સ્પોર્ટસ
એશિયન કપ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચાયો : મનિકા બત્રા સેમિફાઇનલમાં પહોંચી


ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ એશિયન કપ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચ્યો છે. મનિકા આજે શુક્રવારે મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચી હતી. આ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. મનિકાએ ક્વાર્ટર ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેઈની ચેન સુ-યુને હરાવી હતી. મનિકાએ ચેન સૂ-યુ સામે 4-3થી જીત મેળવી હતી. હવે તેનો મુકાબલો ફાઇનલમાં સ્થાન મેળવવા માટે કોરિયાની જીઓન જીહી અથવા જાપાનની મીમા ઇટો સામે થશે.
મનિકાએ છેલ્લા રાઉન્ડમાં પલટવાર કર્યો હતો
મનિકા બત્રાએ અગાઉ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં અપસેટ સર્જ્યો હતો. તેણે વિશ્વની સાતમી ક્રમાંકિત ચીનની ચેન જિંગતાંગને સાત ગેમમાં હરાવી હતી. વર્લ્ડ નંબર 44 મનિકાએ ચેનને 8-11, 11-9, 11-6, 11-6, 9-11, 8-11, 11-9થી હાર આપી હતી. મનિકાની જીતના પગલે તેને ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે.