

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા તાજેતરમાં એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં ચીકલીગર ગેંગને પકડવામાં આવ્યો અને સાથે જ કુખ્યાત પ્રવીણ રાઉતને પણ ચાર વર્ષે બિહારથી પકડવામાં આવ્યો તેની સફળતા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે.
ચીકલીગર ગેંગ તેમજ પ્રવીણ રાઉતની પકડાયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા. સાથે જ તેમને પ્રોત્સાહિત કરવા માટે બંને ટીમ માટે ઈનામની પણ જાહેરાત કરી છે. પ્રવીણ રાઉતને પકડનારી ટીમને બે લાખના ઈનામની જાહેરાત કરાઈ છે. તેમજ ચીકલીગર ગેંગને પકડનારી ટીમને એક લાખ ઈનામની જાહેરાત કરી છે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે, પ્રવીણ રાઉત ગુજરાતના અનેક ગુનામાં વોન્ટેડ હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને તેને પકડવા બદલ અભિનંદન આપું છું. મુખ્યમંત્રીએ મને તેના વિશે માહિતી મેળવવા કહ્યું હતું. હું એવા રાજ્યનો ગૃહમંત્રી છું, જ્યાં પોલીસ જીવન જોખમે કામ કરે છે. હું રાજ્યના નાગરિક તરીકે પણ પોલીસની ટીમને અભિનંદન આપું છું. ચીકલીગર ગેંગની ધરપકડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને લાખો લોકોએ જોયો.
સાથે જ ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું કે, બંને ટીમના ઓપરેશનની માહિતી મેં લીધી છે. બંને ઓપરેશન માટે પોલીસની ટીમે 600 સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. તો 72 કલાક ઊંઘ્યા વગર કામગીરી કરી હતી. ગુજરાત પોલીસના કારણે ગુજરાત દેશનું શાંતિપ્રિય રાજ્ય બન્યું છે. પોલીસે પોતાને મળેલા તમામ અધિકારોનો ઉપયોગ કરી શહેરમાં શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો છે. તેથી બંને ટીમોને પ્રોત્સાહિત ઈનામ અપાયા છે.