સુરતમાં આધુનિક સુવિધાથી સજ્જ 288 પોલીસ આવાસોનું ગૃહરાજ્યમંત્રીએ કર્યું લોકાર્પણ
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ.-ગાંધીનગર દ્વારા રાજ્ય અનામત પોલીસ દળ જુથ-11 માટે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ખાતે રૂ.49 કરોડના ખર્ચે નવનિર્મિત B-288 આવાસોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ સંપન્ન થયુ હતું. મંત્રીએ આવાસધારક પોલીસ જવાનોને આવાસની ચાવીઓ અર્પણ કરી હતી.
હર્ષ સંઘવીના હસ્તે પોલીસ આવાસોનું લોકાર્પણ
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ખાતે રૂ.૪૯ કરોડના ખર્ચે નવનિર્મિત B-288 પોલીસ આવાસોનું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે રાજયમાં આવેલી અનેક મુસીબતોમાંથી સુખરૂપ બહાર લાવવાનુ કાર્ય એસ.આર.પી.ની ફોર્સ દ્વારા કરવામાં આવ્યું છે અને રાજ્ય સરકારે સમય સાથે તાલ મિલાવી પોલીસ વિભાગનું કોર્પોરેટ ઢબે આધુનિકીકરણ કર્યું છે.
આ સુવિધઆઓ ઉપલબ્ધ કરાવવામાં આવી
પોલીસ જવાનોને સુવિધાયુકત રહેણાંક મળી રહે તે માટે અગાઉ બે રૂમને બદલે હવે રસોડા સાથે ત્રણ રૂમો બનાવવામાં આવ્યા છે. 12 માળના ત્રણ ટાવરોના આવાસોમાં વુડન કબાટ તથા મોડયુલર કિચન સવલત સાથે લિફ્ટ, જનરેટર, પાર્કિગ શેડ, ગેસ કનેક્શનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
એસ.આર.પી.ની ફોર્સ વિશે આપ્યુ આ નિવેદન
આ પ્રસંગે મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, એસ.આર.પી. ગુજરાતની આર્મીની ફોર્સ છે. રાજયમાં આવેલી અનેક મુસીબતોમાંથી સુખરૂપ બહાર લાવવાનુ કાર્ય આ ફોર્સ દ્વારા કુશળતાથી કરવામાં આવ્યું છે. હંમેશા પરિવારથી દુર રહી ત્યાગ,શૌર્ય અને સેવાપરાયણતાની ભાવના સાથે કાર્ય કરનારા જવાનોના પરિવારજનોને વંદન કરતા જણાવ્યું કે, અતિવૃષ્ટિ કે કોઈ પણ તહેવારો હોય, રાજયની શાંતિ અને સલામતિ જાળવવાની કપરી ફરજ આ પોલીસ જવાનો દ્વારા નિભાવવામાં આવે છે.
આગામી સમયમાં ઉત્તમ સગવડો ઊભી કરવામાં આવશે
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે સમય સાથે તાલ મિલાવી પોલીસ વિભાગનું કોર્પોરેટ ઢબે આધુનિકીકરણ કર્યું છે. એસ આર.પી.એફ. જવાનોના પરિવારજનોને પણ સુવિધાયુકત આવાસો ઉપલબ્ધ થાય એ માટે રાજય સરકાર પણ કોર્પોરેટ કલ્ચરની માફક સુવિધાઓ પુરી પાડવા માટે તત્પર છે. આ તો માત્ર શરૂઆત હોવાનુ જણાવીને આગામી સમયમાં ઉત્તમ સગવડો ઊભી કરવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી.
આ મહાનુભવો રહ્યા હતા હાજર
આ અવસરે હથિયારી એકમોના એડિશનલ ડીજીપી ડો. પી. કે.રોશન તથા પોલીસ અનામતદળ વાવ જુથ-11ના સેનાપતિ ઉષા રાડાએ પ્રાસંગિક પ્રવચન કરીને પોલીસને મળતી આવાસની સગવડો વિશેની વિગતો આપી હતી. અક્ષરધામ હુમલા સમયે શહીદી વહોરનારા અર્જુનસિંહના નામ પર એસ.આર.પી.એફ. વાવ ખાતે રસ્તાનું નામકરણ કરાયુ હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ અજીત આહીર, ઉપપ્રમુખ ભુમિકાબેન પટેલ, તા. પં.ના કારોબારી અધ્યક્ષ રસિક પટેલ, અગ્રણી બળવંતભાઈ, કૌશલભાઈ, Dysp કે. વી. પરીખ તથા એ. એેમ.પટેલ, PSI એ.ઝેડ. ચૌધરી, એચ. વી. ગિલીટવાલા, પી.યુ.પટેલ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંંચો : CAની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ખાસ વાંચો, અભ્યાસક્રમને લઈને લેવાયો મહત્વનો નિર્ણય