રાજકોટ : આવતીકાલથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર સૌરાષ્ટ્રની પાંચ ટીમો વચ્ચે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ (એસપીએલ)ની બીજી સીઝનનો ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહ તેમજ રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે. ઉદ્ઘાટન બાદ સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો શરૂ થઈ જશે જેમાં સોરઠ લાયન્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે સીઝન 2 ની પ્રથમ મેચમાં ટક્કર થશે. આ ટૂર્નામેન્ટ નિહાળવા માટે દર્શકો વિનામૂલ્યે સ્ટેડિયમ પર એન્ટ્રી મેળવી શકશે તેવી જાહેરાત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. એકંદરે આઈપીએલ જેવો જ રોમાંચ એસપીએલમાં પણ યથાવત રાખવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 11 મેચ રમાશે જેનો ફાઈનલ મુકાબલો 11 જૂને સાંજે 7:30 વાગ્યાથી રમાશે. 11 મેચમાં બે વખત ડબલ હેડર મુકાબલા પણ રમાશે જેની પ્રથમ મેચ બપોરે 3:00 તો બીજી મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.
ઓપનિંગ સેરેમની સાંજે યોજાશે : આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની સાંજે 5:45 વાગ્યાથી શરૂ થઈ જશે. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા પાંચેય ટીમો સાથે મુલાકાત લઈને તેમને જીત માટેની શુભકામના પાઠવશે. બીજી બાજુ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવા માટે પાંચેય ટીમો છેલ્લા બે દિવસથી તનતોડ પ્રેક્ટિસ કરી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
આઈપીએલ જેવા જ આકર્ષણ : ડી.જે.નો તાલ ઉપરાંત ચીયર લીડર્સ સહિતનો સમાવેશ: આ ટૂર્નામેન્ટમાં આઈપીએલ જેવા જ આકર્ષણ ઉમેરવામાં આવ્યા છે જેમાં ડી.જે.નો તાલ ઉપરાંત ચીયર લીડર્સ સહિતનો સમાવેશ થાય છે. આ સિવાય મેચ દરમિયાન પણ સુમધુર સંગીતની સૂરાવલીઓ પણ વહેતી રહેશે. આ વખતની એસપીએલ સીઝનમાં અનેક નવોદિત ખેલાડીઓને તક આપવામાં આવી હોય તેઓ પણ શાનદાર પ્રદર્શન કરી સૌનું ધ્યાન આકર્ષિત કરવા માટે મહેનત કરશે.