છત્રપતિ શિવાજી મહારાજે કેવી રીતે ગણેશ ઉત્સવની ઉજવણી કરી હતી? જાણો રસપ્રદ ઇતિહાસ
ગણેશ ઉત્સવનો ઇતિહાસ (ભાગ – 1)
પ્રચલિત સાર્વજનિક ગણેશ ઉત્સવ પહેલા શ્રી સમર્થ રામદાસ સ્વામીએ આ ઉત્સવની શરૂઆત કર્યાની નોંધ ઇતિહાસમાં મળે છે. પ્રચલિત ગણપતિ આરતી સુખકર્તા દુઃખહર્તા – સંપૂર્ણ મહારાષ્ટ્રમાં ગવાય છે. આ આરતી સમર્થ રામદાસ સ્વામીએ રચેલી છે.
રામદાસસ્વામી અને શિવાજીમહારાજનો ગણેશોત્સવ
સમર્થ રામદાસ સુન્દરમઠ નામની જગ્યામાં રહી દાસબોધ ગ્રંથની રચના કરી રહ્યા હતા. આ વાસ્તવયને દસ વર્ષ પૂર્ણ થયા ત્યારે 1658ના વર્ષમાં સ્વામી સમર્થ નાશિકમાં ભરાયેલા કુંભમેળામાં જવા માટે સુન્દરમઠથી નીકળ્યા. સુન્દરમઠમાં હતા ત્યારે જ તેમને અફઝલખાન નામનું વિઘ્ન મહારાષ્ટ્ર પર આવી રહ્યું છે તેની જાણ થઈ. સમગ્ર મહારાષ્ટ્રમાં સંચાર કરતા સ્વામીના શિષ્યો દ્વારા પણ આ વાત એમના સુધી વારંવાર પહોંચતી હતી. મહારાષ્ટ્રમાં અષ્ટવિનાયક પૈકીના પ્રથમ ગણપતિ “વક્રતુંડ ગણેશ” ની સન્મુખ સ્વામી રામદાસ આ આરતી પ્રાર્થના રૂપે ગાઈને અફઝલખાનનું વિઘ્ન દૂર કરવા વિનંતી કરે છે .
આ સુન્દરમઠ છત્રપતિ શિવાજીના સમયમાં શિવધર પ્રાંત તરીકે ઓળખાતું. આ જ સ્થાન પર સન 1674માં છત્રપતિ શિવાજી મહારાજ અને રામદાસ સ્વામીએ મળીને ભાદ્રપદ શુક્લ ચતુર્થી તે માઘ શુક્લ ચોથ ગણેશ જયંતી પર્યન્ત પાંચ મહિના ઉજવ્યો. આ ગણેશ ઉત્સવ હિન્દવી સ્વરાજ્યના સંસ્થપાક છત્રપતિ શિવાજી મહારાજના ગણપતિ ઉત્સવ તરીકે ઓળખાયો. ઉત્સવનો સંપૂર્ણ ખર્ચ શિવાજી મહારાજ દ્વારા થયેલો. એ વર્ષોમાં 121 ખંડી ધાન્ય દાન આપવામાં આવ્યું હોવાની નોંધ મળે છે.
શિવાજી મહારાજ ઉત્સવમાં દર્શન માટે સુન્દરમઠ પધાર્યા ત્યારે રામદાસ સ્વામીએ તેમને 18 અલગ અલગ પ્રકારનાં શસ્ત્રો પ્રસાદરૂપે ભેટમાં આપ્યાં હતાં. મહારાજે રામદાસ સ્વામીને સફેદ ઘોડો ભેટમાં આપ્યો હતો. સમર્થ અહીં શિવાજી મહારાજના રાજ્યભિષેક સુઘી એટલે 1674 સુધી રહ્યા. 1675માં તેઓ સજ્જનગઢ નિવાસ માટે નીકળ્યા. આ જ ગણેશઉત્સવ એ પહેલો ગણેશ ઉત્સવ જે સ્વરાજ્ય નિર્માણ પછી શિવાજી મહારાજ અને રામદાસ સ્વામી એ શરુ કર્યા ની નોંધ છે.
ચિત્તપાવન ભટ્ટ પેશવાઓ અને ગણેશ ઉત્સવઃ
શિવાજી મહારાજના સમયમાં થયેલા મોટા ગણેશોત્સવ બાદ શિવાજી પછી મરાઠા સામ્રાજ્યની હાલત કથળતાં બીજા કોઈ મોટા ગણેશોત્સવની નોંધ મળતી નથી. ત્યારબાદ શિવાજીના પૌત્ર છત્રપતિ સાહુના પેશ્વા તરીકે જે ચિતપાવન ભટ્ટ કુટુંબના બાલાજી વિશ્વનાથ નિમાયા તે ભટ્ટ કુટુંબ ગણેશ ઉપાસક હતું, અને એ કુટુંબમાં ગણેશ સ્થાપના થતી. બાલાજી વિશ્વનાથના દીકરા બાજીરાવ પ્રથમે જ્યારે મરાઠા સામ્રાજ્યને ભારતભરમાં ફેલાવ્યું ત્યારે ૧૭૩૦ આસપાસ ગણેશ ઉત્સવનું સ્વરૂપ પણ પેશવાઈમાં મોટું થતું ગયું.
શ્રીમંત પેશ્વા સરકાર ગણપતિના ઉપાસક હતા. તેથી એમના સમયમાં ગણેશોત્સવ ભવ્ય સ્વરૂપ લેવા લાગ્યો. શ્રીમંત સવાઈ માધવરાવના સહયોગથી શનિવારવાડાના ગણેશ મહેલમાં ખૂબ જ ભવ્ય રીતે ગણપતિ ઉત્સવની શરૂઆત થઈ. તે સમયે આ ઉત્સવ છ દિવસ ચાલતો હતો. એ સમયમાં સરકારી તામજામ સાથે શ્રી ઓમકારેશ્વરના ઘાટ પર નદીમાં ગણપતિ વિસર્જન કરવામાં આવતું . એ જ રીતે સરદાર પટવર્ધન, દીક્ષિત, મુજુમદાર વગેરે જેવા કેટલાક સરદાર પરિવારોમાં પણ શાહી ઠાઠ સાથે ગણેશોત્સવ ઉજવાતો. આ મહોત્સવમાં કીર્તન ઉપદેશ, મંત્રજાપ, ગાન વગેરે કાર્યક્રમો યોજાયા હતા. પેશવાઓ ગયા હોવા છતાં ખાનગી ઉજવણીની આ પ્રથા હજુ પણ ઘણા પરિવારોમાં ચાલુ છે.
પેશ્વા બાજીરાવ પ્રથમના પૌત્ર માધવરાવના સમયમાં પેશવાઓના મહેલ શનિવાર વાડામાં સૌથી મોટો ગણેશોત્સવ શરૂ થયો. પેશ્વા મહેલમાં છેલ્લો ગણેશોત્સવ ૧૮૧૫ માં યોજાયો, કારણકે ૧૮૧૮ માં પેશ્વા બાજીરાવ દ્વિતીયની અંગ્રેજો સામે હાર થતાં જ ગણેશ ઉત્સવ બંધ થઈ ગયો. ૧૮૧૮ માં અંગ્રેજોએ શનિવાર વાડામાંથી એક મોટી સોનાની મૂર્તિ કાઢી જેની આંખો મોતીની હતી, અને તેના પર ઠેર ઠેર માણેક જડેલા હતા. કહેવાય છે તે સમયે તે મૂર્તિની કિંમત ૫૦,૦૦૦/- પાઉન્ડની હતી. ૧૮૧૫ થી ૧૮૯૩ સુધી મુંબઈ – પુણેમાં ગણેશોત્સવ સંપૂર્ણપણે બંધ રહ્યો.
આ પરથી કહી શકાય કે ગણેશોત્સવનું સ્વરૂપ સરદારો, રાજાઓ કે મોટા રાજકુમારો પૂરતું સીમિત હતું. આ મોટી સંસ્થાઓમાં જ્યારે ગણેશોત્સવ ઉજવવામાં આવતો હતો ત્યારે સામાન્ય લોકો પણ તેમાં ભાગ લેતા હતા. વાસ્તવમાં, તે પૂજા, દાન અને ઉપાસના સુધી મર્યાદિત હોવું જોઈએ. તેથી આ ગણેશોત્સવને ‘સાર્વજનિક’ કહેવો કે કેમ તે અંગે શંકા છે. આ ગણેશોત્સવનો ઉદ્દેશ્ય સાર્વજનિક નહિ પરંતુ દરબારી શાહી ધામધૂમથી ઉજવવામાં આવેલો હતો, એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. પેશવાઈ પછી પુણેથી સમગ્ર ભારતમાં ગણેશોત્સવ ફેલાઈ ગયો હોવાના સંકેતો છે. આ કેવો ઉત્સવ હતો તે ચિ. કેલકર દ્વારા લખાયેલ તેઓ લખે છે, “જૂના સમયમાં રાજમહેલો ઉજવણી કરતા હતા, પછી તહેવાર દસ દિવસ સુધી ચાલતો હતો, મહેલોને સફેદ રંગથી શણગારવામાં આવતા હતા, હાથી, ઘોડા, સૈનિકો અને પ્યાદાઓ સરઘસ સાથે આવતા હતા અને મંડપમાં ગાયન, વાદન, કીર્તન થતા. દાન દક્ષિણ,ભેટ અપાતા.’ તે પણ જાણીતું છે કે ગણપતિ પૂજન હિંદુ સમાજની દરેક જાતિ દ્વારા પોતાની સ્થિતિ પ્રમાણે ઉત્સવ કરતા.
૧૮૯૦ પછી સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆતઃ
એવું કહેવાય છે કે 1893માં પુણેમાં ત્રણ સાર્વજનિક ગણેશની સ્થાપના કરવામાં આવી હતી અને શેરીઓમાં આ ગણેશની ઔપચારિક શોભાયાત્રા શરૂ થઈ હતી. આ ગણપતિ ઉત્સવ દસ દિવસનો હતો કે કેમ તે અંગે મતમતાંતર હશે. જોકે, 1893માં આ ગણેશોત્સવ ઉજવાયો તેવી નોંધ ઇતિહાસમાં મળે છે. ભાઉ સાહેબ રંગારીના ઘરે બેઠક યોજાઈ હતી અને તેમાં ગણપતિ સ્થાપના કરી ઉત્સવ કરવો એવો નિર્ણય લેવાયો હતો. આ બૈઠકમાં પુણેના અગ્રણી નાગરિકો અને ધનિકો ઉપસ્થિત હતા. 1893 વર્ષનો સાર્વજનિક ગણેશોત્સવ અને એ પછી નીકળેલી શોભાયાત્રા આકર્ષક સ્વરૂપની થઈ એવી નોંધ પણ મળે છે. અનંત ચતુર્થીના દિવસે શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રાની સાથે કાશીનાથ જાધવની આગેવાનીમાં મેળો પણ યોજાયો હતો.
લોકમાન્ય તિલકના ‘કેસરી’ પત્રમાં (તારીખ 26 સપ્ટેમ્બર, 1893) આનંદપૂર્વક લખ્યું હતું કે, “આ વર્ષે અહીં ગણપતિને પધરાવવાની વિધિ દર વર્ષની સરખામણીએ વધુ અસામાન્ય છે અને વધુ સાર્વજનિક બની છે. ગણપતિને સર્વ જ્ઞાતિ, જાતિના હિંદુઓ પૂજે છે ત્યારે ગણપતિ આગમનનો આ સમારંભ સાર્વજનિક થતા અનાયાસે જ સમગ્ર હિન્દૂ સમાજ સાથે આવવાની જે પ્રવૃત્તિ શરુ થઇ છે તેને વેગ મળશે. આ સાર્વજનિક ગણેશ ઉત્સવમાં જે ગૃહસ્થોએ આગળ રહીને કાર્ય કર્યું છે એમનો આભાર માનવો જોઈએ.’ આ રીતે લખીને લોકમાન્ય તિલકે આ ગણેઉત્સવને પ્રોત્સહન આપ્યાનું દેખાઈ આવે છે.
સાર્વજનિક ગણેશોત્સવના સાચા જનક કોણ? ગણપતરાવ ઘોટાવડેકર, ભાઈસાહેબ રંગારી કે લોકમાન્ય ટિળક? આ પ્રશ્નોના જવાબો શોધતી વખતે તે દરેકના અંગત વિચારો શું હતા અને તેમના વિચારો દ્વારા આ ગણેશોત્સવનું સ્વરૂપ કેવું ઘડાયું તે જોવું અગત્યનું બની જાય છે. જેને આપણે ‘જાહેર’ ગણેશોત્સવ કહીએ છીએ તે શરૂઆતના બે વર્ષમાં ખરેખર સાર્વજનિક હતો કે કેમ તે જોવું પણ જરૂરી છે. નાનાસાહેબ ખાજગીવાલે, ભાઉ સાહેબ રંગારી વિશેની કેટલીક વધુ ઉપેક્ષિત ઘટનાઓનો પરામર્શ ઐતિહાસિક દસ્તાવેજો દ્વારા થવો જોઈએ. (ભાગ – 2 હવે પછી)
સંપાદકઃ પારસ ગુપ્તે, વડોદરા
આ પણ વાંચોઃ ગણેશજીને મોદક કેમ છે પ્રિય? મોદક અને ગણેશ ચતુર્થીનું શું છે કનેક્શન?