બ્રિટનમાં PMની પસંદગી કઈ રીતે થાય છે? કેટલાં રાઉન્ડના મતદાન બાદ ફાઈનલ થાય છે નામ? જાણો આખી પ્રોસેસને
બ્રિટનમાં PM પદ પરથી બોરિસ જોન્સનના રાજીનામા બાદ નવા વડાપ્રધાનની શોધ ચાલી રહી છે. બ્રિટનના નવા વડાપ્રધાનની પસંદગી માટે ચૂંટણી પ્રક્રિયા થઈ રહી છે. દેશના નવા વડાપ્રધાન માટેની ચૂંટણીમાં ભારતીય મૂળના અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનક આ રેસમાં પોતાની લીડ જાળવી રહ્યા છે. PMની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનકનો દાવો ઘણો મજબૂત માનવામાં આવે છે.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનના રાજીનામા બાદ નવા PM માટેની ચૂંટણીના પ્રથમ રાઉન્ડ માટે 8 લોકોના નામ પર મહોર લગાવવામાં આવી હતી. સાંસદોના સમર્થનના આધારે આ નેતાઓ ધીમે ધીમે રેસમાંથી બહાર થતા જશે. ભારતીય મૂળની સુએલા બ્રેવમેન પણ PM પદની આ રેસમાંથી બહાર થઈ ગઈ છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની ચૂંટણી!
બ્રિટનમાં વડાપ્રધાનની ચૂંટણી માટે કન્ઝર્વેટિવ પાર્ટીમાં તેના સાથી પક્ષો વચ્ચે PM માટેની રેસ ચાલી રહી છે. બ્રિટનને સપ્ટેમ્બર સુધીમાં નવા વડાપ્રધાનને મળે તેવી અપેક્ષા છે. સૌ પ્રથમ, એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે યુકેની સંસદમાં બહુમતી ધરાવતો પક્ષ તેના નેતાની પસંદગી કરી રહ્યો છે, અત્યારે જનતા PMને પસંદ નથી કરી રહી. અમે જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતા પસંદ કરવાની પ્રક્રિયા શું છે, જેના પછી તે PMની ખુરશી પર બેસી શકશે.
કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતા પસંદ કરવાની પ્રક્રિયા શું છે?
બ્રિટનમાં હાલમાં PM પદ માટે નહીં પરંતુ પાર્ટીના નેતા માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણી પ્રક્રિયા દ્વારા એ નક્કી થશે કે કન્ઝર્વેટિવ પાર્ટીના આગામી નેતા કોણ હશે. આમાં મતદાનના અનેક રાઉન્ડ છે. ચૂંટણી દ્વારા નક્કી થાય છે કે પાર્ટીના કયા ઉમેદવારને સૌથી વધુ સાંસદોનું સમર્થન છે. તેમને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવશે, તેઓ આખરે વડા પ્રધાનની બેઠક પર બેસશે.
મતદાનના કેટલા રાઉન્ડ પછી નામ ફાઈનલ?
બ્રિટનમાં, કન્ઝર્વેટિવ હેડ રેસ માટેના ઉમેદવારો પહેલા નક્કી કરવામાં આવે છે. 20 ટોરી સાંસદોનું સમર્થન ધરાવતા લોકો જ આ રેસમાં ભાગ લે છે. પ્રથમ રાઉન્ડની ચૂંટણી માટે 8 લોકોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રથમ રાઉન્ડમાં 30થી ઓછા મત મેળવનાર કોઈપણ ઉમેદવાર આ રેસમાંથી બહાર થઈ જશે. આ સિલસિલો ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી બે ઉમેદવારો બાકી ન રહે. જ્યારે માત્ર બે ઉમેદવારો બાકી છે, ત્યારે બંને દેશવ્યાપી પ્રચાર દ્વારા પક્ષના સભ્યો પાસેથી મત માંગશે. કન્ઝર્વેટિવ પાર્ટીના દેશભરમાં લગભગ અઢી લાખ કાર્યકરો છે.
કોણ બને છે PM?
બ્રિટનમાં મતદાનના ઘણા રાઉન્ડ પછી, છેલ્લા બે ઉમેદવારો જનતાની સામે તેમનો એજન્ડા રજૂ કરે છે અને પક્ષના સભ્યોને મતદાન કરવા અપીલ કરે છે. બંને ઉમેદવારોમાં જે કોઈ પક્ષનો નેતા બનશે તે દેશના આગામી વડાપ્રધાન પણ બનશે. 5 સપ્ટેમ્બરે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટનના વડાપ્રધાનની જાહેરાત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભારતીય મૂળના ઋષિ સુનક, જે બોરિસ જોન્સનની સરકારમાં નાણા મંત્રી હતા, બ્રિટનના નવા વડાપ્રધાનની રેસમાં સૌથી આગળ છે. વોટિંગના બીજા રાઉન્ડનામાં પણ સુનકને જ સૌથી વધુ મત મળ્યા હતા, જ્યારે કે પેની મોડર્ટ બીજા સ્થાને છે.