પાલીતાણામાં જૈન મંદિર ઉપર હુમલાની ઘટનામાં કડક કાર્યવાહીના ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશ


ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે આવેલ જૈન મંદિરમાં હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. બીજી બાજુ આ મામલે ગૃહ વિભાગે પણ નોંધ લીધી છે અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચ પોલીસ આધિકારીઓની હાજરીમાં મિટિંગ યોજી હતી. જેમાં આકરી કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે.
પાલીતાણા શ્રી શત્રુંજય મહાતીર્થ માં બનેલ ઘટના સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને સઘન તપાસ હાથ ધરી,કડક પગલાં ભરવા સૂચના આપી. pic.twitter.com/gxW1UPmDWC
— Harsh Sanghavi (@sanghaviharsh) December 16, 2022
રેન્જ IG, પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા
મળતી માહિતી મુજબ, પાલીતાણાની ઘટનાને સરકારે ગંભીરતાથી લીધી છે. પાલીતાણામાં શ્રી શત્રુંજય મહાતીર્થમાં બનેલ હુમલાની ઘટનાને લઈને ગૃહ વિભાગ દ્વારા સમગ્ર મામલે હાઇ લેવલની બેઠક બોલાવવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં હુમલા અંગે ચર્ચા કરી સમગ્ર વિગત જાણવામાં આવી હતી. ઉપરાંત હાલ આ મામલે તપાસ અને પગલાં અંગે પણ હર્ષ સંઘવીને માહિતગાર કરવામા આવ્યા હતા. જેમાં ઉચ્ચ કક્ષાએથી જવાબદારો સામે પગલાં ભરવા ગૃહમંત્રી દ્વારા સંબંધિત વિભાગમાં સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં IG, SP સહિતના ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. આ દરમિયાન પોલીસ અધિકારીઓને સઘન તપાસ હાથ ધરી કડક પગલાં ભરવા સૂચના આપાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.