આદિવાસી સમાજમાં આ ખાસ રીતે ઉજવાય છે હોળી, જાણો શું છે તેનું મહત્વ
આદિવાસી સંસ્કૃતિમાં ફાગણ મહિનો મહત્વનો હોય છે. જેમાં આદિવાસી લોકો 2 કે 3 દિવસ નહિ પણ 10 દિવસ મોડી રાત સુધી આદિવાસી પરંપરાગત ઢોલ નગારા ઉજવણી કરતા હોય છે. સ્થાનિક આદિવાસી ભાષામાં ગીતો ગાતા અને કીકીયારીઓથી, નાચ ગાન સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠતો હોય છે.
આદિવાસી સમાજમાં હોળીની અનોખી પરંપરા
ગુજરાત રાજ્યમાં અંબાજી થી ઉમરગામ સુધી વસેલા આદિવાસી સમાજ હોળીના તહેવારની પોતાની આગવી રીતે ઉજવણી કરે છે. દર વર્ષે હોળીના 15 દિવસ અગાઉથી જ ઊજવણીની શરુઆત થઈ જતી હોય છે. આદિવાસી જિલ્લાઓની જેમ અરવલ્લી સાબરકાંઠામા પણ નવપરણિત દીકરા દીકરીઓ પ્રથમ હોળીની પ્રદક્ષિણા કરે છે.જે પરિવારમા મરણ થયું હોય અને ત્યારબાદની પ્રથમ હોળીના દિવસે હોળીના દર્શન કરીને દુઃખ ભૂલીને નવી શરૂયાત કરવાની પરંપરા છે.પ્રકૃતિ પૂજક એવા આદિવાસી સમાજમાં તમામ તહેવારો ઉજવવાની અનોખી પરંપરા હોય છે.
આદિવાસીઓ માટે હોળી એટલે ‘ખાવલા, પીવલા ને નાચુલા’
ખાવલા, પીવલા ને નાચુલા માટે અતિ પ્રિય આ આદિવાસીઓ હોળીના તહેવાર દરમ્યાન ગીતો ગાઇ તારપું, પાવી, કાંહળી, ઢોલક-મંજીરાં વગેરે વાદ્યોની મસ્તીમાં ઝુમી ઊઠે ત્યારે તો એવું વાતાવરણ સર્જાઈ ઊઠે કે જાણે એમનાં નૃત્યને નિહાળવા દેવતાઓ પણ ઉતરી આવતા હોય. દક્ષિણ ગુજરાતને ગામડે-ગામડે હોળી પ્રગટાવાય છે. હોળીબાઈના ગીતો ગવાય છે. ગીતો દ્વારા દેવીઓને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા વિનવવામાં આવે છે. આ પ્રસંગે સ્ત્રી-પુરૂષો એકમેકની કમરમાં હાથ ઝાલી કુંડાળામાં ફરતાં-ફરતાં ગીતા ગાય અને મસ્તીમાં નૃત્ય કરે છે.
આ તહેવારના દિવસે લોકો શું કરે છે ?
આ તહેવાર ફાગણ વદ પાંચમ સુધી ચાલે છે. હોળીના દિવસો દરમ્યાન ખજૂરનો મહિમા વધી જાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભરાતા હાટ-બજારોમાં ખજૂરનું ખૂબ વેચાણ થાય છે. આ દરમ્યાન ઢોલ-નગારાં, તૂર-થાળી, તારપું, કાંહળી, પાવી, માદળ અને ત્રાસાના નાદ સાથે નૃત્ય કરતા-કરતા એક ગામથી બીજા ગામે ઘૂમવામાં આવે છે તથા અબીલ-ગુલાલની છોળો વચ્ચે થાળી લઈ ફાળો ઉઘરાવવામાં આવે છે જેને હોળીનો ફગવો કહેવામાં આવે છે. જે હવે હોળીના દિવસો દરમ્યાન હાટ-બજારોમાં જ જોવા મળે છે. કેટલીક આદિવાસી તમાશા પાર્ટીઓ ગામેગામ ફરી બોલીઓમાં ભવાનીમાતા, લાકડાંનો ઘોડો, સ્ત્રીની (પાતર) વેશભૂષા દ્વારા લોકોને મનોરંજન પુરૂં પાડે છે.
કેવી રીતે ઉજવાય છે ?
આદિવાસીઓ હોળી માતાને પહેલાં શણગારે છે. એનો શણગાર લાકડાં, લાંબા વાંસના ઝાંખરાં, ખાખરા (પલાશ) ના ફૂલો તથા શિંગો, સૂપડું, માલપૂડા, છાણાં, નારિયેળ તથા ફૂલોથી કરવામાં આવે છે. વાંસની ટોચ પર વાટી અને હાડ્ડા (સાકર), ખજૂર વગેરે લટકાવવામાં આવે. આ બધી સામગ્રી પૂરતા પ્રમાણમાં રાખવામાં આવે છે હોળી-ધુળેટીના આગલા દિવસથી ગામમાં છાણાં-લાકડાં વગેરે લાવીને છોકરાંઓ હોલિકાદહનની તૈયારી આરંભે છે. આખા ગામમાં એક ઉત્સાહનો માહોલ છવાય છે.અને સૌ કૌઈ તેમાં મન ભરીને ભાગ લેતા હોય છે. હોળી પ્રગટાવવામા આવે છે, જેનાં કારણે મધ્યમાં રાખવામાં આવેલ વાંસ ઝૂકી પડે છે. ત્યારે સ્ત્રીઓ ગાય છે. હોળી માતાને બરાબર શણગાર્યા પછી પંચાંગમાં જણાવેલ સમયે ગામના ભગત તથા વૃદ્ધોની હાજરીમાં પ્રગટાવવામાં આવે છે. ત્યાં એને નારિયેળનું નૈવેધ ધરાવવામાં આવે છે. પ્રગટેલ હોળી માતાને ફરતે નાચતાં-ગાતાં પાંચ ફેરા ફરવામાં આવે છે. ફેરા લગાવતી વખતે એને પૈસા તથા અક્ષત અર્પિત કરવામાં આવે છે. જેમણે માનતા – બાધા માની હોય કે તને ચઢાવવા વગર અમે મરવાં (કાચી નાની કેરી), કરમદાં વગેરે ખાઈશું નહીં, તે બધા આ વસ્તુઓ હોળી માતાને અર્પિત કરી, પગે લાગી પ્રણામ કરે. હોળીના તહેવાર માટે મુખ્ય લાકડું ખજૂરીનું તુંબું હોય છે.
આ તહેવારની ઉજવણી પાછળ રહેલી માન્યતાઓ
હોલિકા દહન બાદ સળગેલા તુંબાંના કાજળથી સૌ તિલક કરે. હોળીને પ્રગટાવ્યા બાદ જો હોળી પૂર્વ દિશા તરફ ઝૂકી પડે તો તેને શુભ માનવામાં આવે. એવી માન્યાતા છે કે જો હોળી પૂર્વમાં પડે તો તે વરસ સારું જાય, એ વરસે વરસાદ સારો થાય, પાકમાં રોગ ન આવે. વાંસની ટોચે લટકાવેલ સામગ્રી મેળવવા માટે જુવાનિયાઓમાં સ્પર્ધા જામે. કેમકે જે જુવાનિયા એ સામગ્રીને મેળવે તેમના માટે માન્યતા છે કે તેમના લગ્ન એ વરસે થશે.ખજૂર-દાળિયા-ધાણી વગેરે લાવીને પ્રગટાવેલી હોળી પર નાખે અને લોકો ફરતે ઘૂમે. ગુજરાતમાં આ રીતે ઠેરઠેર યોજાતી હોળી આદિવાસી સમાજમાં જરા નોખી રીતે ઉજવાય છે. હોળીના તહેવારને સાહિત્યમાં પણ નોખું સ્થાન મળ્યું છે અને અનેક કવિઓએ તેનાં ગીતો લખ્યાં છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં હોળીનું પર્વ લોકોનાં જીવન સાથે પણ એટલું જ વણાયેલું છે.
હોળીના તહેવારને લગતા ગીતો
અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લામા ખુબજ ઉત્સાહથી હોળી ઉજવવામાં આવે છે. હોળીગીતમાં કુટુંબજીવન અને સામૂહિક ભાવનાનો એક હૃદયસ્પર્શી અંશ છુપાયેલો છે. આદિવાસીઓમાં હોળીનું મહત્વ ઘણું છે. એ દિવસોમાં ટોળ (ઘેરૈયા)ની ગેર નીકળે છે ને ગાય છે. ઢોલ પર ડાંડી પડતાં ‘હીહીહીહી’ સાથે ગેરિયા નાચવા માંડે છે.
ડુંગર ઉપર મરચી રોપી, ઝીણાં ઝીણાં પાનાં રે;
ઝીણાં ઝીણાં પાન ગેરિયા, ધીમા ધીમા નાચો રે.
અમારા ગેરિયા તરસ્યા થ્યા, વેરી’ બતાવી મેલો રે,
ઉંચલી વેરી કાગળ બોરી, નીચલી વેરી સાંખી રે.
પાવું હોય તો પાજો, નીકર ઘોડેલો પાછો વાળો રે.
જળ જાંબુડાનો નમતો છાંયો, ઝીણાં ઝીણાં પાનાં રે,
અમારા ગેરિયા તરસ્યા થ્યા, વેરીનું પાણી લાવો રે;
પીતો વૈતા પીજોરા ગેરિયા, ઘોડેલો પાછો વાળો રે.
ડુંગર ઉપર મરચી વાવી, ઝીણાં ઝીણાં પાનાં રે,
લીંબડે આવી લીંબોળી, ને કેળમાં ઝીલી વીંઝોળી;
ડુંગર ઉપર મરચી વાવી, ઝીણાં ઝીણાં પાનાં રે
આ પણ વાંચો : swiggy એ હોળી પર આપી એવી જાહેરાત કે લોકો ભડક્યાં, જાણો શું છે મામલો