નવી દિલ્હીઃ ભારતીય નેવી હવે મહિલાઓને પણ પોતાની સ્પેશિયલ ફોર્સમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. અંગ્રેજી અખબાર ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના સમાચાર મુજબ આ મામલે એક સીનિયર અધિકારીએ રવિવારે કહ્યું કે નેવીના પગલાં પછી મહિલાઓને ત્રણેય ડિફેન્સ સર્વિસિઝમાં પહેલી વખત કમાન્ડો તરીકે સર્વિસ કરવાની અનુમતિ મળશે. આર્મી, નેવી અને એરફોર્સના સ્પેશિયલ જવાન હાર્ડ ટ્રેનિંગમાંથી પસાર થાય છે. આ ફોર્સ કોઈ પણ પ્રકારની આતંકી ઘટના પર કાર્યવાહી કરવામાં સક્ષમ હોય છે. હાલ ત્રણેય સેનાની સ્પેશિયલ ફોર્સમાં માત્ર પુરુષો જ સામેલ છે.
તમને જણાવી દઈએ કે, આર્મી, નેવી અને એરફોર્સના વિશેષ દળોમાં કેટલાક ખાસ સૈનિકોનો સમાવેશ થાય છે, જેમને સખત તાલીમ લેવી પડે છે. તેઓ ગુપ્ત કામગીરી હાથ ધરવા સક્ષમ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે હવે તાલીમ બાદ જો મહિલાઓ માપદંડ પર ખરી ઉતરે તો નેવીમાં મરીન કમાન્ડો બની શકે છે. તેમણે કહ્યું કે, ભારતના સૈન્ય ઈતિહાસમાં આ એક ઐતિહાસિક પગલું છે, પરંતુ કોઈને પણ સીધા વિશેષ દળોમાં સામેલ કરવામાં આવશે નહીં. સ્વયંસેવક તરીકે કામ કરવું પડશે.
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે સ્વયંસેવક માર્કોસ બનવાનો વિકલ્પ મહિલા અધિકારીઓ અને ખલાસીઓ બંને માટે ખુલ્લો રહેશે જેઓ આગલા વર્ષે અગ્નિવીર ભરતી હેઠળ સેવામાં જોડાશે.
માર્કોસ ઘણા મિશન ચલાવી શકે છે
નૌકાદળમાં માર્કોસ મિશનની શ્રેણી માટે પ્રશિક્ષિત છે અને સમુદ્ર, હવા અને જમીન પર મિશન હાથ ધરી શકે છે. આ કમાન્ડો દુશ્મનના યુદ્ધ જહાજો, લશ્કરી સ્પોટ્સ, વિશેષ ડાઇવિંગ ઓપરેશન્સ અને જાસૂસી મિશન સામે અપ્રગટ પ્રહારો કરી શકે છે. માર્કોસ દરિયાઈ ક્ષેત્રમાં પણ આતંકવાદીઓ સામે લડી શકે છે અને તેને કાશ્મીરના વુલર લેક વિસ્તારમાં આતંકવાદ વિરોધી ભૂમિકામાં તૈનાત કરવામાં આવ્યા છે.
અગ્નિવીરની ટ્રેનિંગ પર પણ નજર
મહિલાઓ માટે નેવીના સ્પેશિયલ ફોર્સ વિંગની શરૂઆત એવા સમયે થઈ જ્યારે સેનામાં પહેલી વખત ઓફિસર રેન્ક કેડરથી નીતે પર્સનલ એટલે કે જવાનોમાં સામેલ કરવામાં આવી રહ્યાં છે. નેવી ઓડિશામાં INS ચિલ્કા પ્રશિક્ષણ પ્રતિષ્ઠાનમાં મહિલાઓ સહિત અગ્નિવીરની પહેલી બેચની ટ્રેનિંગ પર નજર રાખશે. નેવીના અગ્નિવીરની પહેલી બેચમાં 341 મહિલાઓ સહિત 3000 ટ્રેની સામેલ છે.