ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં બોર્ડની પરીક્ષામાં ઉત્તરવહીની ચકાસણી વખતે માર્ક્સના સરવાળામાં ભૂલ કરતાં શિક્ષકોને શિક્ષણ બોર્ડ દ્વારા દંડ કરવામાં આવે છે. ગુજરાત શિક્ષણ બોર્ડ સત્તાવાળાઓએ રાજ્યભરના વિવિધ શિક્ષકોને ઉત્તરવહીમાં કરેલી ભૂલ બદલ સપ્ટેમ્બર મહીનામાં નોટિસ ફટકારાઈ છે અને પ્રત્યેક ભૂલ દીઠ 100 રૂપિયાના હિસાબે જેટલી ભૂલો થઈ છે, તેટલો દંડ ફટાકારાયો છે. ત્યારે વિધાનસભામાં સરકારે પાટણના કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે, ધો.10ના 3350 અને ધો.12ના 5868 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
કોંગ્રેસના ધારાસભ્યએ સરકારને સવાલ કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરિટ પટેલના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.ડો. કિરિટ પટેલે સરકારને સવાલ કર્યો હતો કે, 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ધો. 10 અને ધો.12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તરવહીના માર્કસમાં સરવાળામાં ભૂલ કરી હોય તેવા કેટલા શિક્ષકોને કેટલી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. તે પૈકી વર્ષવાર કેટલા શિક્ષકોએ દંડ પેટે કેટલી રકમ જમા કરાવી છે અને કેટલા શિક્ષકો પાસેથી દંડની રકમ વસૂલ કરવાની બાકી છે?
આટલા શિક્ષકોએ દંડ ભર્યો છે
સરકારે કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ધો,10ના 3,350 અને ધો, 12ના 5,868 શિક્ષકોને ઉત્તરવહીમાં માર્ક્સના સરવાળામાં ભૂલ કરવા બદલ દંડ ફટકારાયો છે. જેમાં ધો,10ના શિક્ષકોને 4,803,600 અને ધો.12ના શિક્ષકોને 10,637,603 રૂપિયાનો દંડ ફટકારાયો છે. જેમાથી ધો.10ના 2563 શિક્ષકોએ 3,501,665 રૂપિયાનો દંડ ભર્યો છે. જ્યારે ધો.12ના 3,998 શિક્ષકોએ 6,541,916 રૂપિયા દંડ પેટે ભર્યાં છે. સરકારે એવું પણ જણાવ્યું હતું કે, ધો.10ના 787 શિક્ષકોએ 1,301,935 રૂપિયાનો દંડ ભરવાનો બાકી છે. જ્યારે ધો.12ના 1,870 શિક્ષકોએ 4,095,687 રૂપિયાનો દંડ ભરવાનો બાકી છે.
સરકારે નોટીસ ઈશ્યુ કરી છે
સરકારે કોંગ્રેસના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે,માર્ચ- 2022ની પરીક્ષામાં ભૂલ બદલ દંડ ભરવામાં બાકી રહેલ વિષય શિક્ષકોની શાળાને તથા જિલ્લા શિક્ષણાધિકારી મારફતે જાણ કરાઈ છે અને નોટીસ ઈસ્યૂ કરી છે.જ્યારે બીજી નોટીસ આપવાની કામગીરી પ્રગતિ પર છે. સરવાળા ભૂલ બાબતે મૂલ્યાંકનકાર શિક્ષકને ભૂલ પ્રત્યક્ષ બતાવીને જ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે.સરવાળામાં ભૂલો ન થાય તે માટે મૂલ્યાંકન કેન્દ્રો પર મૂલ્યાંકનકાર ટીમમાં જ એક વેરીફાયરની નિમણૂક કરવાની કામગીરી કરાઈ છે.
આ પણ વાંચોઃગૃહમાં સરકારે પ્રશ્ન ઉડાવી દીધો હોવાનો વિપક્ષનો આક્ષેપ, અદાણી મુદ્દે વિરોધ કર્યો