કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસ બાદ આગામી 30મી સપ્ટેમ્બર, શનિવારે તેમના ગુજરાતની મુલાકાતે આવવાના છે. અમિત શાહ તેમની મુલાકાત દરમિયાન તેમના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં રૂ.1700 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાના છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ક્યાં ક્યાં વિકાસના કામો સમર્પિત કરશે
ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં કુલ રૂ.1707.25 કરોડના પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં, રૂ.910.21 કરોડના મૂલ્યના પ્રોજેક્ટ્સ માટે ગ્રાઉન્ડબ્રેકિંગ સમારોહ યોજાશે, જ્યારે રૂ.262.27 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ પાણી પુરવઠા, ડ્રેનેજ અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંબંધિત છે અને તે પ્રદેશના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
કાર્યક્રમને લઈ કાર્યકરોમાં ઉત્સાહ
આ ઉપરાંત ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં પુનઃવિકાસિત સરખેજ, ભાડજ, ઓગણજ અને જગતપુર તળાવને પણ જનતાને સમર્પિત કરશે તેમજ અમિત શાહ ગોતા ગોધાવી કેનાલને લગતા કામની શરૂઆત કરશે, જેનું રિમોડેલિંગ કરવામાં આવશે, જેમાં ખુલ્લી કેનાલને બંધ કરીને વધુ વિકસિત કરવામાં આવશે. આ કાર્યક્રમને લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.