ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 5 નવા પોલીસ સ્ટેશન બનશે
- આગામી 2જી સપ્ટેમ્બરે ગૃહમંત્રી મેટોડામાં આપશે હાજરી
- ગોંડલ સિટી પોલીસના બે ભાગ એ ડિવિઝન અને બી ડિવિઝન થશે
- જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથક અને ધોરાજી તાલુકા પોલીસ મથકની થશે સ્થાપના
- સુલતાનપુર પોલીસ સ્ટેશન સાથે મેટોડામાં નવું પોલીસ મથક સ્થપાશે
રાજકોટ ગ્રામ્યના નવા પાંચ પોલીસ મથકની જાહેરાત થશે. સંભવત: 2જી સપ્ટેમ્બર રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટ નજીકના મેટોડા જીઆઇડીસી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે અને સત્તાવાર જાહેરાત કરશે. ગોંડલ સિટી પોલીસના બે ભાગ એ ડિવિઝન અને બી ડિવિઝન થશે. જ્યારે જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથક, ધોરાજી તાલુકા પોલીસ મથક અને સુલતાનપુર પોલીસ સ્ટેશન સાથે મેટોડામાં નવું પોલીસ મથક સ્થપાશે.
રેન્જ આઈજી અશોકકુમાર યાદવે કરી હતી દરખાસ્ત
આ અંગે સુત્રોમાંથી મળતી વિગત મુજબ, અગાઉ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા નવા પાંચ પોલીસ મથકની મંજૂરી આપવા ગૃહ વિભાગમાં દરખાસ્ત કરાઈ હતી. રાજકોટ ગ્રામ્ય પોલીસમાં હાલ રાજકોટ ગ્રામ્ય મહિલા પોલીસ મથક જે ગોંડલ ખાતે કાર્યરત છે. ઉપરાંત આટકોટ, ભાડલા, ભાયાવદર, ધોરાજી, ગોંડલ સિટી, ગોંડલ તાલુકા, જામકંડોરણા, જસદણ, જેતલસર રેલવે, જેતપુર સિટી, જેતપુર તાલુકા, કોટડા સાંગાણી, લોધિકા, પડધરી, પાટણવાવ, શાપર વેરાવળ, ઉપલેટા, વિંછીયા અને વિરપુર પોલીસ મથક કાર્યરત છે. એમ કુલ 20 પોલીસ મથક છે. અને ગોંડલ ડિવિઝન અને જેતપુર ડિવિઝન એમ બે વિભાગમાં ડીવાયએસપી છે.
ગોંડલ સિટી પોલીસ મથકના બે ભાગ પડશે
ગોંડલમાં વસ્તી સંખ્યા અને ક્રાઇમના આંકડા જોતા અત્રે વધુ એક પોલીસ મથકની જરૂર જણાતા ગોંડલ સિટી પોલીસ મથકના બે ભાગ પાડી ગોંડલ એ ડિવિઝન પોલીસ અને ગોંડલ બી ડિવિઝન પોલીસ થશે. આ સિવાય જેતપુર અને લોધિકાના મેટોડામાં ઉદ્યોગ સોળે કલાએ ખીલ્યો હોય, વસ્તી વધતા અને સુરક્ષાની દ્રષ્ટિએ નવા પોલીસ મથક જેતપુર ઉદ્યોગનગર પોલીસ અને મેટોડા પોલીસ એમ બે પોલીસ મથક બનશે. ધોરાજીમાં હાલ એક પોલીસ મથક છે. અને બીજું ધોરાજી તાલુકા પોલીસ મથક કાર્યરત થશે. ગોંડલ તાલુકામાં સુલતાનપુર પોલીસ ચોકી છે. જેને સુલતાનપુર પોલીસ મથક બનાવશે. આ માટે ગૃહવિભાગ સ્ટાફ ફાળવશે.
ગૃહમંત્રીને ઉપસ્થિત રહેવા આમંત્રણ
સૂત્રો જણાવી રહ્યા છેકે, રાજકોટ ગ્રામ્ય પોલીસે મોકલેલી દરખાસ્ત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મંજૂરી આપી છે. નવા પોલીસ મથક બનતા ગ્રામ્ય પ્રજાની સુવિધા અને સુરક્ષામાં વધારો થશે. નવા પોલીસ મથકોની શરૂઆત થવાની છે ત્યારે મેટોડા ખાતે 2જી સપ્ટેમ્બરના રોજ કાર્યક્રમ યોજાશે. રાજકોટ ગ્રામ્ય પોલીસના સૂત્રોએ જણાવ્યા મુજબ ગૃહમંત્રીને આ કાર્યક્રમ માટે આમંત્રણ પાઠવાયું છે. હવે તેઓ સમય આપે તેની રાહ છે.