Hondaએ ADAS ફીચર સાથે નવી ‘Amaze’ કાર લોન્ચ કરી, જાણો કેટલી છે કિંમત?
- આ સેડાન કાર આકર્ષક દેખાવ અને અદ્યતન સુવિધાઓથી સજ્જ છે
નવી દિલ્હી, 04 ડિસેમ્બર: કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટમાં આજથી એક નવી સ્પર્ધા શરૂ થઈ રહી છે. જાપાની કાર નિર્માતા કંપનીએ તેની પ્રખ્યાત સેડાન કાર Honda Amazeનું નવું થર્ડ જનરેશન મોડલ સત્તાવાર રીતે ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે. આકર્ષક દેખાવ અને અદ્યતન સુવિધાઓથી સજ્જ, આ સેડાન કારની પ્રારંભિક કિંમત 7.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. કંપનીએ આ કારમાં એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) જેવા ફીચર્સ સામેલ કર્યા છે. કંપનીનો દાવો છે કે, ભારતીય બજારમાં આ સૌથી સસ્તી કાર છે જે ADAS ફીચર સાથે ઓફર કરવામાં આવી રહી છે.
નવી Honda Amaze કેવી છે?
લુક અને ડિઝાઈનના મામલે આ કારમાં ઘણા બધા બદલાવ જોવા મળી રહ્યા છે. આ સિવાય કંપનીએ કારના ડાયમેન્શનમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે. કંપનીનો દાવો છે કે, આ કાર પાછલી જનરેશનના મોડલ કરતાં થોડી પહોળી થઈ ગઈ છે. આ સિવાય કારમાં વધુ સારા હેડ-રૂમ અને લેગ-રૂમનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. તેમાં 416 લિટરની ટોપ ક્લાસ બૂટ-સ્પેસ છે જે આ સેગમેન્ટની અન્ય કોઈ કારમાં નથી.
પાવર અને પરફોર્મન્સ કેવું છે?
નવી Honda Amazeમાં કંપનીએ 1.2 લિટર ક્ષમતાનું 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ એન્જિન 90Psનો પાવર અને 110 Nm (ન્યૂટન મીટર)નો ટોર્ક જનરેટ કરે છે. આ કાર E20 ફ્યુલ પર ચાલશે અને મેન્યુઅલ ટ્રાન્સમિશન સિવાય તેને કન્ટીન્યુઅસ વેરિયેબલ ટ્રાન્સમિશન (CVT) ઓટોમેટિક ગિયરબોક્સ સાથે રજૂ કરવામાં આવી છે.
એવરેજ કેટલી આપે છે?
કંપની દાવો કરે છે કે, નવી Honda Amazeનું મેન્યુઅલ વેરિઅન્ટ 18.65 km/litre અને ઓટોમેટિક વેરિયન્ટ 19.46 km/litre સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે. આ કારના સસ્પેન્શન, સ્ટિયરિંગ વ્હીલ અને બ્રેકિંગ સિસ્ટમના સેટિંગ અને ટ્યુનિંગમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. જે કારના ડ્રાઇવિંગ અનુભવને સુધારવામાં મદદ કરે છે.
કારની કેબિન કેવી છે?
Honda Amazeના ઈન્ટિરિયરને પણ એક મોટું અપડેટ મળ્યું છે. આ કારમાં ઉત્તમ 8-ઇંચ ફ્લોટિંગ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે 7 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સામેલ કરવામાં આવ્યું છે. જેમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે કનેક્ટિવિટીની સુવિધા પણ છે. આ ઉપરાંત પાછળ બેસનારા મુસાફરોની સુવિધા માટે રિયર AC વેન્ટ પણ આપવામાં આવ્યું છે. આ સિવાય કારની કેબિન થીમને યુઝરના હિસાબે કસ્ટમાઇઝ કરવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે.
કઈં-કઈં સુવિધાઓ ઉપલબ્ધ છે?
ફીચર્સ તરીકે, તેમાં વાયરલેસ ચાર્જર, 6 સ્પીકર પ્રીમિયમ સરાઉન્ડ સાઉન્ડ, AC કૂલિંગ સાથે રિમોટ એન્જિન સ્ટાર્ટ, પેડલ શિફ્ટર્સ, ડ્રાઈવર ઓટો વિન્ડો બટન, બ્રાઈટ મેપ લેમ્પ, મેક્સ કૂલિંગ સાથે સંપૂર્ણ ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય કંપનીએ કારમાં સ્ટોરેજ સ્પેસનું પણ સારું ધ્યાન રાખ્યું છે. બધા દરવાજા પર બોટલ હોલ્ડર્સ, પાછળની સીટ પર સેન્ટર આર્મરેસ્ટ સાથે કપ હોલ્ડર્સ અને પુષ્કળ ઉપયોગિતા ખિસ્સા(Utility Pocket) આપવામાં આવે છે.
સેગમેન્ટમાં પ્રથમ વખત ADAS ફીચર આપવામાં આવ્યું
Honda Amazeમાં એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS)નું ફીચર આપવામાં આવી રહ્યું છે. જે આ સેગમેન્ટમાં પ્રથમ વખત જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, કંપનીનો દાવો છે કે ભારતીય બજારમાં આ સૌથી સસ્તી કાર છે જેને ADAS ફીચર સાથે રજૂ કરવામાં આવી રહી છે. તેમાં ઓટો હેડલાઈટ ફંક્શન, લેન વોચ કેમેરા, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ આસિસ્ટ સહિત 28 સેફ્ટી ફીચર્સ આપવામાં આવી રહ્યા છે. કારની ડિલિવરી જાન્યુઆરી 2025થી શરૂ થશે.
આ પણ જૂઓ: OnePlus 13ની ભારતમાં થશે એન્ટ્રી, કંપનીએ રિલીઝ કર્યું ટીઝર, ચાહકો થયા ખુશ