નેશનલબિઝનેસ

બેંગ્લોરમાં અમૂલની પ્રોડક્ટ નહીં વાપરવાનો હોટેલ એસો.નો નિર્ણય, સ્થાનિક ખેડૂતોને આપશે ટેકો

Text To Speech
  • અમૂલને કર્ણાટકમાં ઝટકો લાગ્યો
  • બ્રુહત બેંગલુરુ હોટેલ્સ એસોસિએશનો નિર્ણય
  • સ્થાનિક ડેરી બ્રાન્ડ નંદિનીનો ઉપયોગ કરવાનો નિર્ણય

અમૂલ બ્રાન્ડ ડેરી ઉદ્યોગ પર પ્રભુત્વ ધરાવે છે. જો કે અમૂલને કર્ણાટકમાં ઝટકો લાગ્યો છે. હકીકતમાં, બ્રુહત બેંગલુરુ હોટેલ્સ એસોસિએશને માત્ર સ્થાનિક ડેરી બ્રાન્ડ નંદિનીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. બ્રુહત બેંગલુરુ હોટેલ્સ એસોસિએશને સ્થાનિક ખેડૂતોને ટેકો આપવા માટે આ નિર્ણય લીધો છે. અમૂલને લઈને કર્ણાટકમાં રાજનીતિ ચાલી રહી છે. વાસ્તવમાં કોંગ્રેસ અને જેડીએસ સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોના હિતમાં રાજ્યમાં અમૂલના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે.

કર્ણાટકના રાજકારણમાં અમૂલ મુદે ઘમાસાણ

અમૂલનો વિરોધ કરી રહેલા રાજકીય પક્ષો દાવો કરે છે કે અમૂલ બ્રાન્ડ કેન્દ્રની મદદથી કર્ણાટક માર્કેટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે. જેના કારણે કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશનની બ્રાન્ડ નંદિનીને નષ્ટ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જેડીએસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ લોકોને તેની સામે એક થવાની અપીલ કરી છે. કોંગ્રેસ પણ કર્ણાટકમાં અમૂલના પ્રવેશનો સતત વિરોધ કરી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સરકાર રાજ્યમાં ડેરી સેક્ટરને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમૂલે તાજેતરમાં ટ્વીટ કરીને માહિતી આપી હતી કે હવે તેની બ્રાન્ડનું દૂધ બેંગલુરુમાં પણ ઉપલબ્ધ થશે. અમૂલ ગુજરાતની બ્રાન્ડ છે અને નંદિની કર્ણાટકની બ્રાન્ડ છે. આ જ કારણ છે કે તેને લઈને હોબાળો ચાલુ છે.

સરકારે બચાવ કર્યો

મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ રાજકીય પક્ષોને આ મુદ્દાનું રાજકારણ ન કરવા અપીલ કરી હતી. જો કે, તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં નંદિની દેશની નંબર વન બ્રાન્ડ બનશે અને સરકારે કર્ણાટકમાં નંદિની બ્રાન્ડને ટેકો આપવા માટે કેટલાક પગલાં લીધાં છે. કર્ણાટકના આરોગ્ય મંત્રી કે સુધાકરે પણ કહ્યું કે ભાજપ સરકારની મદદથી નંદિની બ્રાન્ડ વધુ મજબૂત બની છે અને કર્ણાટકની 18 ડેરી બ્રાન્ડ્સમાંની એક સૌથી મજબૂત છે.

Back to top button