અમેરિકામાં હિન્દુઓએ પ્રમુખપદ માટે ટેકાની કરી જાહેરાતઃ જાણો કોને સમર્થન આપશે?
વોશિંગ્ટન, 7 સપ્ટેમ્બર : અમેરિકામાં યોજાનારી પ્રમુખની ચૂંટણીને લઈને નવા રચાયેલા સંગઠન ‘હિંદુઝ ફોર અમેરિકા ફર્સ્ટ’એ મોટી જાહેરાત કરી છે. આ સંગઠને જાહેરાત કરી છે કે તે પ્રમુખની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપશે અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઉપપ્રમુખ કમલા હેરિસ વિરુદ્ધ અભિયાન શરૂ કરશે. ‘હિંદુઝ ફોર અમેરિકા ફર્સ્ટ’ના પ્રમુખ અને સંસ્થાપક ઉત્સવ સંદુજાએ ગુરુવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી. આ કારણે અમેરિકાની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે.
તેમણે કહ્યું કે ટ્રમ્પ “ભારતના સમર્થક છે”, તેમનાથી વિપરીત, હેરિસે ભારત અને ભારતના લોકો માટે “અપમાનજનક નિવેદનો” કર્યા છે. તેમણે કહ્યું કે બિડેન-હેરિસ પ્રશાસને સરહદ સુરક્ષિત રાખી નથી. પ્રમુખ જો બિડેન પછી હેરિસ બીજા સૌથી શક્તિશાળી નેતા છે, પરંતુ તેમણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકા આવતા રોકવા માટે કશું કર્યું નથી.
હિન્દુઓએ કહ્યું- ટ્રમ્પ ભારતના સમર્થક છે
તેમણે કહ્યું, “ટ્રમ્પ ભારતના સમર્થક છે. તેમના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉત્તમ સંબંધ છે અને તેઓએ ઘણા સંરક્ષણ પ્રોજેક્ટ્સ પર સહયોગ કર્યો છે જે ભારતને ચીનનો સામનો કરવામાં મદદ કરશે જ્યારે ટ્રમ્પે ક્યારેય દેશની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કર્યો નથી.” તેમણે કહ્યું કે ‘હિંદુઝ ફોર અમેરિકા ફર્સ્ટ’ જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા, મિશિગન, વિસ્કોન્સિન, એરિઝોના અને નેવાડા જેવા રાજ્યોમાં હિન્દુ સમુદાયના સમર્થન પર આધારિત છે.
આ પણ જૂઓ: ભોજન ન મળતાં ટ્રક ડ્રાઇવરને આવ્યો ગુસ્સો, હોટેલની બહાર ઊભેલાં વાહનોને કચડી નાખ્યા; જૂઓ વીડિયો