ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

હિન્દુ અને બૌદ્ધ પણ બની રહ્યા છે ધાર્મિક ફોબિયાનો શિકાર: UNમાં ભારતે કરી રજૂઆત

  • માત્ર અબ્રાહમિક જ નહીં પરંતુ બિન-અબ્રાહમિક ધર્મોના ફોબિયાને પણ સ્વીકારવાની જરૂર: ભારત

ન્યુયોર્ક, 16 માર્ચ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાન દ્વારા ઇસ્લામોફોબિયા પર મૂકવામાં આવેલા ઠરાવ પર રજૂઆત કરવામાં આવી હતી. આ ‘ઈસ્લામોફોબિયા’ પર ચર્ચા દરમિયાન ભારતે સ્પષ્ટ કર્યું હતું કે, “માત્ર અબ્રાહમિક જ નહીં પરંતુ બિન-અબ્રાહમિક ધર્મો પણ ફોબિયાનો શિકાર છે, જેને આપણે સ્વીકારવાની જરૂર છે.” પાકિસ્તાને આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને કોઈપણ વિરોધ વિના 115 મતોથી પસાર કરવામાં આવ્યો હતો. ઇસ્લામોફોબિયા પરના આ ઠરાવથી ભારત દૂર રહ્યું હતું.

 

ફોબિયા માત્ર અબ્રાહમિક ધર્મો પૂરતો મર્યાદિત નથી. એવા ઘણા પુરાવા છે જેના પરથી સમજી શકાય છે કે બિન-અબ્રાહમિક ધર્મો પણ આનાથી પ્રભાવિત છે.” ભારતે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રમાં યહૂદી વિરોધી, ક્રિશ્ચિયનફોબિયા અથવા ઇસ્લામોફોબિયાની નિંદા કરી પરંતુ હિન્દુ, બૌદ્ધ અને શીખોને અસર કરતા ફોબિયા વિશે જણાવ્યું અને કહ્યું કે, “અબ્રાહમિક ધર્મો ઉપરાંતના ધાર્મિક ભયને ઓળખવાની જરૂર છે.”

મંદિરો, ગુરુદ્વારા અને મઠો જેવા ધાર્મિક સ્થળો પર હુમલા વધ્યા: રુચિરા કંબોજ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે જણાવ્યું હતું કે, “…બહુલતાવાદના ગૌરવશાળી ચેમ્પિયન તરીકે, ભારત તમામ ધર્મો અને આ ધર્મોના સમાન સંરક્ષણ-સંવર્ધનના સિદ્ધાંતને નિશ્ચિતપણે સમર્થન આપે છે. તે ઓળખીને તે મહત્વપૂર્ણ છે કે ફોબિયા અબ્રાહમિક ધર્મોથી પણ આગળ વિસ્તરેલ છે. દાયકાઓના પુરાવા દર્શાવે છે કે બિન-અબ્રાહમિક ધર્મોના અનુયાયીઓ પણ ધાર્મિક ફોબિયાથી પ્રભાવિત થયા છે. ખાસ કરીને હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મના વિરોધી તત્વો પણ સામે આવ્યા છે. ગુરુદ્વારા, મઠો અને મંદિરો જેવા ધાર્મિક સ્થળો પર વધતા હુમલાઓ સાથે, તે સ્પષ્ટ છે કે અન્ય ધર્મો પણ ફોબિયાથી કેવી રીતે પ્રભાવિત છે.”

ઠરાવની તરફેણમાં 115 મત પાડયા તો 44 દેશો દૂર રહ્યા

193-સભ્યની UNGAએ પાકિસ્તાન દ્વારા રજૂ કરવામાં આવેલા ‘ઇસ્લામોફોબિયા સામે લડવાના પગલાં પરના ઠરાવને અપનાવ્યો હતો, જેની તરફેણમાં 115 દેશોએ મતદાન કર્યું હતું. જ્યારે કોઈ દેશે તેનો વિરોધ કર્યો નથી. જોકે, ભારત, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, યુક્રેન અને બ્રિટન સહિત 44 દેશો આ ઠરાવ પર વોટિંગ કરવાથી દૂર રહ્યા હતા.

સંયુક્ત રાષ્ટ્ર માટે ધાર્મિક ચિંતાઓથી ઉપર રહેવું મહત્વપૂર્ણ: ભારત 

ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઠરાવને અપનાવવાથી એવી મિસાલ કાયમ થવી જોઈએ નહીં કે જે ચોક્કસ ધર્મો સાથે સંબંધિત ઠરાવો તરફ જ દોરી જાય, જે સંયુક્ત રાષ્ટ્રને ધાર્મિક શિબિરોમાં વિભાજિત કરી શકે. રુચિરા કંબોજે જણાવ્યું કે, “સંયુક્ત રાષ્ટ્ર માટે એવી ધાર્મિક ચિંતાઓથી ઉપર રહેવું મહત્વપૂર્ણ છે કે, “જે આપણને વિશ્વને એક વૈશ્વિક પરિવાર તરીકે સ્વીકારીને શાંતિ અને સંવાદિતાના બેનર હેઠળ એક થવાને બદલે વિભાજિત કરવાની ક્ષમતા ધરાવે છે.”

આ પણ જુઓ: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CM કેજરીવાલને મોટી રાહત, રાઉઝ એવન્યુ કોર્ટે આપ્યા જામીન

Back to top button