હિન્દુઓની આશા પૂર્ણ થઈ, કાર સેવકોને અયોધ્યા જવા ખાસ વ્યવસ્થા કરાશે: સી.આર.પાટીલ

- અયોધ્યાની સાથે સાથે ગુજરાત પણ જય શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યું છે. ગુજરાતના દરેક મહાનગરો, જિલ્લાઓ અને ગામોમાં બધે જ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે
અમદાવાદ, 22 જાન્યુઆરી: રામ મંદિરમાં આજે યોજાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. 500 વર્ષની રાહ જોયા બાદ આજે ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં નિવાસ કર્યો છે. રામલલાને તેમના મંદિરમાં બિરાજમાન કરવા માટે લગભગ 500 વર્ષની લાંબી રાહનો આજે અંત આવ્યો છે. અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં રામ મંદિરમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો છે.
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે ગુજરાત પણ જય શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યું છે. ગુજરાતના દરેક મહાનગરો, જિલ્લાઓ અને ગામોમાં બધે જ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તો ગામ જનો સાથે મળીને રામલલાની શોભાયાત્રાઓ નિકાળી રહ્યા છે સાથે જ અનેક ગામો આજે એક જ રસોડે જમવાના પણ છે.
કાર સેવકોને અયોધ્યા લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે: સીઆર પાટીલ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, હિન્દૂ સમાજની આશા અને અપેક્ષા આજે પૂર્ણ થઈ છે. 1991માં કાર સેવકોએ પોલીસના દંડા ખાધા હતા. જે વિપક્ષ અલગ માનસિકતા રાખતું હતું. ત્યારે આ કાર સેવકોને અયોધ્યા લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે.આખા દેશને તેમની અપેક્ષા મુજબનું રામ મંદિર મળ્યું છે. 1400 કાર સેવકોને અયોધ્યા સ્થિત રામ મંદિરના દર્શન માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાતીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી
અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થતાની સાથે જ ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઠેર ઠેર રામ ભક્તો દ્વારા ભગવાન શ્રીરામના નારા લગાવી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ અમદાવાદમાં બજરંગ દળ દ્વારા તલવાર સાથે કરતબો દેખાડ્યા હતા. શહેરના આશ્રમ રોડ અને અલગ અલગ જગ્યાએ ફટાકડા ફોડી લોકોએ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને વધાવ્યો હતો.
રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ લાઈવ
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, સહિત સમગ્ર ગુજરાતમાં અયોધ્યામાં ભગવાન રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લોકો લાઈવ નિહાળી રહ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.અનેક જગ્યાએ રામ ભક્તો ફટાકડા ફોડીને ઢોલ નગારા સાથે ઝૂમી રહ્યા છે. અયોઘ્યા સહિત સમગ્ર દેશમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
ઋષિ કુમારો દ્વારા 1.25 લાખ આહુતિ આપીને શ્રીરામ યાગની પૂર્ણાહુતિ
સોલા ભાગવત વિદ્યાપીઠના ઋષિ કુમારો દ્વારા 1,25,000 આહુતિ આપીને શ્રીરામ યાગ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જ્યારે ભગવાન શ્રીરામ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થશે તે પૂર્વે વહેલી સવારથી જ રામધુનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થશે તેનું લાઈવ પ્રસારણ પણ ઋષિકુમારો, શાળાના બાળકો. બી.એડ કોલેજના વિદ્યાર્થીઓ તથા મંદિરમાં આવનાર સર્વે ભક્તો નિહાળી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
રામલલાની શોભાયાત્રા ડીસા શહેર, જૂઓ વીડિયો
અમદાવાદમાં 16 જેટલી જગ્યાએ ભવ્ય ડાયરાનું આયોજન
રામલલાના આવવાની ખુશી દરેક હિંદુમાં જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ ઠેર ઠેર રામલલાના આવવાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે જ આજે અમદાવાદ શહેરમાં 16 જેટલી જગ્યાએ ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ડાયરાનું આયોજન જે તે વિસ્તારના ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યું છે. સાબરમતી વિસ્તારના રામનગર ચોક ખાતે કચ્છી કોયલ ગીતાબેન રબારીનો ડાયરો રાખવામાં આવ્યો છે. આ સિવાય નારણપુરા અંકુર ચાર રસ્તે રાજભા ગઢવીનો ડાયરો રાખવામાં આવ્યો છે. ભારે ઠંડી હોવા છતાં ડાયરામાં ભારે ભીડ રેવાનો અંદાજો છે. જેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડોદરામાં 2100 દીવડા પ્રગટાવાશે
રામલલાના આગમની આખો દેશ ઉજવણી કરી રહ્યો છે. ત્યારે વડોદરા શહેર પણ રામલલાના રંગે રંગાયું છે. વડોદરામાં આજે શોભાયાત્રા, સુંદરકાંડ, હવન અને ભવ્ય ડાયરાઓનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં આજે હરણી ભીડભંજન હનુમાન મંદિરમાં સાંજે 7 કલાકે 2100 દીવડા પ્રગટાવાશે. તે સિવાય વાઘોડિયા રોડ વડેશ્વર હનુમાનજી મંદિર દ્વારા આજે બપોરે 4 વાગ્યે શ્રીરામની ભવ્ય પાલખી યાત્રા નીકળશે, તમામ ભક્તોને યાત્રામાં હાજર રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વિવિધ મંત્રીઓ તેમના વિસ્તારમાં રહી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ જોશે