આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગવર્લ્ડ

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હિંદુ ક્રિકેટર લિટન દાસનું મોટું નિવેદન, ઘર સળગાવવાની અફવા અંગે જણાવ્યું સત્ય

  • બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે લિટન દાસે ફેસબુક પર એક લાંબી પોસ્ટ લખી છે. લિટન દાસે તેમના ઘરને સળગાવવાના સમાચારને ખાલી અફવા ગણાવી છે અને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે

ઢાકા, 10 ઓગસ્ટ: બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી તણાવનું વાતાવરણ છે. બાંગ્લાદેશમાં બળવા પછી નવી વચગાળાની સરકાર રચાઈ છે પરંતુ હિંસાનો કાળ હજુ પણ ચાલુ છે. તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં અનામતને લઈને હંગામો શરૂ થયો હતો, જેના કારણે વડાપ્રધાન શેખ હસીનાને પોતાની ખુરશી ગુમાવવી પડી હતી. દેશની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડવું પડ્યું. આ પછી બાંગ્લાદેશમાં હિંદુઓ અને લઘુમતીઓને નિશાન બનાવવાનું શરૂ થયું. દરમિયાન, અફવા ફેલાઈ હતી કે દેશના હિન્દુ ક્રિકેટર લિટન દાસનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. જો કે હવે લિટન દાસે પોતે આ અફવાને નકારી કાઢી છે.

બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન વચ્ચે બાંગ્લાદેશના ઓપનર લિટન દાસે ફેસબુક પર એક પોસ્ટ લખી છે જેમાં તેણે કહ્યું છે કે તે અને તેનો પરિવાર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને કંઈ થયું નથી. લિટન દાસે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, “પ્રિય દેશવાસીઓ, હું તમને બધાને આદરપૂર્વક એક વાત કહેવા માંગુ છું. તાજેતરમાં જ વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર અમારા ઘર પર હુમલાના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા છે, જેમાં કોઈ સત્યતા નથી. કોઈએ પણ આ અફવાઓ પર ધ્યાન ના આપવું જોઈએ. હું અને મારો પરિવાર સંપૂર્ણપણે સુરક્ષિત છીએ, આપણે આ દેશને કેવી રીતે આગળ લઈ જઈ શકીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

દેશને આગળ લઈ જવાની કરી અપીલ

લિટને વધુમાં કહ્યું કે બાંગ્લાદેશ એક બિન-સાંપ્રદાયિક દેશ છે અને આશા છે કે લોકો તેમની આસપાસના સંઘર્ષને નિયંત્રિત કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું, “બાંગ્લાદેશ એક બિન-સાંપ્રદાયિક દેશ છે. આપણે સાથે મળીને આ દેશને કેવી રીતે આગળ લઈ જઈ શકીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. મારા દિનાજપુરના લોકો તેમજ સમગ્ર દેશના લોકો જે રીતે અન્યોને બચાવવા ઉભા થયા છે તે ખરેખર પ્રશંસનીય છે અને હું આશા છે કે આપણે સાથે રહીશું અને આ દેશથી તમામ પ્રકારની હિંસાથી દૂર રાખીશું કારણ કે આ દેશ આપણા બધાનો છે.”

 

લિટન દાસ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો ઓપનિંગ બેટ્સમેન છે. તેણે 2015 માં બાંગ્લાદેશ માટે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેણે 41 ટેસ્ટ, 91 વનડે અને 89 T20I માં તેના દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં લગભગ 7 હજાર રન બનાવ્યા છે જેમાં કુલ 8 સદી અને 39 અડધી સદી સામેલ છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા વચ્ચે એક કટ્ટરપંથી બન્યા ધાર્મિક બાબતોના મંત્રી, જાણો કોણ છે 

Back to top button