ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગૃહ મંત્રાલયે બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટની તપાસ NIAને સોંપી

નવી દિલ્હી, 04 માર્ચ: NIA હવે બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસની તપાસ કરશે. ગૃહ મંત્રાલયે કાફેમાં થયેલા વિસ્ફોટની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી છે. અત્યાર સુધી આ કેસની તપાસ સીસીબી અને કર્ણાટક પોલીસ કરી રહ્યા હતા. પરંતુ કોઈ સફળતા મળી નથી. હવે ગૃહ મંત્રાલયે આ મામલો NIAને સોંપી દીધો છે. શહેરના પ્રસિદ્ધ રામેશ્વરમ કાફેમાં બનેલી આ ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા અને તમામને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેપ, માસ્ક અને ચશ્મા પહેરેલો એક વ્યક્તિ આ કેસમાં મુખ્ય શંકાસ્પદ છે અને હજુ સુધી તેનો પત્તો લાગ્યો નથી.

બ્લાસ્ટ ક્યારે અને કેવી રીતે થયો?

શુક્રવારે બપોરે 1 વાગ્યે રામેશ્વરમ કાફેમાં બ્લાસ્ટ થયો હતો. પોલીસે CCTV ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિને કાફેની અંદર બેગ રાખતો જોયો છે. પોલીસનું માનવું છે કે વિસ્ફોટને અંજામ આપવા માટે ટાઈમર સાથેના IED ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શંકાસ્પદ હુમલાખોરના CCTV ફૂટેજ મળ્યા બાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.ત્યારબાદ પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ 1967 અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો, બેંગલુરુ સિટી પોલીસે એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું. FSLની એક ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડ એ ધ રામેશ્વરમ કાફેની આસપાસ સઘન તપાસમાં વ્યસ્ત છે.

CCTV ફૂટેજના આધારે શંકાસ્પદ શખ્સ 28થી 30 વર્ષની વયનો છે અને તે બપોરે કાફેમાં આવ્યો હતો. તેણે અહીં રવા ઈડલી માટે કૂપન ખરીદી હતી પરંતુ ઈડલી ખાધા વગર જ કાફે છોડીને જતો રહ્યો હતો. એવું માનવામાં આવે છે કે તે જ વ્યક્તિ ત્યાં બેગ છોડી ગયો હતો. બેંગલુરુ પોલીસે સીસીટીવી ફૂટેજના સ્નેપશોટ પણ બહાર પાડ્યા છે જેમાં તેનો ચહેરો માસ્ક અને કેપથી ઢંકાયેલો જોવા મળે છે. આ ઉપરાંત, સીએમ સિદ્ધારમૈયાએ પણ વિસ્ફોટ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. તેમણે તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે આ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

રામેશ્વરના કાફેના સ્થાપકે કડક પગલાંની માંગણી કરી

રામેશ્વરમ કાફેના સહ-સ્થાપક અને CEO રાઘવેન્દ્ર રાવે જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની ખાતરી કરવી જોઈએ. તેમજ આ અંગે કડક પગલાં લેવા માટે હાકલ કરવી જોઈએ. રાઘવેન્દ્ર રાવે એમ પણ કહ્યું કે અહીં પરસ્પર સ્પર્ધા જેવી કોઈ વાત નથી અને આ સમગ્ર મામલામાં એવો કોઈ એંગલ નથી. બીજી તરફ, વિપક્ષે સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે બોમ્બ વિસ્ફોટોના તથ્યો છુપાવવામાં આવી રહ્યા છે. હાલ આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: બેંગલુરુ બ્લાસ્ટ કેસમાં પોલીસે કરી 4 શકમંદોની અટકાયત, પૂછપરછ શરૂ

Back to top button