સોમવારથી હોળી અને ધૂળેટીનો પર્વ શરૂ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના વિવિધ સ્થાનો પર બજારોમાં ધાણી, દાળિયા, ખજુર, પતાસાના હારડાનું વેચાણ થઈ રહ્યું છે. ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે ધાણી સહિતની ચીજવસ્તુઓમાં સરેરાશ 20 ટકાનો ભાવ વધારો થયો છે. ગ્રામ્ય સંસ્કૃતિમાં હોળી અને ધૂળેટીના તહેવારો નિમિત્તે ધાણી, દાળિયા, ખજુર, પતાસા ખાવાનો અનન્ય મહિમા રહેલો છે.
આ પણ વાંચો : વૈદિક હોળી કિટનું સ્ટાર્ટઅપ કરી યુવાને લાખો રૂપિયા કમાણી કરી
ચાલુ વર્ષે ધાણી, ચણા, ખજૂર, મમરા, હારડાના ભાવમાં ગત વર્ષ કરતા 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મોટી ધાણીનો ભાવ કિલોના 100 રૂપિયા, નાની ધાણીનો ભાવ કિલોએ 80 રૂપિયા, ચણાનો ભાવ 250 ગ્રામના 40 રૂપિયા, ખજૂરનો ભાવ કિલોએ 140 રૂપિયા, મગફળીનો ભાવ કિલોએ 160 રૂપિયા, હારડાનો ભાવ કિલોએ 120 રૂપિયા છે.
ગત વર્ષ કરતા 20 ટકાનો ભાવ વધારો પર વાત કરતાં વેપારીઓ કહે છે કે, આ વર્ષે હોળી પર્વની ધાણી સહિતની વસ્તુઓની ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા દિવસોમાં ગ્રાહકો બજારમાં ઉમટશે. તેવી વેપારીઓ આશા સેવીને બેઠા છે.
રંગ અને પિચકારી મોંઘી થઈ
આ તરફ હોળીના રંગ અને પિચકારી પણ મોંઘી થઈ છે. હોળીનો તહેવારમાં પિચકારી સહિતના ધૂળેટીના રમકડાંના ભાવમાં 25-35 ટકાનો ભાવ વધારો થયો છે એટલે કે જે વસ્તુ 200માં મળતી હતી તેના માટે 250-270 રૂપિયા ચુકવવા પડશે. જથ્થાબંધ ખરીદી કરતા વેપારીઓને ભાવ વધારે લાગી રહ્યો છે. આ વર્ષે માલની અછત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચો : રાજ્યના ખેડૂતો પાસેથી 10 માર્ચથી ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે સરકાર