ગાંધીનગર, 21 ઓગસ્ટ 2024, ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા વિરોધી બિલ વિધાનસભામાં રજૂ કર્યું હતું. અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને સજા થશે.ગૃહ રાજ્ય મંત્રી દ્વારા ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળો જાદુ અટકાવવા અને (તેનું) નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024 રજૂ કરવામાં આવ્યું હતું.
આસ્થા અને માન્યતાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવામા આવ્યું
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં બીલ રજૂ કરતી વખતે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે,કાળા જાદુ હેઠળ ચાલતી પ્રવૃત્તિને રોકવા માટે કોઈ ખાસ કાયદો નથી. વર્ષ 2023ની સંહિતા મુજબ ગુનો નોંધવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ખાલી ભારતમાં જ કાળા જાદુની નથી પણ પશ્ચિમી દેશોમાં પણ આ પ્રથા જોવા મળે છે. દરેક જગ્યાએ આ પ્રક્રિયા રોકવા માટે અલગ અલગ કાયદા લાવવામાં આવ્યા છે. આઝાદીના 78 વર્ષ બાદ પણ આ પ્રકારની ઘટના ધ્યાન પર આવે છે જેને રોકવી જરૂરી છે. નવા કાયદા હેઠળ મહત્વના ગુના સામેલ કરવામાં આવ્યા છે. આસ્થા અને માન્યતાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવામા આવ્યું છે.
7 વર્ષ સુધીની કેદ 50 હજાર સુધી દંડની જોગવાઈ
ગૃહ રાજ્ય મંત્રીએ રજૂ કરેલા અંધશ્રદ્ધા વિરોધી બીલની જોગવાઓ મુજબ જોઈએ તો તેમાં કોઈ વ્યક્તિ પોતે અથવા કોઈ બીજી વ્યક્તિ મારફત આ અધિનિયમની જોગવાઈઓનો ભંગ કરીને, માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ કરે અથવા કરાવડાવે, માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુની કોઈ જાહેરખબર આપે અથવા અપાવડાવે, વ્યવસાય કરે અથવા કરાવડાવે, પ્રચાર કરે અથવા કરાવડાવે અથવા ઉત્તેજન આપે અથવા અપાવડાવે, તે બાબત આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો ગણાશે. આ ગુનાની દોષિત વ્યક્તિને છ મહિનાથી ઓછી ન હોય એટલી પણ સાત વર્ષ સુધીની કેદની અને પાંચ હજાર રૂપિયાથી ઓછા નહીં પણ 50 હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે.
કઇ કઇ પ્રવૃત્તિ ગુનો ગણાશે નહિ?
આ કાયદામાં કઇ-કઇ બાબતોનો સમાવેશ ગુનાહીત કૃત્યમાં થશે નહીં તેની સ્પષ્ટતા કલમ-12માં કરવામા આવી છે જેમાં પ્રદક્ષિણા, યાત્રા, પરિક્રમા, તેમજ ઉપાસના, હરિપથ, કીર્તન, પ્રવચન, ભજન, પ્રાચીન અને પરંપરાગત વિદ્યાઓ અને કળાઓનો ઉપદેશ, તેનો અભ્યાસ, પ્રચાર, પ્રસાર તેમજ મૃત સંતોના ચમત્કારો, ધાર્મિક ઉપદેશકોના ચમત્કારો કે જેનાથી શારીરિક ઈજા કે આર્થિક નુકસાન થતું નથી તેના વિશે સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કરવો, ઘર, મંદિર, દરગાહ, ગુરુદ્વારા, ચર્ચ અથવા અન્ય ધાર્મિક સ્થળો જેવા સ્થળોએ પ્રાર્થના, ઉપાસના અને તમામ ધાર્મિક વિધિઓ જેનાથી શારીરિક હાની કે આર્થિક નુકસાન થતું નથી તે કરવી, તમામ ધાર્મિક ઉજવણીઓ, તહેવારો, પ્રાર્થનાઓ, સરઘસ અને તેને લગતા અન્ય કોઈ પણ કાર્યો, મન્નત, નવાસ, મોહરમ શોભાયાત્રા અને અન્ય તમામ ધાર્મિક વિધિઓ કરવી, ધાર્મિક વિધિઓ અનુસાર બાળકોના કાન અને નાક વીંધવા, કેશલોચન જેવી ધાર્મિક વિધિ કરવી તેમજ વાસ્તુશાસ્ત્ર અને ભૂગર્ભજળના સ્ત્રોત લગતી સલાહ, જ્યોતિષીની સલાહ આપવી વિગેરે પ્રવૃત્તિ ગુનો ગણાશે નહિ. આ અધિનિયમમાં શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેની સંવેદનશીલ ભેદરેખામાં કોઇ મુશ્કેલી ઉભી થાય તો, રાજ્ય સરકાર આ કાયદાને કલમ-13 હેઠળ બે વર્ષની સમય મર્યાદામા હુકમ કરીને આ અધિનિયમની જોગવાઇ સાથે અસંગત ન હોય તેવી જોગવાઇ કરી શકશે, એટલે બે વર્ષની મર્યાદામાં મુશ્કેલીઓ દૂર કરવાની જોગવાઇ કાયદામાં કરી છે.
આ પણ વાંચોઃહવે નહીં રહે અછતઃ ભારત સરકારે ગુજરાતને 62.60 લાખ મેટ્રીક ટન ખાતરનો જથ્થો ફાળવ્યો