નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સામે આવેલા ભયાનક દ્રશ્યો લોકો આજે પણ ભૂલ્યાં નથી. હોસ્પિટલમાં બેડની ઉણપ, ઓક્સીજન માટે તડફતા દર્દીઓ, શ્મશાન ઘાટમાં સતત સળગતી ચિતાઓની તસવીરે આખા દેશને હલબલાવી નાખ્યો હતો. દેશમાં કોરોનાની ત્રીજી લહેર પાછળ ઓમિક્રોન વેરિયન્ટને જવાબદાર માનવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતની સ્વદેશી વેક્સિન કોરોના પર કેટલી અસરકારક રહેશે તેવા સવાલો ઉઠ્યા હતા. ત્યારે હવે ફરી એક વખત ઓમિક્રોનના નવા વેરિયન્ટ BF.7 વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ચીન, અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં નવા વેરિયન્ટ BF.7ના કેસ સતત વધી રહ્યાં છે. જો કે ભારતમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટ BF.7ના અત્યાર સુધીમાં માત્ર ચાર જ કેસ સામે આવ્યા છે. કોરોનાના BF.7 નવા વેરિયન્ટ વિરૂદ્ધ જૂની વેક્સિન કેટલી અસરકારક રહેશે તેને લઈને લોકોમાં ચિંતા વધી ગઈ છે. જેને લઈને એક સ્ટડીમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. આવો જાણીએ કોરોનાના નવા વેરિયન્ટ વિરૂદ્ધ કેટલી અસરકારક છે જૂની વેક્સિન….
BF.7 પર જૂની વેક્સિન કેટલીક અસરદાર?
સેલ હોસ્ટ અને માઈક્રોબ જર્નલના અભ્યાસ મુજબ BF.7 વેરિયન્ટમાં વેક્સિનમાંથી મળનારી એન્ટીબોડીને ડોજ (ચકમો) આપવામાં સક્ષમ છે. આ સ્ટડી મુજબ BF.7 વેરિયન્ટમાં કોરોનાના વાયરસના પહેલા વેરિયન્ટની તુલનામાં 4.4 ગણી વધુ પ્રતિરોધક ક્ષમતા છે. જો વેક્સિનથી લોકોના શરીર એન્ટીબોડી બન્યા છે તો પણ આ વાયરસ તેમને સંક્રમિત કરી શકે છે. કોરોનાના સ્પાઈક પ્રોટીમાં R346T મ્યૂટેશન હોવાને કારણે આ વેરિયન્ટ પર એન્ટીબોડી અસર નથી કરતી.
BF.7ની R વેલ્યૂ ગત વેરિયન્ટ તુલનાએ સૌથી વધુ
BF.7ની R વેલ્યૂ 10થી 18 વચ્ચે છે. જેનો અર્થ એ છે કે BF.7 વેરિયન્ટથી સંક્રમિત વ્યક્તિ પોતાની આસપાસના 10થી 18 લોકોમાં સંક્રમણ ફેલાવી શકે છે. WHOએ માન્યું છે કે કોરોના વાયરસના અત્યાર સુધીમાં આવેલા તમામ વેરિયન્ટમાંથી BF.7ની R વેલ્યૂ સૌથી વધુ છે. કોરોના વાયરસના આલ્ફા વેરિયન્ટની R વેલ્યૂ 4-5 અને ડેલ્ટા4 વેરિયન્ટની R વેલ્યૂ 6-7 હતી.
શું ભારતે નવા વેરિયન્ટથી ડરવાની જરૂર છે?
વિશેષજ્ઞોનું માનવું છે કે લોકોએ ઓમિક્રોનના નવા વેરિયન્ટથી બચવા માટે કોવિડ ઉપયુક્ત વ્યવહાર અને વેક્સિનેશન અપનાવવું જોઈએ. લોકો સાવધાની રાખે તો આ વેરિયન્ટથી ડરવાની જરૂર નથી. એક્સપર્ટ્સ મુજબ છેલ્લાં કેટલાંક મહિનાથી આ વેરિયન્ટ ભારતમાં છે. તેમ છતાં હજુ સુધી BF.7ના 4 જ કેસ સામે આવ્યા છે. જે દર્શાવે છે કે આ વેરિયન્ટથી ડરવાની કોઈ જ જરૂર નથી. જો કે વિશેષજ્ઞોએ ચેતવણી આપી કે તમામ પ્રકારની સ્થિતિઓ માટે તૈયાર રહેવું જોઈએ.