‘લાદેનની તસવીર અને ISISનો ઝંડો રાખવો ગુનો નથી’, UAPA કેસમાં HCએ આરોપીને આપ્યા જામીન
નવી દિલ્હી, 07 મે 2024: દિલ્હી હાઈકોર્ટે ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના કેરળ મોડ્યુલ કેસમાં કોંગ્રેસના દિવંગત ધારાસભ્ય બીએમ ઈદીનાબ્બાના પૌત્ર અમ્મર અબ્દુલ રહેમાનને જામીન આપ્યા છે. દિલ્હી હાઈકોર્ટે UAPA કેસમાં જામીન આપતાં કહ્યું હતું કે મોબાઈલમાં આતંકવાદી ઓસામા બિન લાદેનની તસવીરો, જેહાદ પ્રચાર અને ISISના ઝંડા જેવી વાંધાજનક સામગ્રી શોધવી એ બતાવવા માટે પૂરતું નથી કે તે ISIS જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનનો સભ્ય છે. દિલ્હી હાઈકોર્ટે સોમવારે કહ્યું હતું કે ઈલેક્ટ્રોનિક યુગમાં આ પ્રકારની વાંધાજનક સામગ્રી વેબસાઈટ પર મુક્તપણે ઉપલબ્ધ છે અને માત્ર તેને એક્સેસ કરીને ડાઉનલોડ કરવી એ માનવું પૂરતું નથી કે આરોપીએ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલો છે.
લાદેનની તસવીરો મળી આવતા આતંકવાદી ન ગણી શકાય
જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ મનોજ જૈનની ખંડપીઠે કહ્યું કે, ફોટો અને વીડિયોથી એ જાણકારી મળી શકે છે કે, વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે. પરંતુ આનાથી એ સાબિત થતું નથી કે તે વ્યક્તિ ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે. કોર્ટે કહ્યું કે, માત્ર આ આધાર પર વ્યક્તિને આતંકવાદી ન કહી શકાય કે તેના મોબાઇલ ફોનમાંથી ઓસામા બિન લાદેનની તસવીરો કે જેહાદ પ્રમોટ કરતી વસ્તુઓ મળી આવી છે. આ સિવાય ઇસ્લામિક સ્ટેટનો ઝંડો અને કટ્ટરવાદી ભાષણોને તેનો આધાર માની શકાય નહીં.આ કેસમાં આરોપી જામીન માટે હકદાર છે.
રહેમાન પર ISISમાં સામેલ હોવાનો આરોપ
ઓગસ્ટ 2021માં NIA દ્વારા ધરપકડ કરાયેલા અમર અબ્દુલ રહેમાનને જામીન આપતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી. તેના પર ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 120B અને UAPAની કલમ 2 (O), 13, 38 અને 39 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. એવો આક્ષેપ હતો કે રહેમાન ISIS તરફ ખૂબ જ કટ્ટરપંથી હતો અને ભારતમાં ખિલાફતની સ્થાપના કરવા માટે ISIS સામેલ થવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે જમ્મુ-કાશ્મીર અને અન્ય ISIS નિયંત્રિત વિસ્તારોમાં ગુનાઇત કાવતરામાં સામેલ હતો. NIAનો આરોપ છે કે રહેમાનના મોબાઈલ ફોનની તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે સ્ક્રીન રેકોર્ડર વિકલ્પનો ઉપયોગ કરીને ઈન્સ્ટાગ્રામ પરથી ISIS અને ક્રૂર હત્યાઓ સાથે સંબંધિત વીડિયો ડાઉનલોડ કર્યા હતા.
આ પણ વાંચો: પ્રેમમાં નિષ્ફળ પ્રેમી આપઘાત કરે તો મહિલાને દોષિત ન માની શકાય: દિલ્હી હાઈકોર્ટ