વેલેન્ટાઈન ડે પર હિન્દુ મહાસભાનું નવું ફરમાન, પ્રેમી પંખીડા ઝડપાશે તો બળજબરીથી કરાવશે લગ્ન
ફરુખાબાદ (ઉત્તર પ્રદેશ), 14 ફેબ્રુઆરી: વેલેન્ટાઈન ડે આવતાની સાથે જ ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લામાં હિન્દુ સંગઠનો સક્રિય થઈ ગયા છે. હિન્દુ મહાસભાએ ચેતવણી આપી છે કે જો વેલેન્ટાઈન ડેના દિવસે રેસ્ટોરન્ટ અને હોટલમાં યુગલો જોવા મળશે તો તેમના મંદિરમાં બળજબરીથી લગ્ન કરાવવામાં આવશે. વેલેન્ટાઈન ડેના વિરોધમાં હિન્દુ મહાસભાએ આ જાહેરાત કરી છે. આ સાથે હિન્દુ મહાસભાએ હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોને પણ ચેતવણી આપી છે. હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકોને કહેવામાં આવ્યું છે કે જો તેમની હોટલ કે રેસ્ટોરન્ટમાં કોઈપણ પ્રકારની ખોટી પ્રવૃત્તિ જોવા મળશે તો તેમની સામે વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાશે
શું છે સમગ્ર મામલો?
હિન્દુ મહાસભાએ આ વખતે પણ વેલેન્ટાઈન ડેનો વિરોધ કર્યો છે. હિન્દુ મહાસભાના યુવા પ્રદેશ અધ્યક્ષ વિમલેશ મિશ્રાએ કહ્યું કે જો કોઈ કપલ અમને હોટલ કે કોઈપણ રેસ્ટોરન્ટમાં દેખાશે તો અમે તેમને મંદિરમાં લગ્ન કરવા દબાણ કરીશું. પંડિતજી અમારી સાથે જ રહેશે. વેલેન્ટાઈન ડે વિરુદ્ધ હિન્દુ મહાસભાનું આ અભિયાન 14 ફેબ્રુઆરીએ સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી ચાલશે. તેમણે કહ્યું કે જિલ્લામાં ઘણી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને OYO હોટલ આવેલી છે. આવી રેસ્ટોરાં અને હોટેલો નિર્દોષ સગીર છોકરીઓને લલચાવીને દુષ્કર્મ આચરે છે. હિન્દુ મહાસભા સનાતન સંસ્કૃતિને બચાવવા માટે દરેક મોટું પગલું ભરશે.
હિન્દુ મહાસભાની મહિલા વિંગ પણ સક્રિય બની
હિન્દુ મહાસભાની મહિલા વિંગના શહેર પ્રમુખ પુષ્પા ઠાકુરે જણાવ્યું હતું કે હિન્દુ મહાસભાની ટીમ બરહપુર સ્થિત ગુડગાંવ દેવી, પાંડેશ્વરનાથ મંદિર, શીતળા માતા મંદિર સહિત હોટલ, રેસ્ટોરન્ટ અને મેળા શ્રી રામ નગરિયામાં પ્રેમી યુગલોની ઓળખ કરશે. તેમણે કહ્યું કે જો પ્રેમ યુગલ પુખ્ત વયના હશે તો તેમના લગ્ન મંદિરમાં કરવામાં આવશે અને આ દરમિયાન પૂજારી તેમની સાથે રહેશે. મહિલા નગર પ્રમુખે પ્રેમીપંખીડાઓને ચેતવણી પણ આપી છે કે જો અશ્લીલતા ફેલાવવામાં આવશે તો તેમને લાકડી વડે ઢોરમાર મારવામાં આવશે.
આ પણ વાંચો: યુપીમાં ઈન્ડી ગઠબંધનને ફટકો, જયંત ચૌધરીએ NDAમાં જોડાવાની જાહેરાત કરી