પતંગનો ‘ઈતિહાસ’ : રામાયણ-મહાભારત કે ચીનથી શરુ થઈ હતી ઉત્તરાયણ ? શું છે સત્ય ?
ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યાં છે, ઉત્તરાયણ આવે એટલે દરેક જણ પતંગ ફિરકી લઈ વહેલી સવારથી જ ધાબા પર ચડી જતા હોય છે, ત્યારે તમે જે પતંગ ઉત્તરાયણના દિવસોમાં આકાશે ઉડાવો છો, તેની શરુઆત ક્યારથી થઈ તે વિશે ઘણા લોકો અજાણ હોય છે, કેટલાક ધર્મશાસ્ત્રીઓના મતે પતંગનું અસ્તિત્વ રામાયણ અને મહાભારત કાળમાં પણ હતું. અમરકોશ જેવા પ્રાચીન ગ્રંથમાં પતંગનો ઉલ્લેખ જોવા મળે છે. બીજી તરફ પશ્ચિમના ઇતિહાસકારો પતંગની શોધને હડપ્પા અને મોહેં-જો-દરોની સિંધુ સંસ્કૃતિના મળી આવેલા અવશેષો સાથે પણ સરખાવે છે. સિંધુ સંસ્કૃતિના મળી આવેલા અવશેષોમાં અમુક ચિત્રલિપિમાં પતંગની આકૃતિ જોવા મળી હતી.
આ પણ વાંચો : હિન્દુ તહેવાર ‘મકરસંક્રાંતિ’ કેમ અંગ્રેજી કેલેન્ડર અનુસાર ઉજવવામાં આવે છે ? શું તમે જાણો છો
રામચરિત માનસમાં ઉત્તરાયણનું વર્ણન
શ્રી રામચરિત માનસમાં વર્ણવેલા એક પ્રસંગ પ્રમાણે ભગવાન શ્રીરામે પતંગ ઉડાવ્યો હતો. રામાયણ મુજબ મકર સંક્રાંતિ જ એ પાવન દિવસ હતો કે જ્યારે ભગવાન શ્રીરામ અને હનુમાનજીની મિત્રતા થઈ. મકર સંક્રાંતિના દિવસે રામે જ્યારે પતંગ ઉડાવી તો પતંગ ઈન્દ્રલોકમાં પહોંચી ગઈ. પતંગને જોઈને ઈન્દ્રના પુત્ર જયંતીની પત્ની વિચારવા લાગી કે જેની પતંગ આટલી સુંદર છે તે પોતે કેટલા સુંદર હશે. ભગવાન રામને જોવાની ઈચ્છાને કારણે જયંતીની પત્નીએ પતંગની ડોર તોડીને પતંગ પોતાની પાસે રાખી લીધી. ભગવાન રામે હનુમાનજીને પતંગ શોધીને લાવવા કહ્યું. હનુમાનજી ઈન્દ્રલોક પહોંચી ગયા. જયંતની પત્નીએ કહ્યું કે જ્યાં સુધી તેઓ રામને જોશે નહી ત્યાં સુધી પતંગ પરત નહી આપે. હનુમાનજી સંદેશ લઈને રામ પાસે પહોંચી ગયા. ભગવાન રામે કહ્યું કે વનવાસ દરમિયાન જયંતની પત્નીને તેઓ દર્શન આપશે. હનુમાનજી રામનો સંદેશ લઈને જયંતની પત્ની પાસે પહોંચ્યા અને ભગવાન રામનું આશ્વાસન મેળવીને જયંતની પત્નીએ પતંગ પરત આપી દીધી.
શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ઉત્તરાયણનો છે ઉલ્લેખ
આ ઉપરાંત ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં ઉત્તરાયણનું મહત્ત્વ જણાવ્યુ છે. આ દિવસ ખુબ જ પવિત્ર અને તેજોમય ગણાવાયો છે. આ દિવસે દેહત્યાગ કરનાર વ્યક્તિને પુનઃ જન્મના બંધનોમાંથી મુક્તિ મળે છે તેવુ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યુ છે. ભગવાન શ્રીકૃષ્ણએ ઉત્તરાયણનું મહત્વ દર્શાવવા માટે ગીતામાં કહ્યુ છે કે, ઉત્તરાયણના 6 મહિનાના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે તો આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ થતો નથી. આવા લોકો બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આ જ કારણ હતુ કે ભીષ્મ પિતામહે શરીર ત્યાં સુધી ત્યજ્યુ નહોતુ જ્યા સુધી સૂર્ય ઉત્તરાયણ થયો નહોતો.
પતંગ શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ કોણે કર્યો ?
રામાયણમાં ભગવાન રામ પુષ્પક વિમાનમાં અયોધ્યા આવ્યા હતા તેવો ઉલ્લેખ છે. આ પુષ્પક વિમાનને પણ પતંગ સાથે સીધો સંબંધ છે. જોકે એક ધારણા એવી છે કે ભારતમાં ‘પતંગ’ નામનો સર્વપ્રથમ ઉલ્લેખ મંઝન નામના કવિએ પોતાની કવિતા ‘મધુમાલતી’માં કર્યો હતો. આ કવિએ પતંગને પ્રેમી અને પ્રેમિકાના પ્રેમ-સંદેશ એકબીજા સુધી પહોંચાડવાના એક કાલ્પનિક વાહન કહીને ઉલ્લેખ કર્યો હતો, ત્યારથી આપણે ત્યાં ‘પતંગ’ નામ પ્રચલિત થઈ ગયું છે. મરાઠી કવિ એકનાથ અને તુકારામે પોતાના શ્લોકોમાં પતંગનો ઉલ્લેખ ‘વાવડી’ નામે કર્યો હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે.
શું પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં થઈ હતી ?
જો કે ઘણાં લોકો એમ પણ કહે છે કે પતંગ ચગાવવાની શરૂઆત અઢી હજાર વર્ષ પહેલાં ચીનમાં થઈ હતી. ચીનમાં કાગળ અને રેશમની શોધ સૌ પ્રથમ થઈ હતી. ચીનમાં વાંસ પણ પુષ્કળ થાય છે. આ ત્રણે વસ્તુઓ સહેલાઈથી મળતાં ચીનમાં કાગળના પતંગ બનાવવાની શરૂઆત થઈ. ચીનમાં પાંચમી સદીમાં મોઝી અને લુબાન નામના સાધુઓએ પ્રથમવાર કાગળના પતંગ ચગાવ્યાની ઇતિહાસમાં નોંધ છે. ૧૬મી અને ૧૭મી સદી દરમિયાન પતંગ ચગાવવાની પ્રથા વિશ્વના ઘણા દેશોમાં પરંપરા બની ગઈ. રાઈટ ભાઈઓએ વિમાનની શોધ પણ પતંગમાંથી પ્રેરણા લઈને કરેલી.
કેવી રહી પતંગની સફર ?
ત્યારબાદ ઈ.સ. ૧૮૬૦થી ૧૯૧૦નો ગાળો પતંગ માટે સુવર્ણકાળ બન્યો. વિજ્ઞાનીઓ હવામાનનો અભ્યાસ કરવા, એરીયલ ફોટોગ્રાફી કરવા, વિમાનના મોડેલો બનાવવાના પ્રયોગો કરવા પતંગનો ઉપયોગ કરવા લાગ્યા. પતંગની જેમ ઊડતાં ગ્લાઈડર પણ શોધાયા. બીજા વિશ્વયુદ્ધમાં પતંગનો ઉપયોગ સંદેશા મોકલવા માટે પણ થવા લાગ્યો હતો.ત્યારબાદ ભારતમાં મકરસંક્રાન્તિ પર પતંગ ઉડાવવાનું શરુ થયું અને તે પરંપરા આજ સુધી જળવાયેલી છે.