ટોપ ન્યૂઝનેશનલ

અગ્નિપથ યોજના પર બબાલ વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરો માટે સીટ અનામત, વયમર્યાદામાં પણ છૂટ

Text To Speech

મોદી સરકારની અગ્નિપથ સ્કીમને લઇને દેશભરમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. યુવાનો રસ્તાઓ પર ઉતરી અગ્નિવીર ભરતીનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે ગૃહ મંત્રાલયે આ મામલે મોટી જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયે કેન્દ્રીય આર્મ્ડ પોલીસ ફોર્સ અને આસામ રાયફલ્સની ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે.

ગૃહ મંત્રાલયે અગ્નિવીરો તરીકે સેવા પૂર્ણ કરનાર માટે મહત્તમ વય મર્યાદામાં પણ છૂટની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર અગ્નિવીરોને મહત્તમ વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અગ્નિપથ યોજના હેઠળ ભરતી અગ્નિવીરોની પહેલી બેંચ માટે મહત્તમ વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે.

શું છે અગ્નિપથ સ્કીમ?
ઉલ્લેખનીય છે કે ત્રણેય સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે. સેનામાં અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષ માટે અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે. આ યોજનાની જાહેરાત કર્યા બાદ ગૃહ મંત્રી અમિત શાહે પણ અગ્નિવીરો માટે મોટી જાહેરાત કરી હતી.

અમિત શાહે જાહેરાત કરી હતી કે આસામ રાયફલ્સ અને CAPF ની ભરતીમાં અગ્નિવીરોને પ્રાથમિકતા આપવામાં આવશે. ગૃહ મંત્રાલય તરફથી અગ્નિપથ યોજનાના પ્રશિક્ષિત યુવાનો માટે આગળ પણ દેશની સેવા અને સુરક્ષામાં યોગદાન આપવાના સાધન તરીકે ગણાવ્યા હતા. ગૃહ મંત્રાલયે હવે અગ્નિવીરો માટે આરક્ષણની જાહેરાત પણ કરી છે.

અગ્નિપથ યોજના સામે દેશભરમાં પ્રદર્શન
અગ્નિવીરોને લઇને ગૃહ મંત્રાલય તરફથી જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે તેના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષ માટે અગ્નિવીરોની ભરતી થવાની છે. તેમાંથી 25 ટકા અગ્નિવીરોની સેનામાં સ્થાયી કેડરમાં ભરતી કરવામાં આવશે.

Back to top button