ગુજરાત એસટીની વોલ્વો બસ થકી કેટલા શ્રધ્ધાળુઓ મહાકુંભમાં પહોંચ્યા, મંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી

ગાંધીનગર, 19 માર્ચ : રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સંચાલિત એસટી બસોને ‘કોમન મેનની શાહી સવારી’ ગણાવતા જણાવ્યું હતું કે, એસ.ટી.ની સવારી આજે લાખો ગુજરાતીઓના સપના સાકાર કરવાનું માધ્યમ બની રહી છે. એસ.ટી.માત્ર પરિવહનનું માધ્યમ જ નહિ, પરંતુ સાડા છ કરોડ ગુજરાતીઓની પાંખો છે.
આ સંદર્ભે મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા, દિવાળી અને રક્ષાબંધન જેવા તહેવારોમાં નાગરિકોને માદરે વતન પહોંચાડવા, શ્રદ્ધાળુઓને સોમનાથ, દ્વારકા અને ડાકોર જેવા યાત્રાધામો ખાતે પહોંચાડવા તેમજ વાવાઝોડા, પૂર જેવી કુદરતી આપત્તિના સમયે નાગરિકોને સલામત સ્થળે પહોંચાડીને આપણી એસ.ટી. સમયસર, સલામત અને સ્વચ્છ સવારી પૂરી પાડી રહી છે.
વિધાનસભા ગૃહ ખાતે વાહન વ્યવહાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં મંત્રી હર્ષ સંઘવીએ પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસના રાજમાર્ગ પર આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સલામત સવારી તેજ રફ્તાર સાથે આગળ વધી રહી છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત એસ.ટી નિગમે ટેકનોલોજી આધારિત અનેક નવા આયામો શરુ કર્યા છે. જેમાં ગુજરાતના બસ ડેપો અને બસ સ્ટેશનોને વધુ અદ્યતન બનાવવામાં આવ્યા છે.
એટલું જ નહિ, નાગરિકોને છેવાડાના ગામો સુધી પહોંચવા માટે સમયસર બસો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિમાસ ૨૦૦ નવી બસ એટલે કે, દરરોજ ૬ નવી બસો નાગરિકોની સેવામાં કાર્યરત કરવામાં આવે છે. માત્ર છેલ્લા ૧૪ માસમાં જ ૨,૯૮૭ નવીન બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત પરિવહનને વધુ કાર્યક્ષમ અને વેગવંતુ બનાવવા માટે અનેક નવા રૂટ પણ શરુ કરવામાં આવ્યા છે. આગામી વર્ષે પ્રજાની સેવામાં નવી ૨,૦૫૦ બસો કાર્યરત કરાશે, તેમ હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, સુંદર, સ્વચ્છ અને ઝડપી નવીન બસો સંચાલનમાં મૂકવાથી અગાઉ દૈનિક ૨૫ લાખ મુસાફરો GSRTCની બસોનો લાભ લેતા હતા, તેમાં દૈનિક ૨ લાખ મુસાફરોનો ઐતિહાસિક વધારો થતા હવે દૈનિક ૨૭ લાખ મુસાફરો આ સેવાનો લાભ લે છે. આ આંકડા એ માત્ર આંકડા નથી નિગમની સુદ્રઢ સેવાની વિશ્વસનીયતાની ખાતરી છે.
મંત્રી હર્ષ સંઘવીએ GSRTCની વિશેષ પહેલ અંગે જણાવ્યું હતું કે, પ્રયાગરાજ ખાતે ૧૪૪ વર્ષે યોજાયેલા સનાતન ધર્મના મહાપર્વ – મહાકુંભમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ નિર્વિઘ્ને સંગમમાં પવિત્ર સ્નાન કરી શકે તે માટે GSRTCએ પ્રવાસન નિગમ સાથે મળીને એક વિશેષ આયોજન કર્યું હતું. રાજ્યની જનતા માટે AC વોલ્વો બસ તથા રહેવાની વ્યવસ્થા સાથે એક પેકેજ બનાવી મહાકુંભ માટે રાજ્યના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ માટે વિશેષ સેવાનું આયોજન કર્યું હતું, જેની ચર્ચા માત્ર ગુજરાત જ નહિ, પરંતુ સમગ્ર દેશમાં થઇ છે.
માત્ર એક જ મહિનામાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી ૨૪ AC વોલ્વો બસ થકી ૧૪૦ ટ્રીપ દ્વારા ૬,૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓએ પવિત્ર મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી છે. ગુજરાતથી ૧,૨૦૦ કરતા વધુ કિલોમીટર પર આયોજિત પ્રયાગરાજ મુકામે બસ સંચાલનનું કાર્ય એ સામાન્ય ન હતુ. કોઇપણ અણબનાવ કે અકસ્માત વગર સફળતાપૂર્વક આ યાત્રા પૂર્ણ કરાવવા બદલ મંત્રી હર્ષ સંઘવીએ એસ.ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર તથા મિકેનિક મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.
મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે વિધાનસભામાં મુખ્યમંત્રીની હાજરીમાં જ ત્રણ માસમાં ૫૦૦થી વધુ નવી બસો, અત્યાધુનિક વોલ્વો પ્રીમીયમ બસો તેમજ ૭૦૦ નવી ટ્રીપ શરુ કરવાનો સંકલ્પ કર્યો હતો. જેની સામે ૬૧૦ નવી બસ તેમજ ૧૦૦ વોલ્વો પ્રીમીયમ બસ નાગરિકોની સેવામાં કાર્યરત કરવામાંઆવી છે. સાથે જ, સંકલ્પથી ત્રણ ગણી વધારે એટલે કે ૨,૧૨૭ ટ્રીપ શરુ કરીને રાજ્ય સરકારે પોતાનો સંકલ્પ ખરા અર્થમાં પરિપૂર્ણ કર્યો છે.
આટલું જ નહિ, એસ.ટી. નિગમની વિવિધ કક્ષામાં ભરતીના સંકલ્પ સામે માત્ર એક જ વર્ષમાં વિવિધ કક્ષામાં ૭,૩૨૬ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ક્લાર્ક કક્ષામાં ૨૬૪ ઉમેદવારોને નિમણૂંક અપાઈ છે. કંડક્ટર કક્ષામાં ૨,૩૨૦ ઉમેદવારોને આગામી ૧૫ દિવસમાં નિમણૂક અપાશે. મિકેનિક કક્ષામાં ૧,૬૫૮ પોસ્ટ માટે જાહેરાતની કામગીરી તેમજ ૩,૦૮૪ ડ્રાઈવરની પોસ્ટ માટે પરીક્ષાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો :- સ્તન પકડવા કે મહિલાનાં વસ્ત્રનું નાડું તોડવાનું જઘન્ય કૃત્ય કોર્ટને ગંભીર અપરાધ ન લાગ્યો!