કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભૂતકાળ યાદ કર્યો, 5 મિનિટ પહેલાં હું જેલનો મંત્રી હતો, 5 મિનિટ પછી જેલનો કેદી
જૂનાગઢ, 3 ડિસેમ્બર 2023ઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શનિવારે જૂનાગઢમાં ભવનાથ સ્થિત રૂપાયતન સંસ્થા ખાતે જૂનાગઢના પ્રખર ધારાશાસ્ત્રી અને પૂર્વ મંત્રી દિવ્યકાંત નાણાવટીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે રૂપાયતન દ્વારા આયોજિત સ્મૃતિ પર્વમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્વ. દિવ્યકાંત નાણાવટીના જીવન કાર્યને ઉજાગર કરતા સ્મૃતિ ગ્રંથ દિવ્યકાંત નાણાવટી: ભુલાય તે પહેલાનું વિમોચન કર્યું હતું. આ દરમિયાન તેમણે પોતાના જીવનના કપરા કાળને પણ યાદ કર્યો હતો. દાયકાઓ પહેલાની વાત ટાંકીને અમિત શાહે અજાણતા જ જૂનાગઢના શાસકોને ખુંચી જાય એવી કોમેન્ટ કરી હતી.
અમિત શાહે કપરા કાળના દિવસો યાદ કર્યા
શનિવારે જૂનાગઢ જિલ્લામાં રાજ્યના પૂર્વ મંત્રી અને કૉંગ્રેસના નેતા સ્વ. દિવ્યકાંત નાણાવટીની જન્મ શતાબ્દી કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. મંચ પરથી સંબોધન કરતી વેળાએ તેમણે પોતાના ખરાબ સમય વિશે જણાવ્યું હતું. પ્રોફેશનલિઝમ કોને કહેવાય તે સમજાવતાં તેમણે દિવ્યકાંત નાણાવટીના પુત્ર નિરૂપમ નાણાવટીનું દૃષ્ટાંત આપ્યું હતું. શાહે કહ્યું હતું કે ‘કૉંગ્રેસે સીબીઆઇ કેસ કરીને મને જેલમાં પુરાવ્યો હતો. મારી માટે તો સ્વાભાવિક રીતે એ સૌથી કપરો સમય હતો. 5 મિનિટ પહેલાં હું જેલનો મંત્રી હતો અને 5 મિનિટ પછી જેલનો કેદી હતો. આ રીતે જમીન પર ઉતરવાનું સૌભાગ્ય ભાગ્યે જ કોઈને મળ્યું હશે. કોઈને જમીન પર લાવવા માટે ઈશ્વરે મને જે સૌભાગ્ય આપ્યું છે, એવું ક્યારેય કોઈને નહીં આપ્યું હોય.
હોટલમાં જમતી વખતે બનેલી ઘટના અમિત શાહે વાગોળી
અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, ક્રિમિનલ લૉના જાણકાર સારા વકીલોની ચર્ચા કરતી વખતે સ્વાભાવિક રીતે જ નિરૂપમભાઈનું નામ પણ આવ્યું પરંતુ અમારા બે-ત્રણ જણાને લાગ્યું કે નિરૂપમભાઈ કૉંગ્રેસના જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે, કૉંગ્રેસના નેતા રહી ચૂક્યા છે અને તેમનું બૅકગ્રાઉન્ડ પણ કૉંગ્રેસનું છે તો એ શા માટે કેસ લડશે? મારો કેસ તેઓ લડે, એવી અમારામાંથી કોઈની ઇચ્છા નહોતી, પરંતુ મેં કહ્યું કે પૂછવામાં શું જાય છે? આપણે તેમને પૂછવું જોઈએ. દરમિયાન એક કૉમન મિત્રે તેમની સાતે વાત કરી અને અમારા સૌના આશ્ચર્યની વચ્ચે નિરૂપમભાઈએ કેસ લીધો અને માત્ર લીધો જ નહીં, લડ્યા અને સુપ્રીમ કોર્ટ સુધી જીતવામાં મદદ પણ કરી. નિરૂપમ નાણાવટી સાથે દિલ્હીની એક હોટલમાં જમતી વખતે બનેલી ઘટના અમિત શાહે વાગોળી હતી. એ સમયે તેમણે નિરૂપમભાઈને પૂછ્યું હતું કે કેસ શા માટે લીધો? તો તેમણે કહ્યું કે અમિતભાઈ કૉંગ્રેસમાં મારા મિત્રો પણ છે અને હું જાણું છું કે તમને ફસાવાયા હતા. એટલે હું તમારો કેસ લડું છું.
નરસિંહ મહેતાનાં જીવનને સમજવું જોઇએ: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીએ આદિકવિ નરસિંહ મહેતા અને જુનાગઢના સંદર્ભમાં સગૌરવ જણાવ્યું હતું કે, નરસિંહ મહેતાએ વેદ ઉપનિષદને સરળ શબ્દોમાં લોકોને સમજાવી સાહિત્ય ક્ષેત્રે તેમનું બહુ મોટું પ્રદાન છે. કેન્દ્રીય મંત્રીએ નરસિંહ મહેતાના પદોને યાદ કરીને અસ્પૃશ્યતા સામે તેમની સામાજિક સેવાની સુધારણાને પણ પ્રેરણાદાયી ગણાવી હતી. આ ઉપરાંત, ગૃહ મંત્રીએ જૂનાગઢના પદ્મ ભીખુદાન ગઢવીનું લોકસાહિત્ય ક્ષેત્રે યોગદાન અને પદ્મથી સન્માન સંદર્ભે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર ગુજરાત અને સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં સાહિત્ય કલા ક્ષેત્રે યોગદાન આપનારાને તેમની ઉત્કૃષ્ટ સેવાને યાદ કરીને સન્માનિત કરવામાં આવ્યા છે, તે અંગે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ ઉદ્યોગમંત્રી બળવંતસિંહે મલેશિયાને ગ્લોબલ સમિટિમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું