હિટ એન્ડ રન : ડીસા બનાસપુલ પર વાહનચાલકે બાઇક સવારને મારી ટક્કર, બે યુવક ઇજાગ્રસ્ત
પાલનપુર: ડીસામાં વધુ એક હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે. જેમાં બનાસપુલ પરથી પસાર થઈ રહેલા બાઈક સવાર બે યુવકોને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ જતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.
ડીસાથી અજિત ઠાકોર અને સોનુ બિહારી નામના બે યુવકો શુક્રવારે બાઈક પર ભીલડી તરફ જઈ રહ્યા હતા. તે સમયે બનાસપુલ પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે અજાણ્યો વાહન ચાલકબાઈક પર સવાર યુવકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતના પગલે આજુબાજુમાંથી પસાર થતા વાહન ચાલકો ત્યાં ઊભા રહી આ બંને યુવકોને બચાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા . જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકોને બચાવવા માટે 108 એમ્બ્યુલન્સ વાન ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ડીસામાં 24 કલાકમાં બે હીટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એક આધેડનું મોત થયું છે. અને બે યુવકોને ગંભીર ઈજા પહોંચી છે.
ડીસાના ટેટોડા નજીક વાહનચાલકે આધેડને ઉડાવ્યા, ઘટના સ્થળે મોત
ડીસા-ધાનેરા હાઈવે પરના ટેટોડા ગામ નજીક અજાણ્યા વાહનની ટકકરથી એક આધેડની લાશ મળી હતી. જે અંગેની જાણ થતાં ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લાવવામાં આવી હતી. ત્યાર બાદ મૃતકની ઓળખ અંગે પોલીસે તપાસ હાથ ધરતાં પચાસ વર્ષ ના મૃતક અમરતભાઈ મફતલાલ શ્રીમાળી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માત એ મોત અન્વયે ગુનો નોંધી ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.