ગુજરાતમાં આ ચૂંટણી કેવી રીતે અલગ છે? શું તમામ 26 બેઠક જીતવાની હેટ્રિક ભાજપ નહીં કરી શકે?
અમદાવાદ, 6 મે 2024, ગુજરાતમાં કેટલીક બેઠકો એવી છે જ્યાં ભાજપ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરતાંની સાથે વિવાદ જોવા મળ્યો હતો. બીજી બાજુ પુરૂષોત્તમ રૂપાલા અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના નિવેદનથી ક્ષત્રિય અને કોળી પટેલ સમાજ રોષે ભરાયો છે. ઉમેદવારો સામે નારાજગી અને સમાજમાં ફેલાયેલા રોષને કારણે રાજ્યની અમુક બેઠકો પર ભાજપને પડકારનો સામનો કરવો પડી શકે છે. રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, વડોદરા અને સાબરકાંઠા જેવી બેઠકો પર ક્ષત્રિય સમાજના આંદોલનની અસર થઈ છે. આ બેઠકો ભાજપ માટે છેલ્લી બે ટર્મમાં જીતવી સરળ બની હોવા છતાં આ વખતે વિવિધ મુદ્દા ભાજપની ટોચની નેતાગીરીને કનડી રહ્યા છે. અને આ જ કારણે છાને ખૂણે એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, લોકસભા માટે રાજ્યની તમામ 26 બેઠકો જીતીને હેટ્રિક બનાવવાની તક ચૂકી પણ જવાય!
રાજકોટમાં લેઉવા સામે કડવા પાટીદાર વચ્ચે જંગ
રાજકોટ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર મૂળ અમરેલીના છે. ભાજપના પરષોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી લેઉવા પાટીદાર છે. આ બેઠક પર રૂપાલાના ક્ષત્રિયો અંગેનાં નિવેદનના કારણે અને કડવા-લેઉવા પાટીદારની પત્રિકાના વિવાદ વચ્ચે રાજકોટની પ્રજા કોણે પોતાનો મત આપશે એ જોવું રહ્યું. પત્રિકા વિવાદમાં કેટલાક લોકોની ધરપકડ પણ થઈ હતી એટલું જ નહીં પરંતુ છેલ્લે છેલ્લે આ વિવાદમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈનું નામ પણ આવ્યું હતું.
સુરેન્દ્રનગરની જીત કોળી અને ક્ષત્રિય મતદારો નક્કી કરશે
સુરેન્દ્રનગરની બેઠક પર તળપદા કોળી અને ચુંવાળીયા કોળી જ્ઞાતિના ઉમેદવારનો વિવાદ થયો હતો. સ્થાનિકોની માંગ તળપદા કોળી ઉમેદવારની હતી પણ ભાજપે હળવદના ચુંવાળીયા કોળી ચંદુભાઈ શિહોરને ઉમેદવાર બનાવ્યા. કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી જે તળપદા કોળી સમાજના છે. અહીં સાડા ચાર લાખ કોળી મતદારમાં તળપદાનો હિસ્સો ત્રણ લાખ જેવો છે. આ સિવાય ક્ષત્રિયનો ભાજપ સામે વિરોધ પણ અહીં મતદાન માટે મહત્ત્વનું પરિબળ રહેશે.
સાબરકાંઠામાં સ્થાનિક નારાજગી બની શકે છે ભાજપ માટે પડકાર
સાબરકાઠામાં ભીખાજી ઠાકોરના બદલે કોંગ્રેસમાંથી શિક્ષિકા શોભના બારૈયાના નામની જાહેરાત થઈ. ત્યારે તેનો ભીખાજી ઠાકોરના ટેકેદારોએ વિરોધ કર્યો હતો.કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય ઇડર-વડાલી આ બેઠકમાં સૌથી મહત્ત્વનો વિસ્તાર છે જ્યાં થોડા દિવસ પહેલાં ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા સામે સ્થાનિક ક્ષત્રિય આગેવાનો તેમજ કોંગ્રેસના ક્ષત્રિય આગેવાનોએ દેખાવો અને ઉગ્ર વિરોધ કર્યો હતો. એક તબક્કે રમણલાલ વોરા આ વિરોધ પ્રદર્શન દરમિયાન ધક્કામુક્કી કરતા પણ જોવા મળ્યા હતા. જેની અસર લોકસભાના મતદાનમાં જોવા મળે તેવી શક્યતા છે. અહીં 20 ટકા ઠાકોર મતદારો છે ત્યારે ક્ષત્રિયોની નારાજગી કેટલી અસર કરે છે તે જોવાનું રહ્યું.
બનાસકાંઠામાં બે મહિલા ઉમેદવારો વચ્ચે જંગ
બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે. જ્યારે ભાજપે ડૉ. રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતર્યાં છે. ડૉ. રેખાબેન ગેનીબેન જેટલા અનુભવી નથી, પરંતુ તેમની પાસે પક્ષનું પીઠબળ છે. ગયા અઠવાડિયે સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ. રેખાબેનના સમર્થનમાં જનસભા કરી હતી. તો સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનના સમર્થનમાં પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી પ્રચાર માટે આવ્યાં હતાં અને જનસભા કરી હતી. અહીં 19 લાખ જેટલા ઠાકોર અને ચૌધરી મતદારો છે. દર વખતે આ સમાજ જ નક્કી કરે છે કે કોણ જીતશે. અહીં છેલ્લા દિવસોમાં પ્રચાર અને પ્રિયંકા ગાંધીની બેઠક તથા અને ક્ષત્રિય આંદોલનનો લાભ કોંગ્રેસને મળી શકે છે.
આણંદ બેઠક પર પણ ભાજપને મળી રહી છે ટક્કર
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે ભાજપે મિતેશ પટેલને મેદાને ઉતર્યા છે. મિતેશ પટેલના પણ કેટલાક વીડિયો વાયરલ થયા બાદ અહીં પણ ભાજપ સામે નારાજગી જોવા મળી હતી. અહીં કોંગ્રેસનું નેટવર્ક મજબૂત હોવાનું માનવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ અહીં પણ જાહેરસભા કરી હતી. પરંતુ ક્ષત્રિય આંદોલનની અસરને કારણે આણંદ બેઠક ભાજપ માટે એક પડકાર ઊભો કરી શકે છે.
પાટણમાં ઠાકોર સામે ઠાકોર પણ વડગામના મત નિર્ણાયક
પાટણ બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનસિંહ ઠાકોર વચ્ચે સીધી લડાઈ છે. આ લોકસભા બેઠક ઉપર ભાજપ માટે સિદ્ધપુર, ચાણસ્મા, અને ખેરાલું ગઢ છે તો રાધનપુર અને પાટણ પડકાર છે. વડગામમાં ક્ષત્રિય, લઘુમતી અને દલિત સમાજનું પ્રભુત્વ વધારે છે તો ક્ષત્રિય આંદોલનની અસર અને દલિતો તથા લઘુમતી નક્કી કરશે કે કોણ જીતશે.
જામનગરમાં પૂનમબેન માડમ જીતશે?
જામનગર બેઠક પર આમ તો ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ મજબૂતીથી જીતી શકે એમ છે. તેમની સામે કોંગ્રેસે એડવોકેટ જે.પી મારવિયાને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ હવે રૂપાલાનું નિવેદન પૂનમબેનને પ્રચાર દરમિયાન ભારે પડ્યું છે. પૂનમબેનની તમામ સભાઓમાં ક્ષત્રિયોએ હલ્લાબોલ કર્યો હતો. આ બેઠક પર જ્ઞાતિ સમીકરણો પર નજર કરીએ તો પાટીદાર 2.47 લાખ, મુસ્લિમ 2.36 લાખ, આહિર 1.74 લાખ, દલિત 1.62 લાખ, ક્ષત્રિય 1.35 લાખ, અને સતવારા સમાજના મતદારો 1.21 લાખ છે.
ચૈતર વસાવાને કારણે રસપ્રદ બન્યો ભરૂચનો જંગ
ભાજપના સાંસદ મનસુખ વસાવાની છબી પણ લડાયક રહી છે. તેઓ વારંવાર સરકારી અધિકારીઓને ધમકાવતા જોવા મળે છે. રાજકીય વિશ્લેષકોના મતે ભરૂચ અને અંકલેશ્વરના શહેરી મતદારોમાં ભાજપનું હજુ પણ પ્રભુત્ત્વ છે. એ સિવાય આદિવાસી મતદારોને ચૈતર વસાવા તરફ જતાં મનસુખ વસાવા કેટલા પ્રમાણમાં રોકી શકે છે તેના પર ભાજપની જીતનો આધાર છે. આમ આદમી પાર્ટીને આદિવાસી તથા મુસ્લિમ મતોના કૉમ્બિનેશનને કારણે આ બેઠક પર જીતની આશા છે. 36 વર્ષીય ચૈતર વસાવા આદિવાસી સમાજમાં લોકપ્રિય મનાય છે. રાજકીય વિશ્લેષકોના મતે તેમની જીતનો આધાર મુસ્લિમ મતો અને કૉંગ્રેસના નેતાઓના સમર્થન પર રહેલો છે.
અનંત પટેલે વલસાડ બેઠકને ‘હોટ સીટ’ બનાવી
દક્ષિણ ગુજરાતની વલસાડ લોકસભા બેઠક માટે એવી માન્યતા રહી છે કે અહીં જે પક્ષ જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે. અહીંથી કૉંગ્રેસે તેમના વર્તમાન વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે અહીંથી નવા ચહેરા ધવલ પટેલને ટિકિટ આપી છે. કૉંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની છબી એક ‘લડાયક’ આદિવાસી નેતા તરીકેની રહી છે. જેના કારણે કૉંગ્રેસને ફાયદો થશે તેવું વિશ્લેષકો માને છે. લાંબા સમયથી આદિવાસી સમાજના મુદ્દા, પાર-તાપી પરિયોજના, સાગરમાલા પ્રોજેક્ટ જેવી અનેક લડાઈનું કૉંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે નેતૃત્ત્વ કર્યું છે. અહીં ભાજપને સંગઠનની તાકાત અને નરેન્દ્ર મોદીના નામ પર જ નિર્ભર રહેવાનું છે.
આ પણ વાંચોઃગુજરાતમાં મહાસંગ્રામનું કાઉન્ટડાઉન શરૂ, ચૂંટણી સ્ટાફ EVM લઈ મતદાન મથકે જવા રવાના