મા દુર્ગાનું વાહન સિંહ કેવી રીતે બન્યો? શું છે પૌરાણિક કથા?
- માતા દુર્ગાને માતા પાર્વતીનું રૂપ માનવામાં આવે છે. માતા પાર્વતીએ ભગવાન ભોલેનાથને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. આ કઠોર તપ બાદ માતા પાર્વતી અને ભગવાન શિવનાં લગ્ન થયા હતા
Navratri 2023: શારદીય નવરાત્રિ 2023ની શરૂઆત આ વખતે 15 ઓક્ટોબરથી થઇ રહી છે. માતાજીના આગમનની તૈયારીઓ ચારે તરફ થઇ રહી છે. નવરાત્રિ પર્વના નવ દિવસ સુધી માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવશે. ભગવાનના દરેક રૂપનું પોતાનું એક વાહન છે. જે રીતે ભગવાન ગણેશનું વાહન ઉંદર છે, ભગવાન શિવનું વાહન નંદી છે તે રીતે માતા દુર્ગા હંમેશા સિંહની સવારી કરતા દેખાય છે. શું તમે કદી વિચાર્યું કે માતાજી સિંહની સવારી કેમ કરે છે?
માતા દુર્ગાની સવારી સિંહ
માતા દુર્ગાના અનેક નામ જેમ કે શેરાવાલી, સિંહવાહિની, જયા વગેરે છે. પૂજા-અર્ચના બાદ શેરાવાલી માતાની જય બોલાવવામાં આવે છે. સિંહના વાહનના કારણે માતા દુર્ગાને આ નામથી જ બોલાવવામાં આવે છે.
આ છે પૌરાણિક કથા
પૌરાણિક કથાઓ પ્રમાણે માતા દુર્ગા સિંહની સવારી કરે છે. માતા દુર્ગાને માતા પાર્વતીનું રૂપ માનવામાં આવે છે. માતા પાર્વતીએ ભગવાન ભોલેનાથને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. આ કઠોર તપ બાદ માતા પાર્વતી અને ભગવાન શિવનાં લગ્ન થયા હતા. પ્રચલિત કથા અનુસાર એવુ માનવામાં આવે છે કે ભગવાન શિવે મજાક મજાકમાં માતાજીને કાલી કહી દીધું. આ વાતથી ગુસ્સે થઇને માતા કૈલાશ પર્વત છોડીને ચાલ્યાં ગયાં.
કૈલાશ પર્વત થોડ્યા બાદ માતા પાર્વતીએ વનમાં જઇને તપ-સાધના શરૂ કરી દીધી હતી. તપસ્યા દરમિયાન એક ભૂખ્યો સિંહ શિકારની શોધમાં માતા પાસે પહોંચી ગયો. માતાના તપને જોતા સિંહ ચૂપચાપ બેસીને દેવીના ઉઠવાની રાહ જોવા લાગ્યો. કેટલાય વર્ષો વીતી ગયા છતાં તે સિંહ ત્યાં જ બેસી રહ્યો. સમય વીતતો ગયો, પરંતુ માતા તપસ્યામાંથી ઉઠે તેવા અણસાર ન દેખાયા. મા પાર્વતીનું તપ જોઇને ભગવાન શિવ પ્રકટ થઇને દેવીને ગોરા થવાનું વરદાન આપીને ચાલ્યા ગયા. વરદાનના થોડા સમય બાદ માતા પાર્વતી તપમાંથી જાગ્યાં અને ગંગા સ્નાન કરવા ગયાં. સ્નાન પછી તરત માતાની અંદરથી એક દેવી પ્રકટ થઇ, જેનો રંગ અત્યંત કાળો હતો. તે દેવી નીકળ્યા બાદ માતા પાર્વતીનો રંગ અચાનક ગોરો થઇ ગયો. માતાની અંદરથી નીકળેલી દેવીનું નામ કૌશિકી અને દેવી પાર્વતીનું નામ ગૌરી પડી ગયું. માતા પાર્વતીને લોકો મહાગૌરીના નામથી પણ ઓળખે છે
સ્નાન કરીને પાછાં આવ્યાં તો તેમણે જોયું કે નદીની પાસે એક સિંહ ઊભો હતો. તેમને એ વાતની જાણ હતી કે એ સિંહ એમને પોતાનું ભોજન બનાવવા માટે આવ્યો હતો, પરંતુ જ્યારે માતા પાર્વતી તપસ્યામાં લીન હતાં ત્યારે એમની સામે બેઠો રહ્યો હતો, માતા પાર્વતીજીની સાથે સાથે એણે પણ તપસ્યા કરી હતી. ત્યારબાદ માતા પાર્વતીએ સિંહને આશીર્વાદ આપ્યા અને તેને પોતાની સવારીના રૂપમાં સ્વીકાર કર્યો. આ રીતે માતા દુર્ગાનું વાહન સિંહ બન્યો.
આ પણ વાંચોઃ નવરાત્રિ 2023: સળગતી ઇંઢોણી અને હાથમાં મસાલ સાથે ગરબે રમવાની અનોખી પરંપરા