ટ્રેન્ડિંગનેશનલ

અસલી પોલીસે લૂંટ કરવા માટે કેવું તરકટ રચ્યું? જાણો ચોંકાવનારો કિસ્સો

  • ઈન્સ્પેક્ટરે નકલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ બનાવી 42 લાખ લૂંટ મચાવી અને ત્યારબાદ હસતા હસતા જેલમાં ગયો

વારાણસી, 25 જુલાઇ: ઉત્તર પ્રદેશના વારાણસીમાં લૂંટની એવી ઘટના બની છે જેણે બધાને દંગ કરી દીધા છે. કારણ કે, આ લૂંટમાં એક સબ ઈન્સ્પેક્ટર પણ સામેલ હતો. બુધવારે પોલીસે સબ ઈન્સ્પેક્ટર (ઈન્સ્પેક્ટર) અને તેના બે સહયોગીની ધરપકડ કરી હતી. જો કે હજુ ત્રણ આરોપીઓ ફરાર છે. તેની શોધખોળ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. કેન્ટ પોલીસ સ્ટેશન હેઠળના નડેસર આઉટપોસ્ટમાં તૈનાત આરોપી સબ ઈન્સ્પેક્ટર અને તેના સાગરિતોએ નકલી ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર તરીકે એક વેપારી પાસેથી 42 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. આ માટે તેમણે ફિલ્મી સ્ટાઈલમાં ષડયંત્ર રચ્યું હતું.

 

લૂંટના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા 

ઈન્સ્પેક્ટર સૂર્યપ્રકાશ પાંડે સહિત લૂંટના કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ લોકોને 24 જુલાઈના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન ઈન્સ્પેક્ટર સૂર્યપ્રકાશ પાંડે હસતા જોવા મળ્યા હતા. આરોપી ઈન્સ્પેક્ટરની આવી તસવીર માત્ર બનારસ કોર્ટમાં જ નહીં પરંતુ સમગ્ર વારાણસી કમિશ્નરેટ પોલીસમાં ચર્ચાઈ રહી છે.

શું છે આ સમગ્ર મામલો?

હકીકતમાં, 22 જૂને એક મોટા બુલિયન વેપારીના બે કર્મચારી પેઢીના 93 લાખ રૂપિયા લઈને બસ દ્વારા તેમના ગંતવ્ય સ્થાને જઈ રહ્યા હતા. ત્યારબાદ રાત્રે કેટલાક લોકોએ વારાણસીના રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમની બસ રોકી હતી. તેમાંથી એક યુનિફોર્મમાં હતો અને બાકીના સાદા કપડામાં હતા. આરોપ છે કે, ક્રાઈમ બ્રાન્ચના હોવાનો બહાનું કરીને તેમણે પૂછપરછના નામે વેપારીના બંને કર્મચારીઓને બસમાંથી ઉતારી દીધા હતા. ત્યારબાદ થોડે દૂર ગયા બાદ તેમની પાસેથી 42.5 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને બાકીના પૈસા પરત કરી દીધા હતા.

જ્યારે કર્મચારીએ વેપારીને આ વાત કહી તો તે ચોંકી ગયો. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી, પરંતુ શરૂઆતમાં સ્થાનિક પોલીસે તેને ગંભીરતાથી લીધી ન હતી. જો કે, હોબાળો વધતાં ઉચ્ચ અધિકારીઓએ SOG દ્વારા મામલાની તપાસ હાથ ધરી હતી. જેમાં આ ઘટનામાં સંડોવાયેલો એક વ્યક્તિ ઝડપાઈ ગયો હતો. તેની પૂછપરછ કરતાં ઈન્સ્પેક્ટર સૂર્યપ્રકાશ પાંડેનું નામ બહાર આવ્યું હતું. આ પછી, જ્યારે ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, ઇન્સ્પેક્ટર ઘટનાના દિવસે ત્યાં જ હાજર હતો અને તેણે ક્રાઇમ બ્રાન્ચનો હોવાનું જણાવીને ગુનાને અંજામ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

કઈ રીતે લૂંટનું કાવતરું ઘડવામાં આવ્યું?

અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, 22 જૂને વારાણસીના એક બિઝનેસમેન તેના કર્મચારીઓ પાસેથી 93 લાખ રૂપિયા ક્યાંક મોકલી રહ્યા હતા. બે કર્મચારી આ પૈસા લઈને બસમાં જઈ રહ્યા હતા, જ્યારે આઉટપોસ્ટ ઈન્ચાર્જ સૂર્યપ્રકાશ પાંડેને તેની જાણ થઈ તો તેમણે લૂંટનો પ્લાન બનાવ્યો. સૂર્યપ્રકાશ પાંડેએ આ લૂંટના પ્લાનમાં અન્ય બે લોકોને સામેલ કર્યા હતા. આ માટે તેમણે તેના એક માણસને ગેરકાયદેસર પિસ્તોલ સાથે બસમાં બેસાડ્યો હતો. બસ હાઈવે પર પહોંચી કે તરત જ ચોકીના ઈન્ચાર્જ અને તેમના સહયોગીઓએ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ હોવાનું કહીને બસને રોકી. ત્યારબાદ બંને કર્મચારીઓને બસમાંથી ઉતારી લેવામાં આવ્યા અને હવાલાના નાણાં હોવાનું કહીને 93 લાખમાંથી 42.50 લાખ રૂપિયા રાખી લીધા અને 50 લાખ પરત કર્યા.

DSPએ શું કહ્યું?

ઘટનાનો ખુલાસો કરતા કાશીના DSP ગૌરવ બંસવાલે કહ્યું કે, સીસીટીવી ફૂટેજ અને CDRની મદદથી આરોપીઓના નામ બહાર આવ્યા છે, જેમાં એક સબ ઈન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે અને તેની ભૂમિકા પણ શંકાસ્પદ છે. લૂંટની ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તે ઉપરાંત ત્રણ આરોપીઓ ફરાર છે. તે જ સમયે, લૂંટાયેલા 42 લાખ રૂપિયામાંથી લગભગ 8 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. બે હથિયારો ઉપરાંત જીવતા કારતુસ પણ મળી આવ્યા છે.

આ પણ જૂઓ: સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, જુઓ કેટલું થયું સસ્તું ?

Back to top button