ટ્રેન્ડિંગનેશનલ

દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું? રિપોર્ટમાં ખુલાસો

  • દુર્ઘટનામાં જનરલ રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય સશસ્ત્ર દળોના કર્મચારીઓના મૃત્યુ થયા હતા

નવી દિલ્હી, 20 ડિસેમ્બર: દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના મૃત્યુનું કારણ Human Error હોવાનું કહેવાય છે. તેમના મૃત્યુના મામલાની તપાસ માટે રચાયેલી સંસદીય સમિતિએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે, 8 ડિસેમ્બર, 2021ના રોજ થયેલા Mi-17 V5 હેલિકોપ્ટર દુર્ઘટના પાછળ માનવીય ભૂલ કારણ હતું. જનરલ રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય સશસ્ત્ર દળોના કર્મચારીઓના મૃત્યુ ત્યારે થયા, જ્યારે તમિલનાડુના કુન્નુર પાસે તેમનું લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું.

સંસદમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો

સંસદ ભવનમાં મંગળવારે રજૂ કરાયેલા એક રિપોર્ટમાં સંરક્ષણ પરની સ્થાયી સમિતિએ 13મી સંરક્ષણ યોજનાના સમયગાળા દરમિયાન ભારતીય વાયુસેનાના વિમાનોની દુર્ઘટનાઓની સંખ્યાના આંકડા આપ્યા હતા. કુલ 34 દુર્ઘટનાઓ થઈ હતી, જેમાં 2021-22માં ભારતીય વાયુસેનાના નવ વિમાન સાથે દુર્ઘટના થઈ અને 2018-19માં 11 વિમાન દુર્ઘટનાનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં ‘કારણ’ નામની કોલમ છે જેમાં દુર્ઘટનાનું કારણ ‘માનવીય ભૂલ’ કહેવામાં આવ્યું છે.

રિપોર્ટમાં લિસ્ટેડ 33મી દુર્ઘટના માટેના ડેટામાં એરક્રાફ્ટનું નામ ‘Mi-17’ બતાવવામાં આવ્યું છે, તારીખ ‘08.12.2021’ અને કારણ ‘HE(A)’ અથવા ‘Human Error (Aircrew)’ તરીકે સૂચિબદ્ધ છે. સંરક્ષણ મંત્રાલયે સમિતિને જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન આ દુર્ઘટનાની 34 તપાસ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર મંત્રાલયે એમ પણ કહ્યું કે, આ તપાસ સમિતિઓની ભલામણો દુર્ઘટનાની પુનરાવૃત્તિને રોકવા માટે પ્રોસેસ, કાર્યપ્રણાલી, તાલીમ, ડિવાઇસ, સંસ્કૃતિ, સંચાલન, જાળવણી અને પ્રશાસનની સંપૂર્ણ સમીક્ષા કરે છે.’

ઘટના ક્યારે અને કેવી રીતે બની?

8 ડિસેમ્બર 2021 એ ભારતીય સેના અને દેશ માટે ખૂબ જ દુઃખદ દિવસ હતો. આ દિવસે, ભારતીય વાયુસેનાનું Mi-17 V5 હેલિકોપ્ટર તમિલનાડુના કોઇમ્બતુરમાં સુલૂર એરફોર્સ બેઝથી વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ માટે ઉડાન ભરી રહ્યું હતું. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને 12 અન્ય સશસ્ત્ર દળના જવાનો આ વિમાનમાં સવાર હતા.

પરંતુ આ યાત્રા એક દુ:ખદ દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી જ વારમાં હેલિકોપ્ટર પહાડો સાથે અથડાયું હતું. આ દુ:ખદ દુર્ઘટનામાં જનરલ રાવત, તેમના પત્ની અને અન્ય 11 જવાનોનું તુરંત મૃત્યુ થયું હતું. આ અકસ્માત બાદ શૌર્ય ચક્ર પુરસ્કાર મેળવનાર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ બચી ગયા હતા. તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે એક અઠવાડિયામાં જ તેમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ જૂઓ: રાજસ્થાનમાં પેટ્રોલ પંપ પર CNG ટેન્કરમાં બ્લાસ્ટ, 5 લોકો ભડથું થઈ ગયા

Back to top button