ગુજરાતવિશેષ

ઐતિહાસિક તરણેતર મંદિર અને તેના મેળાનો ઇતિહાસ

Text To Speech

અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. જેનું નામ મંધાતા હતું અને આ તરણેતરનું મંદિર મંધાતાએ બંધાવેલ હતું તેવી લોકવાયકા છે. આ મંદિર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારત કાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.

તરણેતરના આ મંદિરમાં બે શિવલિંગ સ્થાપિત
અત્યારનું જે મંદિર છે તેનો જીર્ણોધાર લખતરનાં રાજવી કરણસિંહજીએ ઈ.સ. 1902 ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાનાં સ્મરણાર્થે કરાવ્યો હતો. મંદિરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદિરની બાંધણી થઈ છે. આ મંદિરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદિર પાસે 100 વીઘા જેવી ખેતીની જમીન છે.મંદિરની સામેની બાજુએ તળાવ છે. તરણેતરનાં આ મંદિરમાં બે શિવલિંગ સ્થાપિત છે. જે જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલિંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ મંદિરનો જીર્ણોધાર કર્યો ત્યારે થઇ છે.મંદિરની બાજુમાં ત્રણ કુંડ આવેલાં છે જે વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે. આ મંદિરની કોતરણી અને શિલ્પ અદભુત, મોહક અને મનોહર છે.

ત્રણ દિવસના મેળામાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવશે
તરણેતરનો ભાતીગળ મેળો વિશ્વ વિખ્યાત છે. આવતીકાલથી શરુ થનાર આ મેળાને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને લાખોની સંખ્યામાં દેશ સહીત વિદેશમાંથી લોકો મેળો માણવા ઉમટી પડશે. તરણેતરનો મેળો ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે. જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાંચાળ પ્રદેશની પ્રજા દુર ન જઈને તરણેતરને ગંગા અને હરદ્વાર માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કુંડમાં નાહીને ગંગામાં નાહયાનું પુણ્ય માને છે.

સૌરાષ્ટ્રના મહત્વના ત્રણ મેળાઓ
સૌરાષ્ટ્રમાં ત્રણ મેળા મહત્વના છે. ભવનાથનો શિવરાત્રિનો મેળો, માધવપુરનો મેળો અને પાંચાળનો તરણેતરનો મેળો. તરણેતરનો મેળોએ રંગનો મેળો છે, માધવપુરનો મેળો એ રૂપનો મેળો છે અને શિવરાત્રિનો મેળોએ ભક્તિનો મેળો છે. તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ છે. જેમાં સામ સામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર અને 200-200 ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ.

આરોગ્ય વિભાગ દ્વારા કડક ચેકીંગ
સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને આ વર્ષે તરણેતરનો મેળો ભરવા માટેની બેઠક મળી હતી. જેમાં અધિકારીઓ તેમજ કલેકટરની ઉપસ્થિતિમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જિલ્લામાં રોગચાળાની દહેશતને પગલે આરોગ્ય તંત્ર દ્વારા પણ મેળામાં આવતા દરેક લોકોને ચેક કરી જરૂરી તપાસ અને માસ્ક આપ્યા બાદ જ મેળામાં પ્રવેશ આપવામાં આવશે.

Back to top button