ગૃહમંત્રી અમિત શાહે બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે સૈનિક સ્કૂલનું લોકાર્પણ અને મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કર્યું

જુનાગઢ, 8 માર્ચ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે જુનાગઢ જિલ્લાના ચાપરડા સ્થિત બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે મુક્તાનંદ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં સૈનિક સ્કૂલ શાળા બિલ્ડીંગ, સૈનિક સ્કૂલ સ્ટાફ ક્વાર્ટર ભવન, જય અંબે હોસ્પિટલ ડોક્ટર ક્વાર્ટર બિલ્ડીંગ, જય અંબે હોસ્પિટલ મોડ્યુલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ અને બ્રહ્માનંદ વિદ્યાધામ અતિથિ ભવનનું લોકાર્પણ તેમજ પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ,શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિર સંસ્કૃત શક્તિ ગુરુકુળનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે આ અવસરે આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે મુક્તાનંદ બાપુના નેતૃત્વમાં બ્રહ્માનંદ ધામમાં ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શિક્ષણ ઉપરાંત અન્ય માનવસેવાના કાર્યો સંસ્થામાં આગળ વધી રહ્યા છે, શ્રી મુક્તાનંદ બાપુએ કચ્છ- કંડલામાં સેવા કાર્યો પણ કર્યા છે તે અંગે આનંદ વ્યક્ત કરતા વધુમાં કહ્યું કે મુક્તાનંદ બાપુએ મહાકુંભમાં પણ સેવા કાર્યો કર્યા છે.
મહાકુંભમાં સરકાર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી તે અંગે મુક્તાનંદ બાપુએ વાત કરી એ સંદર્ભમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું કે મહાકુંભે ભારતની સનાતની સંસ્કૃતિનો મજબૂત સંદેશ સમગ્ર વિશ્વને આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં આઝાદી પછી જે પેન્ડિંગ પ્રશ્નો હતા તેનું નિરાકરણ આવ્યું છે. રાષ્ટ્રની સુરક્ષામાં દેશ કટિબદ્ધ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ મજબૂત બન્યો છે. દસ વર્ષ પહેલા ખેડૂતો માટે માત્ર 22,000 કરોડ હતા હવે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેનાથી છ ગણા વધારે 1,37,000 કરોડ અને 25 લાખ કરોડ ખેડૂતોને લોનમાટે આપવામાં આવ્યા છે તેમ પણ જણાવ્યું હતું.
દેશની સાંસ્કૃતિક વિરાસતોના વિકાસના સંદર્ભમાં કહ્યું કે કાશી કોરીડોર અને વિકાસ કાર્યો, રામ મંદિર નિર્માણ અને સોમનાથ મંદિર પણ સુવર્ણજડિત થઈ રહ્યું છે. આજે સોમનાથ મહાદેવના દર્શન, કોડીનારમાં સુગર ફેક્ટરીનું કાર્ય અને આજે સૈનિક સ્કૂલ બિલ્ડિંગનું લોકાર્પણ,આ મહત્વના કાર્યો આજે થયા તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો :- કોંગ્રેસની હાલત અંગે રાહુલ ગાંધી બાદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝનું દર્દ છલકાયું, જાણો શું કહ્યું