રાજસ્થાનમાં ભયાનક માર્ગ અકસ્માત, લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા નવ લોકોના દર્દનાક મૃત્યુ
જયપુર (રાજસ્થાન), 21 એપ્રિલ: રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના અકલેરા વિસ્તારમાં NH-52 પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, આ માર્ગ અકસ્માતમાં નવ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ, મારુતિ વાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે 9 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તમામ મૃતકો મધ્યપ્રદેશમાં લગ્ન સમારોહમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. મારુતિ વાનમાં મુસાફરી કરી રહેલા લોકો રાજસ્થાનના ડુંગરગાંવના બાગરી સમુદાયના હોવાનું કહેવાય છે, જેઓ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તમામ મૃતકોના મૃતદેહને અકલેરા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. અકલેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
લગ્નના મહેમાનો ભરેલી વાન સાથે ટ્રક સાથે અથડાઈ
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના અકલેરામાં ગમખ્વાર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાઈવે પર પણ ચક્કાજામ થઈ ગયો હતો. અકસ્માત અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માત આજે વહેલી સવારે થયો હતો. મળતી માહિતી મુજબ, તમામ લોકો વાનમાં લગ્ન સમારોહમાં હાજરી આપીને મધ્યપ્રદેશથી ડુગરગાંવમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા અને આ દરમિયાન પચોલા પાસે એક બેકાબૂ ટ્રકે વાનને ટક્કર મારી હતી.
અકસ્માતમાં વાનના ફૂરચેફૂરચા ઊડી ગયા
મૃતકોના મૃતદેહને અકલેરા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. આરોપી ટ્રક ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઝાલાવાડ એસપી રિચા તોમરના જણાવ્યા અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા લોકો બાગરી સમુદાયના હતા, જેઓ એક સંબંધીના લગ્નમાં હાજરી આપવા માટે મધ્યપ્રદેશ ગયા હતા. પરત ફરતી વખતે રવિવારે સવારે 3 વાગ્યાની આસપાસ તે ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. જેના કારણે વાનના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા. જયપુર-અજમેર એક્સપ્રેસ વે પર પણ મોટો અકસ્માત સર્જાયો હતો. કારે બાઇકને ટક્કર મારી હતી અને સર્વિસ લેન પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઇ હતી. જેના કારણે કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં માર્ગ અકસ્માતના બનાવનો આંકડો જાણી રહેશો દંગ