મતદાનના ગણતરીના કલાકો પહેલાં હાર્દિક પટેલને લાગવા લાગ્યો ડર, જાણો શું છે કારણ
વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના ગણતરીના કલાકો બાકી છે ત્યારે જ ભાજપના નેતા હાર્દિક પટેલ સામે પોતાના જ ઘરમાં વિરોધ સામે આવી રહ્યો છે. જેના કારણે હાર્દિક પટેલનું ટેન્શન પણ વધી ગયું છે. હાર્દિક પટેલની વિરુદ્ધમાં વિરમગામમાં ઠેર-ઠેર પોસ્ટરો લગાતા ફરી રાજકારણ ગરમાયુ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે છે, ત્યારે ભાજપે વિરમગામ વિધાનસભાની બેઠક પરથી હાર્દિક પટેલ ઉમેદવાર જાહેર કર્યો છે ત્યારે આ બેઠક પર મોટા પાયે વિરોધ જોવા મળ્યો છે. બીજા તબક્કાના મતદાન પહેલા વિરમગામમાં ફરી પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ઉછળતા રાજકારણ ગરમાયું છે.
રાજ્યમાં બીજા તબક્કાના મતદાનની અંતિમ ઘડીઓમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે ઠેર-ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરોમા લખ્યુ છે ‘જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય’, ‘જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો? ‘શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં’, ‘ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં’, જેવા લખાણવાળા પોસ્ટરો વિરમગામમાં લગાવવામાં આવ્યા છે. મતદાનના 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે ત્યારે હાર્દિક પટેલ સામે વિરમગામમાં આવા પોસ્ટરો લગાવવામાં આવતા રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચો : જો તમે કર્યું મતદાન તો તમને પણ મળશે સસ્તું પેટ્રોલ, જાણો શું છે વ્યવસ્થા
વાતો જો વિરમગામ વિધાનસભાની બેઠકની કરવામાં આવે તો ભાજપે પાટીદાર અનામત આંદોનના નેતા હાર્દિક પટેલને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે લાખાભાઈ ભરવાડને રિપીટ કર્યા છે. અને આમ આદમી પાર્ટીએ અમરીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. હાર્દિક પટેલના ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત બાદથી ક્યાંકને ક્યાંક આંતરિક વિરોધ અંદરોઅંદર સામે આવી રહ્યો હતો. પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભાના લોકો સ્વીકારે છે કે નહીં તે તો આવતી 8 તારીખે જાણવા મળશે.
આ પણ વાંચો : એક તરફ પાર્ટીનો ખેસ ધારણ નથી કરી રહ્યો અને ટિકિટ માટે દાવેદારી નોંધવતો હાર્દિક પટેલ, કેમ ઉઠી ચર્ચા