સુનીતા વિલિયમ્સની કેવી છે તબિયત? પોતે આપ્યો જવાબ; જાણો વજન ઘટી જવા વિશે શું કહ્યું
- અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ જૂન મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર છે, જે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પરત આવે તેવી શક્યતા છે
નવી દિલ્હી, 13 નવેમ્બર: ભારતીય મૂળના અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ જૂનથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર છે. તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પાછા ફરે તેવી શક્યતા છે. આ દરમિયાન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર હાજર સુનીતા વિલિયમ્સે તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું કે, તેમનું વજન ઘટ્યું નથી પરંતુ વધ્યું છે. તેમણે જણાવ્યું કે, તેમના શરીરમાં ફ્લુઇડ શિફ્ટ થયું છે, એટલે કે તેમના શરીરમાં રહેલા ફ્લુઇડ્સ સમાન રીતે શરીરમાં ફેલાઈ ગયા છે. તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પાછા ફરે તેવી શક્યતા છે.
હાલમાં જ તેની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં જોવા મળ્યું હતું કે, તેમનું વજન ઘણું ઓછું થઈ ગયું છે. આ તસવીર જોઈને ઘણા લોકોએ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ પછી નાસાએ નિવેદન જારી કરીને તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપવું પડ્યું હતું.
મારું વજન ઘટ્યું નથી, વધ્યું છેઃ સુનીતા વિલિયમ્સ
મંગળવારે ન્યૂ ઈંગ્લેન્ડ સ્પોર્ટ્સ નેટવર્કના ક્લબહાઉસ કિડ્સ શો સાથેની વાતચીત દરમિયાન સુનીતા વિલિયમ્સે કહ્યું કે, અંતરીક્ષમાં આવ્યા પછી લોકોનું માથું થોડું મોટું દેખાવા લાગે છે કારણ કે આખા શરીરમાં ફ્લુઇડ્સ સમાનરૂપે ફેલાય છે. તે સંપૂર્ણ સ્વસ્થ છે. લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેવાને કારણે તેમનું વજન વધી ગયું છે. મારી જાંઘ વધી છે અને મારી બટ વધી છે, જેના કારણે અમે ઘણી બધી સ્ક્વોટ્સ એક્સરસાઇઝ કરીએ છીએ.
નાસાએ શું કહ્યું?
નાસાના પ્રવક્તા જિમી રસેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નાસાના તમામ અવકાશયાત્રીઓ નિયમિત મેડિકલ ચેકઅપ કરાવે છે. તેઓનું નિરીક્ષણ સમર્પિત ફ્લાઇટ સર્જન દ્વારા કરવામાં આવે છે. નાસાના તમામ અવકાશયાત્રીઓ સુરક્ષિત છે.
વાયરલ તસવીરને કારણે ચિંતા વધી
મહત્ત્વપૂર્ણ છે કે, સુનીતા વિલિયમ્સની એક તસવીર વાયરલ થઈ હતી. તસવીરમાં જોઈ શકાય છે કે તે તેના મિત્રો સાથે પિઝા અને ચિપ્સ ખાઈ રહી છે. જોકે, સુનીતા વિલિયમ્સની તસવીર જોયા બાદ ઘણા લોકો ચિંતિત છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેના શરીરમાં કેલરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે તેનું વજન નોંધપાત્ર રીતે ઘટ્યું છે. જોકે, સુનીતાએ આ વાતોને નકારી કાઢી છે.
આ પણ જૂઓ: વજન ઉતારવા લાખો ખર્ચ કરી તુર્કી ગઈ મહિલા, ઓપરેશનમાં પોતાનો જીવ ગુમાવ્યો