલી આ 364 ટ્રેનો સિવાય, અન્ય સ્થળોએથી 77 ટ્રેનો પ્રયાગરાજ પહોંચી હતી.
13,450 ટ્રેનો દોડાવવાની યોજના
મહાકુંભ મેળાના સમગ્ર સમયગાળા દરમિયાન, રેલ્વેએ લગભગ 13,450 ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે, જેમાં 10,028 નિયમિત ટ્રેનો અને 3,400 વિશેષ ટ્રેનોનો સમાવેશ થાય છે તેમ દિલીપ કુમારે જણાવ્યું હતું. વૈષ્ણવે કહ્યું કે રેલ્વે સેવાઓની મદદથી લગભગ 12 લાખ શ્રદ્ધાળુઓ તેમના ગંતવ્ય સ્થાને પહોંચ્યા છે. વૈષ્ણવે કહ્યું, રેલ્વે બોર્ડ તેમજ ત્રણ સંબંધિત ઝોનના અધિકારીઓ ભક્તોને પર્યાપ્ત ટ્રેન સેવાઓ પ્રદાન કરવા માટે રાજ્ય સરકાર સાથે સતત સંકલન કરી રહ્યા છે.
મિશન મોડ પર કામ થઈ રહ્યું છે
રેલ્વે મંત્રીએ કહ્યું કે રેલ્વે અને ઉત્તર પ્રદેશ સરકાર બંને આના પર મિશન મોડમાં કામ કરી રહ્યા છે. વૈષ્ણવના જણાવ્યા અનુસાર, રેલવેએ મુસાફરો માટે મોટા હોલ્ડિંગ વિસ્તારો બનાવ્યા છે, જ્યાં તેઓ બેસીને તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ટ્રેનની રાહ જોઈ શકે છે. રેલ્વે મંત્રીએ શ્રદ્ધાળુઓને ટ્રેનમાં ચઢવા માટે વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાનો અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો :- વડાપ્રધાન મોદીનો 5મી ફેબ્રુઆરીનો મહાકુંભનો પ્રવાસ રદ્દ થવાની શક્યતા