ટોપ ન્યૂઝનેશનલ

સ્મૃતિ ઈરાનીનો કોંગ્રેસ પર વળતો પ્રહાર, કહ્યું – “મારી દીકરી વિદ્યાર્થી છે, બાર નથી ચલાવતી”

Text To Speech

ગોવામાં ગેરકાયદેસર બારના સંચાલનમાં કથિત રીતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રીનું નામ સામે આવ્યા બાદ કોંગ્રેસે તેમના પર શાબ્દિક હુમલો કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે, ગોવામાં સ્મૃતિ ઈરાનીની પુત્રી દ્વારા ચલાવવામાં આવી રહેલી એક રેસ્ટોરન્ટ પર નકલી લાયસન્સ લેવાનો આરોપ છે. આ લાયસન્સ એક એવા વ્યક્તિના નામે છે, જેમનું અવસાન મે 2021માં થયું અને લાયસન્સ જૂન 2022માં લેવામાં આવ્યું.

આના પર કેન્દ્રીય મંત્રીએ વળતો જવાબ આપ્યો. તેમણે તમામ આરોપોને ફગાવીને કોંગ્રેસ નેતા પવન ખેરા અને દિગ્ગજ નેતા જયરામ રમેશને ઘેરી લીધા. સ્મૃતિ ઈરાની આ મામલે કોંગ્રેસ નેતા અને મહિલા કોંગ્રેસના અધ્યક્ષને નોટિસ મોકલવાની તૈયારી કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, બે આધેડ વયના પુરુષોએ એક 18 વર્ષની દીકરીની ઈજ્જતને કલંકિત કરવાની હિંમત કરી છે. તે દીકરીનો દોષ માત્ર એટલો છે કે તેની માતાએ 2014 અને 2019માં અમેઠીથી રાહુલ ગાધી સામે ચૂંટણી લડી. જે 18 વર્ષની દીકરીની ઈજ્જત પર કોંગ્રેસના પ્રવક્તાઓએ આજે હુમલો કર્યો, તે યુવતીનો દોષ એ પણ છે કે તેની માતા સ્મૃતિ ઈરાની સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરે છે. તે 18 વર્ષની દીકરી જે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે, તેનો દોષ એટલો છે કે તેની માતાએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની 5000 કરોડની લૂંટની ઉપર પ્રેસ કોન્ફરન્સ કરી.

તેમણે કહ્યું કે, આજે એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના પ્રવક્તાએ હસતા હસતા જે યુવતી પર હુમલો કર્યો છે, તે રાજનીતિમાં નથી અને એક સાધારણ કોલેજ વિદ્યાર્થીની તરીકે પોતાનું જીવન જીવી રહી છે. પવન ખેરાએ એમ કહ્યું કે, મારી દીકરીને કારણ જણાવો નોટિસ આપવામાં આવી છે અને પોતાના હાથમાં બે કાગળ દેખાડ્યા. હું આજે પૂછવા માંગુ છું કે આ કાગળોમાં મારી દીકરીનું નામ ક્યાં છે?

 

સ્મૃતિ ઈરાનીએ કહ્યું, જયરામ રમેશે કહ્યું કે તેઓ આરટીઆઈના આધારે મારી પુત્રી પર આરોપ લગાવી રહ્યા છે. હું જયરામ રમેશને પૂછું છું કે શું તે RTI અરજીમાં મારી દીકરીનું નામ છે, શું તેના જવાબમાં મારી પુત્રીનું નામ છે?’

Back to top button