ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે 6 સ્થળોએ ભવ્ય રોડ શો કરશે, 19મીએ ઉમેદવારી ફોર્મ ભરશે
અમદાવાદ,17 એપ્રિલ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવી ગયાં છે. આવતીકાલે તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં 6 જેટલા સ્થળોએ રોડ શો કરવાના છે અને 19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. તેમના મતવિસ્તારમાં સમાવિષ્ટ થતી વિધાનસભા બેઠક સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડીયા નારણપુરા, વેજલપુર વિધાનસભા વિસ્તારમાં ભવ્યાતી ભવ્ય વિજય શંખનાદ રોડ શો સાથે જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે જ અમદાવાદ આવી ગયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગર લોકસભા મત ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હાલના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ તારીખ 19 એપ્રિલે ગાંધીનગર ખાતે બપોરે 12:39 વાગ્યે ઉમેદવારી પત્ર ભરશે. તે પૂર્વે આવતીકાલે તારીખ 18મીએ તેમના મતવિસ્તારમાં સમાવિષ્ટ થતી વિધાનસભા બેઠક સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડીયા નારણપુરા, વેજલપુર વિધાનસભા વિસ્તારમાં ભવ્ય વિજય શંખનાદ રોડ શો સાથે જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલના રોડ શોને લઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે જ અમદાવાદ આવી ગયા છે. તેમના આ રોડ શો દરમિયાન રાસ મંડળી, વૈદિક મંત્રોચ્ચાર, રાજસ્થાની, પંજાબી, મહારાષ્ટ્ર નૃત્યની પ્રસ્તુતિ રજૂ થશે. આ ઉપરાંત પાઇપ બેન્ડ શરણાઈ મંડળી સુરાવલી રેલાવશે. આ ઉપરાંત વિવિધ ગાયક કલાકારો પોતાની ગાયકી રજૂ કરશે.
6 સ્થળોએ અમિત શાહના રોડ શોનું આયોજન
આવતીકાલે 6 સ્થળોએ અમિત શાહના રોડ શોનું આયોજન છે. તેને સફળ બનાવવા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરજોશથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે, ગુરુવારે સવારે આઠ કલાકે સાણંદમાં ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી રોડ શોની શરૂઆત થશે. જ્યારે સાણંદ નળ સરોવર ચોકડી પર સમાપન થશે. કલોલમાં સવારે 9:30 કલાકે જેપીગેટથી રોડ શો શરૂ થશે. જ્યારે ટાવર ચોકમાં સમાપન થશે. સાબરમતીમાં બપોરે ત્રણ કલાકે રામજી મંદિર રોડથી સરદાર પટેલ રોડનુ પ્રસ્થાન થશે, જ્યારે ચાંદલોડિયા રોડ પર સમાપન થશે. ઘાટલોડિયામાં સાંજે 4:30 કલાકે રોડ શો ચાંદલોડિયા રોડ ઉમિયા હોલ જંકશનથી પ્રસ્થાન થશે.સાંજે 5:30 કલાકે નારણપુરામાં રંન્ના પાર્કથી ક્રિષ્ના ડેરી સુધીના રોડ શોનું આયોજન છે, સાંજે 6:30 કલાકે વેજલપુરના જીવરાજ પાર્કથી રોડ શોની શરૂઆત થશે અને કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે અમિત શાહ જાહેર સભાને સંબોધન કરશે.
આ પણ વાંચોઃભાજપ ‘400ને પાર’ કરશે કે કોંગ્રેસનો ‘પંજો’ મારશે બ્રેક, સર્વેમાં બહાર આવ્યું આવું પરિણામ