ટોપ ન્યૂઝનેશનલ

ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત, રાજનાથે કહ્યું- રાહુલ ગાંધી ગૃહમાં આવીને માફી માંગે

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થતાં જ હોબાળો મચી ગયો હતો. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ગૃહના વરિષ્ઠ નેતા છે. તેઓએ વિદેશી ધરતી પરથી ભારતનું અપમાન કર્યું છે. તેમણે સંસદમાં આવીને માફી માંગવી જોઈએ. તેમના નિવેદન બાદ વિપક્ષે ગૃહમાં હંગામો મચાવ્યો હતો. આ પછી ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો : આજથી બે દિવસ માવઠાની આગાહી, ખેડૂતોની ચિંતા વધી, હવામાન વિભાગે આપી સૂચના

પીયૂષ ગોયલે કહ્યું- રાહુલે ભારતીયોનું અપમાન કર્યું
કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં ભાજપના નેતા પીયૂષ ગોયલે પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર ભારતના લોકો અને ગૃહનું અપમાન કર્યું છે. ભારતમાં વાણી સ્વાતંત્ર્ય છે અને દરેક વ્યક્તિ પોતાની વાત સંસદમાં રાખે છે. તેમને ભારત પર આવી ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે ગૃહમાં આવીને માફી માંગવી જોઈએ.

વિરોધ પક્ષોએ પ્રદર્શન કર્યું
સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થયો છે જે 6 એપ્રિલ સુધી ચાલશે. સત્રની શરૂઆત પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે સવારે વિપક્ષી દળોની બેઠક બોલાવી હતી. આ દરમિયાન 16 પક્ષોએ બેઠકમાં ભાગ લીધો હતો. આ સત્રમાં કુલ 27 બેઠકો થશે. અગાઉ, રાજ્યસભાના અધ્યક્ષે રવિવારે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બજેટ સત્રના બીજા તબક્કા પહેલા વિપક્ષના નેતાઓએ સંસદમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્ર સમિતિના સભ્યોએ સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થતાં પહેલા જ  કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગ અને અદાણી વિવાદ સામે વિપક્ષે વિરોધ કર્યો હતો.

સત્ર તોફાની બની શકે છે
બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીએ શરૂ થયો હતો. જેમાં કુલ 10 બેઠકો યોજાઈ હતી. પ્રથમ તબક્કા દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભારવિધિ અને કેન્દ્રીય બજેટ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સત્ર દરમિયાન સરકારનું ધ્યાન વધુમાં વધુ બિલ પાસ કરાવવા પર રહેશે. બીજી તરફ કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી અને ધરપકડ સહિત અન્ય અનેક માગણીઓ પર વિપક્ષ હંગામો મચાવી શકે છે. બીજા તબક્કા પહેલા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયમાં સવારે 10 વાગ્યે વિપક્ષી દળોની બેઠક યોજાશે. જ્યાં વિપક્ષી પાર્ટીઓ સરકારને ઘેરવાની રણનીતિ બનાવશે. લોકસભા અને રાજ્યસભા સચિવાલયો અનુસાર, સંસદમાં કુલ 35 બિલ પેન્ડિંગ છે. આ સત્રમાં લોકસભામાં 9 અને રાજ્યસભામાં 26 બિલ રજૂ થવાના છે.

Back to top button