વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના સર્વેસર્વા હવે ‘જેલમાં’!
રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની આજે ડેરીના કર્મચારીઓના બોનસમાં કથિત કૌભાંડને મામલે ધરપકડ થઈ છે. જે પછી કોર્ટે તેમને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે. પણ કેવી રીતે એક ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી કૌભાંડોના ભોગ બની ગયા ?
જો વાત શરૂઆતથી કરવામાં આવે તો દૂધસાગર ડેરીમાં આગામી જાન્યુઆરીમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, ભાજપ તેમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માંગે છે. કેમ કે રાજ્યના 33 જિલ્લાઓની સહકારી ડેરીઓમાં મહેસાણાની ડેરીને બાદ કરતાં તમામ સ્થાનો પર ભાજપના નેતાઓ સત્તા સ્થાને રહેલા છે. જેથી અહીં સત્તા સ્થાપવાનો પ્રથમ પ્રશ્ન રહેલો છે.
વિપુલ ચૌધરી 2005થી દૂધસાગર ડેરીના ચેરમેન પદ પર હતા. 2013 સુધીમાં ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના 17 સભ્યોમાંથી 12 સભ્યો ભાજપના હોવા છતાં કોઈ તકલીફ ન થઈ. 2013માં નરેન્દ્ર મોદીને જાહેરમાં પગે લાગ્યા પછી એમણે રાહુલ ગાંધી સાથે બંધ બારણે મુલાકાત કરી અને 2014થી વિપુલ ચૌધરીની મુસીબતોની શરૂઆત થઈ.
આ પણ વાંચો : દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અટકાયત, સામે આવ્યા કરોડોના બોગસ વ્યવહાર
ભ્રષ્ટાચારનો આરોપ
જેમાં સૌથી પહેલો આરોપ વિપુલ ચૌધરી પર 7000 ટન મિલ્ક પાવડર સસ્તામાં વેચીને ભ્રષ્ટાચાર કર્યો સહકારી આગેવાનો તરફથી આરોપ લાગ્યો હતો. આ ઉપરાંત વિપુલ ચૌધરી પર ખાંડ અને મોલાસિસની ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ પણ થયો. સાગર દાણનું કથિત 22 કરોડનું કૌભાંડ સામે આવ્યું. આ અંગે સહકારી રજિસ્ટ્રાર પ્રતીક ઉપાધ્યાયે તપાસ કરી હતી.
ચેરમેનપદ ગુમાવ્યું
‘સાગર દાણ’ના કૌભાંડના આરોપ બાદ રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીના ચેરમેને ડેરીમાંથી એમનું સભ્યપદ રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને વિપુલ ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો અને જસ્ટિસ એસ. એચ. વોરાએ આદેશ સામે સપ્ટેમ્બર 2018માં સ્ટે આપ્યો હતો.
અગાઉ વિપુલ ચૌધરીને ગેરરીતિના મામલે દૂધસાગર ડેરીના ચેરમેનપદેથી દૂર કરવાના અને ત્રણ વર્ષ સુધી ચૂંટણી નહીં લડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ 31 જુલાઈ 2019માં સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રિબ્યુનલે વિપુલ ચૌધરીને ‘સાગર દાણ’ના 22.5 કરોડના કેસમાં 40% રકમ એટલે કે 9 કરોડ રૂપિયા જમા કરાવવાનું કહ્યું. આ નવ કરોડની રકમનો હાલ થયેલી ધરપકડ સાથે નાતો છે.
બોનસ કૌભાંડ
એક કૌભાંડથી બચવા માટે બીજું કૌભાંડ કર્યું જેમાં તેઓ ફસાયા. વિપુલ ચૌધરી સામે 9 કરોડના ગોટાળાની ફરિયાદ કરનારા દૂધસાગર ડેરીના ડિરેક્ટર અશોક ચૌધરીએ કરી હતી. વિપુલ ચૌધરીએ ડિરેક્ટર નહીં હોવા છતાં કર્મચારીઓને બમણું બોનસ આપવાની એમના સાગરિતો મારફતે જાહેરાત કરી હતી. આ નાણાં ડેરીમાંથી એમનાં ખાતાંમાં જમા કરાવ્યાં. કોરા ચેક લખાવી વિપુલ ચૌધરી એ નવ કરોડ જમા કરાવ્યા હતા. જે પછી વિપુલ ચૌધરીએ 17 બોગસ કંપની બનાવી 320 કરોડ ટ્રાન્સફર કર્યા. નાણાંકીય ગેરરીતિ મામલે હવે તેમની તથા તેમના CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે.
એટલું જ નહીં વિપુલ ચૌધરીએ પોતાના દૂધ સંઘના શાસનકાળ દરમિયાન કરેલા ભ્રષ્ટાચારની રકમને સેટ કરવા માટે અલગ અલગ 25 કરતાં વધુ બોગસ કંપની બનાવી હોવાની માહિતી એસીબી તરફથી પ્રાપ્ત થઈ રહી છે. આ બોગસ કંપની બનાવવા માટે બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો હોવાની જાણકારી મળી રહી છે.
વિપુલ ચૌધરીએ લેખિત નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, સરકારનો આ આરોપ ખોટો છે. તેમણે પોતાની જમીન વેચીને પૈસા જમા કરાવ્યા છે. કોઈ ઉચાપત કરી નથી. વિપુલ ચૌધરી સામેની આ ફરિયાદને આધારે સી.આઈ.ડી. ક્રાઇમ બ્રાન્ચે એમની ધરપકડ કરી કોર્ટેમાંથી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.