ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાં પાંચ દિવસના યુદ્ધવિરામમાં બંધકોને કરાશે મુક્ત: રિપોર્ટ
ઇઝરાયેલ, યુનાઇટેડ સ્ટેટ્સ અને હમાસ લડાઇમાં પાંચ દિવસના વિરામના બદલામાં ગાઝામાં બંધક બનાવવામાં આવેલી ડઝનેક મહિલાઓ અને બાળકોને મુક્ત કરવા માટે કામચલાઉ કરાર પર પહોંચ્યા છે, વોશિંગ્ટન પોસ્ટે આ કરારને લગતી માહિતી આપી છે. જો કે, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે હજી સુધી કોઈ ડીલ થઈ નથી.
240 લોકોને ગાઝામાં બંધક બનાવાયા
રિપોર્ટ અનુસાર, છ પાનાના વિગતવાર કરારમાં આગામી કેટલાક દિવસોમાં બંધકની મુક્તિ શરૂ થઈ શકે છે. આ કરાર મુજબ, બંને પક્ષો ઓછામાં ઓછા પાંચ દિવસ માટે યુદ્ધવિરામ કરશે. જ્યારે દર 24 કલાકમાં 50કે તેથી વધુ બંધકોને મુક્ત કરવામાં આવશે. જોકે, ઈઝરાયેલ પર 7 ઑક્ટોબરના ઓચિંતા હુમલા બાદ હમાસ દ્વારા લગભગ 240 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. યુએસ-બ્રોકરેડ ડીલના ભાગરૂપે આમાંથી કેટલા બંધકોને મુક્ત કરવામાં આવશે તે સ્પષ્ટ નથી. કતારમાં અઠવાડિયાની વાટાઘાટો દરમિયાન સોદા માટેની રૂપરેખા એકસાથે મૂકવામાં આવી હતી.
બીજી તરફ, શનિવારે પીએમ નેતન્યાહૂએ આ વાતને રદિયો આપતાં કહ્યું કે, બંધકોને લગતી ઘણી નકામી વાતોની અફવા ફેલાઈ રહી છે. હું આ સ્પષ્ટ કરવા માગું છું કે અત્યાર સુધી કોઈ ડીલ થઈ નથી. આ ઉપરાંત વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ કહ્યં કે ઇઝરાયેલ અને હમાસ હજુ સુધી અસ્થાયી યુદ્ધવિરામ પર કોઈ સોદા પર પહોંચ્યા નથી, તેમણે ઉમેર્યું કે યુએસ સોદો મેળવવા માટે કામ કરવાનું ચાલુ રાખી રહ્યું છે. બીજા અમેરિકી અધિકારીએ પણ કહ્યું કે કોઈ સોદો થયો નથી.
WHOએ કહ્યું- અલ-શિફા હોસ્પિટલ હવે ડેથ ઝોન છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જાહેરાત કરી છે કે ગાઝાની અલ-શિફા હોસ્પિટલ ડેથ ઝોન બની ગઈ છે. WHOએ હોસ્પિટલને ખાલી કરાવવાની યોજના વિશે પણ માહિતી આપી હતી. શનિવારે સેંકડો લોકોએ અલ-શિફા હોસ્પિટલને ખાલી કરાવી હતી. જો કે, WHOએ કહ્યું કે હોસ્પિટલમાં હજુ પણ 25 સ્ટાફ, 291 દર્દીઓ અને 32 નવજાત શિશુ છે.
આ પણ વાંચો: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ઓસામા બિન લાદેનનો 21 વર્ષ જૂનો પત્ર વાયરલ