ગૃહ વિભાગના આદેશ : દ્વારકા બાદ સોમનાથ અને પોરબંદર દરિયાઈ પટ્ટીના દબાણો ઉપર પણ તવાઈ
રાજ્યના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં મોટાપાયે ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ છેલ્લા કેટલાય સમયથી ઉઠવા પામતાં ગૃહ વિભાગ દ્વારા આવા દબાણો દૂર કરવાના આદેશ ગત સપ્તાહે આપવામાં આવ્યા હોય સૌપ્રથમ દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ બેટ દ્વારકા ટાપુ ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી. અહીં આજે સતત ત્રીજા દિવસે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને ત્રણ દિવસમાં લગભગ 100 મિલકતનો ખાતમો બોલાવી દેવાયો છે ત્યારે દ્વારકા ઉપરાંત ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : સ્વચ્છ સર્વેક્ષણ – 2022 : રાજકોટ દેશમાં સાતમા અને રાજ્યમાં બીજા નંબરે
ગીર સોમનાથમાં ગઇકાલ અને પોરબંદરમાં આજથી કાર્યવાહી
આ અંગે મળતી માહિતી મુજબ, ગીર સોમનાથ જીલ્લાના દરીયાકાંઠેથી ચરસનો જથ્થો મળવાના મામલે તપાસ કરી રહેલી સુરક્ષા એજન્સીઓના ધ્યાને ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. જેમાં જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સરકારી જમીનો ઉપર અને લેન્ડીંગ પોઈન્ટો નજીક ગેરકાયદેસર પાકા બાંધકામો ખડકાઈ ગયા છે. જે કોસ્ટલ સુરક્ષા માટે જોખમી હોવાથી પોલીસ, રેવન્યુ અને વહીવટી તંત્રની સંયુક્ત ટીમોએ તવાઈ બોલાવી બપોર સુધીમાં ૧૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા છે. આ કાર્યવાહી અવિરત હજુપણ ચાલુ રહેશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.છેલ્લા દોઢેક માસ દરમ્યાન ગીર સોમનાથ જીલ્લાના દરીયાકાંઠેથી ક્રમશ: ચરસનો મોટો જથ્થો મળી આવ્યો છે. જેને લઈ તપાસ કરી રહેલ પોલીસની ટીમોના ધ્યાને દરિયાકાંઠાની સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર પાકા બાંધકામો ખડકાય ગયાની ચોંકાવનારી પરિસ્થિતિ સામે આવી હતી. દરમ્યાન આજે પોરબંદરના દરિયા કિનારે પણ તંત્ર દ્વારા તવાઈ બોલાવતા અડધો ડઝન જેટલા ગેરકાયદે બાંધકામ શોધી તેના ઉપર બુલડોઝર ફેરવવા કાર્યવાહી કરવામાં આવી હતી.