ચૂંટણીમાં કેવી રીતે તૈયાર થાય છે Exit Poll ? ત્રણ પ્રકારના હોય છે ચૂંટણી સર્વે
ગુજરાતમાં કોની સરકાર બનશે? આ વિશે તો 8 ડિસેમ્બરના જ ખબર પડશે. પણ એ પહેલા આજે સાંજે પોલમાં આ વિશે થોડો અંદાજો તો આવી જ જશે. ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ જ એક્ઝિટ પોલના પરિણામો સામે આવશે અને ચૂંટણી પરિણામોની તસવીર એક્ઝિટ પોલ પરથી સામે આવી જશે. જોકે એવું પણ બને છે કે એક્ઝિટ પોલ ક્યારેક ખોટા સાબિત થાય છે.
આ રીતે કરાવવામાં આવે છે Exit Poll
જણાવી દઈએ કે Exit Pollમાં એક સર્વે કરવામાં આવે છે જેમાં મતદારોને પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ એ પૂછવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો. આ સર્વે મતદાનના દિવસે જ કરવામાં આવે છે એટલે કે સર્વેક્ષણ એજન્સીઓની ટીમો મતદાન મથકની બહાર મતદારોને પ્રશ્ન કરે છે અને એ પરથી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ સર્વે પરથી ચૂંટણી પરિણામોનો અંદાજ લગાવવામાં આવે છે. આ માટે ઘણી એજન્સીઓ ભારતમાં એક્ઝિટ પોલનું આયોજન કરે છે.
ત્રણ પ્રકારના હોય છે ચૂંટણી સર્વે
1. પ્રી પોલ: આ સર્વે ચૂંટણીની તારીખોની જાહેરાત પછી અને મતદાનની શરૂઆત પહેલાં હાથ ધરવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો 3જી નવેમ્બરે જાહેર કરવામાં આવી હતી અને પ્રથમ તબક્કાનું મતદાન 1લી ડિસેમ્બરે શરૂ થયું હતું. એ મુજબ પ્રી પોલ 3જી નવેમ્બર પછી અને 1લી ડિસેમ્બર પહેલાં થઈ ગયો હોય.
2. Exit Poll: જણાવી દઈએ કે આ સર્વે માત્ર મતદાનના દિવસે જ કરવામાં આવે છે. જેમાં મતદારો સાથે વાતચીત કરીને એમને કોને વોટ આપ્યો એ વિશે પૂછવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીનું આયોજન થયું હતું આવી સ્થિતિમાં આ સર્વે દરેક તબક્કાના મતદાનના દિવસે જ કરવામાં આવે છે. આ સર્વે મતદાન મથકની બહાર કરવામાં આવે છે.
3. પોસ્ટ પોલ: આ સર્વે મતદાન પૂર્ણ થયા પછી કરવામાં આવે છે. એટલે કે મતદાન 5 ડિસેમ્બરે પૂરું થયું તો આવતીકાલથી અથવા એકાદ દિવસ પછી પોસ્ટ પોલ સર્વે શરૂ થશે. પોસ્ટ પોલ સર્વેમાં સામાન્ય રીતે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે કયા પ્રકારના મતદારોએ કયા પક્ષને મત આપ્યો છે.
Exit Pollને લઈને ગાઈડલાઇન્સ
ભારતમાં પહેલી વખત એક્ઝિટ પોલ અંગે 1998માં ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી. કલમ 324 હેઠળ ચૂંટણી પંચે 14 ફેબ્રુઆરી 1998ના રોજ સાંજે 5 વાગ્યાથી 7 માર્ચ 1998ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ટીવી અને અખબારોમાં એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલના પરિણામોના પ્રકાશન અને પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો હતો. જણાવી દઈએ કે 1998ની સામાન્ય ચૂંટણીનો પ્રથમ તબક્કો 16 ફેબ્રુઆરીએ અને છેલ્લો તબક્કો 7 માર્ચે યોજાયો હતો.
આ પછી ચૂંટણી પંચ એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ સમયાંતરે સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડે છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 મુજબ તમામ તબક્કાઓ માટે મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી એક્ઝિટ પોલ બતાવી શકાતા નથી. એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન સમાપ્ત થયાના અડધા કલાક પછી એક્ઝિટ પોલના પરિણામો બતાવવામાં આવી શકે છે. આ કાયદા હેઠળ જો કોઈ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક્ઝિટ પોલ અથવા ચૂંટણી સંબંધિત કોઈ સર્વે બતાવે છે અથવા તો કોઈ પણ ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે છે, તો તેને 2 વર્ષ સુધીની જેલ કે દંડ અથવા બંને થઈ શકે છે.
2004માં Exit Poll ખોટા સાબિત થયા હતા
આવા એક્ઝિટ પોલના પરિણામો ક્યારેક ખૂબ જ સચોટ સાબિત થાય છે તો ક્યારેક ખોટા પણ સાબિત થાય છે. જણાવી દઈએ કે 2004ની લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલના પરિણામો અને ચૂંટણીના પરિણામો સાવ વિપરીત હતા. 2004માં એક્ઝિટ પોલમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપ સૌથી મોટી પાર્ટી બનશે અને એનડીએની સરકાર બનશે પણ જ્યારે પરિણામ આવ્યા તો એનડીએ 200નો આંકડો પણ પાર કરી શક્યો નહીં અને 189 પર સમેટાઇ ગયો હતો. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની અને યુપીએની સરકાર બની હતી. આ પછી 2009ની લોકસભા ચૂંટણીમાં પણ એનડીએ અને યુપીએ વચ્ચે જોરદાર ટક્કર થશે તેવું કહેવામાં આવ્યું હતું પણ જ્યારે પરિણામો આવ્યા ત્યારે યુપીએને 262 બેઠકો અને એનડીએને 159 બેઠકો મળી હતી.
જો કે 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીના એક્ઝિટ પોલ સાચા સાબિત થયા અને બંને એક્ઝિટ પોલમાં ભાજપની જીતનું અનુમાન લગાવવામાં આવ્યું હતું અને પરિણામોમાં પણ તે જ રહ્યું. ભાજપે 2014માં 282 અને 2019માં 303 બેઠકો જીતી હતી.