રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબાની યાદમાં બનશે ‘હીરાબા સરોવર’
માત્ર 8 દિવસમાં તૈયાર કરવામાં આવશે આ સરોવર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 30 ડીસેમ્બરના રોજ નિધન થયું હતુ. અમદાવાદની યુ.એન.મેહતા હોસ્પીટલમાં હીરાબનું 100 વર્ષની વયે નિધન થયું હતું. હીરાબાના નિધન બાદ વડનગરમાં પ્રાર્થના સભા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો તથા રાજકીય નેતાઓ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : દિલ્હી કેસમાં નવા CCTV ફૂટેજ આવ્યા સામે, નવા વર્ષની પાર્ટી પછી અંજલિ સાથે હતી તેની મિત્ર પણ
ત્યારબાદ હવે હીરાબાની યાદમાં સૌરાષ્ટ્રના રાજકોટમાં ન્યારી ડેમ પર રૂપિયા 15 લાખના ખર્ચે એક સરોવરનું નિર્માણ કરવામાં આવશે. જેને ‘હીરાબા સરોવર’ નામ આપવામાં આવશે. આ સરોવર માત્ર 8 દિવસમાં તૈયાર કરવામાં આવશે. આ સરોવર બનાવવામાં ગીરગરા પરીવાર ટ્રસ્ટના ભીખુભાઈ વિરાણીના સહયોગથી બનાવવામાં આવશે. જેનું ખાતમુહુર્ત આવતીકાલે કરવામાં આવશે અને જાન્યુઆરીના અંત સુધીમાં ઓવરફલો પણ થઇ જશે.
ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ આ બાબતે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ સરોવરના નિર્માણ બાદ પાણી બચાવો અભિયાનમાં 75મો ચેકડેમ બનશે. લોકોમાં જાગૃતિ આવે, પાણીની બચત થાય, પશુ-પક્ષીઓ અને જીવજંતુઓને કુદરતી વાતાવરણ મળી રહે તેમજ ખેતીમાં વરસાદનું પાણી મળે વગેરે જેવા હેતુથી આ સરોવરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.